વર્ષ 2024માં રેટ કટના પૉવૅલના સંકેતે વૈશ્વિક સોનું વિક્રમ સપાટીએ
સ્થાનિક શુદ્ધ સોનું 65,000ની સપાટી કુદાવી પાછું ફર્યું, અંતે 462ની તેજી
મુંબઈ: ભવિષ્યમાં જો અર્થતંત્રમાં અપેક્ષા મુજબ સુધારાતરફી વલણ જળવાઈ રહે અને ફુગાવામાં ઘટાડો થાય તો આગામી મહિનાઓમાં વ્યાજદરમાં કાપ મૂકવાની શક્યતા ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વ્યક્ત કરતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 2161.09 ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચ્યા બાદ પાછા ફર્યા હતા. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 554થી 556ની ઝડપી તેજી આવી હતી અને શુદ્ધ સોનાના ભાવ રૂ. 65,000ની સપાટી કુદાવી ગયા હતા. જોકે, આજે મધ્યસત્ર બાદ રૂપિયામાં સુધારો આગળ ધપતાં અંતે 15 પૈસાનો સુધારો નોંધાવાથી સોનાની આયાત પડતર ઘટતાં સત્રના અંતે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 554થી 556ના સુધારા સાથે બંધ રહ્યા હતા. તેમ જ આજે ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 555 વધીને બંધ રહ્યા હતા. આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનો અન્ડરટોન રહ્યો હતો, જેમાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 460 વધીને રૂ. 64,695ના મથાળે રહ્યા હતા અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 462 વધીને રૂ. 64,955ના મથાળે રહ્યા હતા. જોકે, મધ્યસત્ર દરમિયાન 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 556ની તેજી સાથે રૂ. 65,000ની સપાટી કુદાવીને રૂ. 65,049ના મથાળે રહ્યા હોવાનું સૂત્રોએ જણાવતા ઉમેર્યું હતું કે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 15 પૈસા મજબૂત થતા સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી આરંભિક સુધારો ધોવાયો હતો. જોકે, આજે ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો હોવાથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકો સહિત રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી, પરંતુ ઊંચા મથાળેથી જૂના સોનામાં રિસાઈકલિંગનાં પ્રમાણમાં વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 555 વધીને રૂ. 72,265ની સપાટીએ રહ્યા હતા.
એકંદરે ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે આગામી મહિનાઓમાં વ્યાજદરમાં કપાતના સંકેતો આપતાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં સોનાની તેજીને પ્રેરકબળ મળ્યું હતું અને ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ વધીને ગત નવેમ્બર, 2021 પછીની ઊંચી આૈંસદીઠ 2161.09 ડૉલરની સપાટી સુધી પહોંચીને પાછા ફર્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સુધારો આગળ ધપતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 2157.51 ડૉલર અને વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 2165.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.