શરદ પવારને વધુ એક ઝટકો, પૌત્ર રોહિત પવારની 50 કરોડથી વધુની સંપત્તિ EDએ કરી જપ્ત
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના સુપ્રીમો શરદ પવારને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. આજે શુક્રવાર 8 માર્ચના રોજ ઈડીએ શરદ પવારના પૌત્ર રોહિત પવારની માલિકીની સુગર મિલની 50 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એક નિવેદન જાહેર કરીને આ અંગે જાણકારી આપી છે. ઈડીએ આ કાર્યવાહી કથિત મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક (MNSB) કૌંભાડ અને મની લોન્ડ્રિંગ કેસમાં કરી છે.
ઈડીના જણાવ્યા પ્રમાણે ઔરંગાબાદ જિલ્લાના કન્નડ ગામમાં આવેલા કન્નડ સહકારી સખાર કારખાના લિમિટેડ (કન્નડ એસએસકે)ની કુલ 161.30 એકર જમીન, સંયંત્ર, મશીનરી તથા ઈમારતને મની લોન્ડ્રિંગ કાનુન હેઠળ હંગામી ધોરણે ટાંચમાં લીધું છે.
ઉલ્લેખનિય છે કે એસએસકેની માલિકી બારામતી એગ્રો લિમિટેડ પાસે છે, અને તે રોહિત પવારની કંપની છે. કર્જત-જામખેડા વિધાનસભા સીટથી ધારાસભ્ય રોહિત પવારની ઈડીએ જાન્યુઆરીમાં બારામતી એગ્રો, કન્નડ એસએસકે અને કેટલાક સંકુલોની તપાસ બાદ પૂછપરછ કરી હતી. કેન્દ્રિય એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે તેમની લગભગ 11 કલાક સુધી પૂછપરછ કરી હતી. ઈડીના એક સમન બાદ રોહિત પવાર ગયા હતા, અને તેમની સતત પૂછપરછ કરી હતી. ત્યાર બાદ 1 ફેબ્રુઆરીના રોજ લગભગ 8 કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. હવે એજન્સીએ તેમની પ્રોપર્ટી જપ્ત કરી છે.
આ કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ઓગસ્ટ 2019માં FIR નોંધી હતી. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સહકારી ક્ષેત્રમાં ખાંડ મિલોના કથિત બનાવટી રીતે વેચાણના આરોપોની તપાસ કરવાનો આદેશ આપ્યા પછી કેન્દ્રીય એજન્સી દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એવી પણ વાત સામે આવી હતી કે જમીન ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી હતી.