સ્ટેશન પર અસ્વસ્થ પ્રવાસીને તબીબી મદદ પૂરી ન પાડનારા બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
મુંબઈ: હાર્બર લાઈનના રે રોડ સ્ટેશન પર અસ્વસ્થતાને કારણે ઢળી પડેલા પ્રવાસીને સમયસર તબીબી મદદ પૂરી ન પાડવાને કારણે તેનું મૃત્યુ થતાં બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સ્ટેશન પર ઢળી પડેલા અલ્લાઉદ્દીન મુજાહિદ (47)ને બે કોન્સ્ટેબલે ઊંચકીને ટ્રેનના લગેજના ડબ્બામાં મૂક્યો હતો, જ્યાં મુજાહિદનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણમાં સસ્પેન્ડ કરાયેલા કોન્સ્ટેબલોની ઓળખ વિજય ખાંડેકર અને મહેશ આંદળે તરીકે થઈ હતી.
એક દુકાનમાં સેલ્સમૅન તરીકે કામ કરતો મુજાહિદ 14 ફેબ્રુઆરીએ શિવડીથી ટ્રેનમાં ચઢ્યો હતો. મસ્જિદ વિસ્તારમાં જવા માટે તે રે રોડ સ્ટેશને ટ્રેનમાંથી ઊતર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં નજરે પડે છે કે મુજાહિદને અસ્વસ્થ લાગતાં તે રે રોડ સ્ટેશનના પ્લૅટફોર્મ નંબર-2ની બૅન્ચ પર બેસી ગયો હતો. પછી એકાએક બેભાન થઈ તે ઢળી પડ્યો હતો.
થોડી મિનિટો પછી ફરજ પર હાજર બે કોન્સ્ટેબલ મુજાહિદને તપાસતાં હોવાનું ફૂટેજમાં નજરે પડે છે. નશાનો બંધાણી હોવાનું માનીને બન્ને કોન્સ્ટેબલે તેને ઊંચકીને લોકલ ટ્રેનના લગેજના ડબ્બામાં મૂકી દીધો હતો.
બીજે દિવસે રેલવે પોલીસને ગોરેગામ સ્ટેશને નિયમિત તપાસ દરમિયાન મુજાહિદ લગેજના ડબ્બામાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તે સમયે બોરીવલી રેલવે પોલીસે એડીઆર નોંધી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે ગોરેગામ સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધીના 100 જેટલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. મુજાહિદ રે રોડ સ્ટેશને પડી ગયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. મુજાહિદને ખાંડેકર અને આંદળે તબીબી મદદ પૂરી પાડવાને બદલે ટ્રેનના લગેજના ડબ્બામાં મૂકતા ફૂટેજમાં નજરે પડ્યા હતા.
પોસ્ટમોર્ટમના અહેવાલ અનુસાર બ્રેન હેમરેજને કારણે મુજાહિદનું મૃત્યુ થયું હતું. ખાતાકીય તપાસ બાદ બન્ને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને બેદરકારીને શખસના મૃત્યુ માટે કારણભૂત ઠરવા બદલ તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)