વેપાર

ફેડરલ દ્વારા વહેલા વ્યાજ કપાતનો આશાવાદ: વૈશ્વિક સોનામાં સળંગ આઠ સત્રમાં તેજી

વિશ્વ બજાર પાછળ આગઝરતી તેજીથી સોનામાં લગ્નસરાની અપેક્ષિત માગને ફટકો

કોમોડિટી – રમેશ ગોહિલ

અમેરિકા ખાતે ફુગાવાના દરમાં ઘટાડો થયાના નિર્દેશો બાદ ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ સપાટી પર આવતા ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ રહેતાં સોનામાં તેજીના મંડાણ થયા હતા. વધુમાં ગત શુક્રવારે જાહેર થયેલા બેરોજગારીના ડેટામાં અપેક્ષા કરતાં વધુ વધારો થયો હોવાથી વહેલાસર વ્યાજકપાતની શક્યતા વધુ મજબૂત થઈ હતી અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં સળંગ આઠ સત્ર સુધી સુધારાની આગેકૂચ જળવાઈ રહી હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત શુક્રવારે બેરોજગારીના ડેટા જાહેર થયા બાદ એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 2185.50 ડૉલરની સર્વોચ્ચ સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, ત્યાર બાદ ભાવ આગલા બંધ સામે 0.5 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 2170.55 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.9 ટકા વધીને 2185.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં વન વે તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું, પરંતુ ઊંચા મથાળેથી રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની માગને ફટકો પડ્યો હોવાનું અને રિસાઈકલિંગના પ્રમાણમાં વધારો થયો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું. જોકે, ગત શુક્રવારે સ્થાનિકમાં ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિયેશન મહાશિવરાત્રીની જાહેર રજા નિમિત્તે સત્તાવાર ધોરણે બંધ રહેતાં સપ્તાહ દરમિયાન કામકાજના ચાર સત્ર જ રહ્યા હતા. એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત પહેલી ફેબ્રુઆરીના 10 ગ્રામદીઠ રૂ. 62,816ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 63,473ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખુલતી જ રૂ. 63,473ની સપાટી અને ઉપરમાં રૂ. 65,049 સુધી પહોંચ્યા બાદ અંતે રૂ. 64,955ના મથાળે બંધ રહ્યા હતા. આમ ભાવમાં સાપ્તાહિક ધોરણે 3.40 ટકાનો અથવા તો રૂ. 10 ગ્રામદીઠ રૂ. 2139ની ઝડપી આગઝરતી તેજી આવી હતી. જોકે, ગત શુક્રવારે જાહેર રજા હતી અન્યથા ભાવમાં હજુ ઉછાળો જોવા મળ્યો હોત.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના મુખ્ય વપરાશકાર દેશોમાં ભારત ચીન પછી બીજો ક્રમાંક ધરાવે છે અને સોનાનો મુખ્ય આયાતકાર દેશ પણ છે. તેમ જ સ્થાનિકમાં એક તબક્કે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 65,000ની સપાટી કુદાવી જતાં માગ તળિયે બેસી ગઈ હતી અને ડીલરો વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 14 ડૉલર ડિસ્કાઉન્ટ ઑફર કરવા મજબૂત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનનાં પ્રમુખ પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું કે હાલના ઊંચા મથાળેથી કોઈ ગ્રાહક સોનું ખરીદવા રાજી નથી જો ઊંચી ભાવસપાટી લાંબા સમયગાળા સુધી જળવાયેલી રહેશે તો નિશ્ચતપણે પ્રવર્તમાન લગ્નસરાની માગ પર માઠી અસર પડશે. તેમ જ આ મથાળેથી બૅન્કો તથા રિફાઈનરોને સોનાની આયાત કરવા માટેનું કોઈ કારણ નથી આથી માર્ચ મહિનામાં સોનાની આયાત પણ નગણ્ય જેવી જ રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
વધુમાં મુંબઈ સ્થિત એક સોનાના હોલસેલરે જણાવ્યું હતું કે તાજેતરમાં સોનાના ભાવમાં ઝડપી તેજી આવી હોવાથી સ્થાનિકમાં સ્ક્રેપના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. જે ગ્રાહકોને નવાં આભૂષણો ખરીદવા છે તેઓ જૂના આભૂષણો એક્સચેન્જ કરી રહ્યા છે. આમ એકંદરે નવી જ્વેલરી માટેની માગ તળિયે બેસી છે. તે જ પ્રમાણે લંડન સ્થિત વિશ્લેષક રોસ નોર્મને જણાવ્યું હતું કે એશિયન ખરીદદારો ભાવ સંવેદનશીલ વધુ હોય છે, પરંતુ ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં લોકમાનસમાં બદલાવ આવે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
એકંદરે ગત સપ્તાહે અમેરિકી ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે સેનેટમાં તેની ટેસ્ટીમનીમાં જણાવ્યું હતું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો હોવાનો વિશ્વાસ સંપાદિત કરવાથી અમે બહુ દૂર નથી. આમ ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા બજાર વર્તુળોના વિશ્વાસમાં વધારો થતાં સોનામાં મક્કમ વલણ જોવા મળી રહ્યું છે. આમ હવે 73 ટકા બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા મૂકી રહ્યા હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં ડૉલર ઈન્ડેક્સ અને ટે્રઝરી યિલ્ડમાં નરમાઈનું વલણ રહેતાં સોનામાં શક્યતા નફારૂપી વેચવાલીના આંચકા પચાવી તેજી આગળ ધપી શકે છે. અમારા મતાનુસાર આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોના માટે આૈંસદીઠ 2120 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને 2210 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં 10 ગ્રામદીઠ રૂ. 63,500ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટીએ રૂ. 66,200ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા જણાય છે. અમેરિકાનાં જાહેર થયેલા જોબ ડેટા થકી ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા મજબૂત બનાવી હોવાનું ન્યૂ યોર્ક સ્થિત મેટલ ટે્રડર તાઈ વૉંગે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં તેજી આગળ ધપે તેવી શક્યતા હોવા છતાં પણ સતત આઠ સત્રની તેજી પશ્ચાત્‌‍ ટૂંકા સમયગાળાનું પણ કોન્સોલિડેશન જરૂરી છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button