ડૉલર સામે રૂપિયો 15 પૈસા ઉછળ્યો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત બીજા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં 15 પૈસાના ઉછાળા સાથે 82.73ની સપાટીએ બંધ રહ્યો હતો. તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં પણ ભાવ ઘટી આવ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 82.83ના બંધ સામે સાધારણ સુધારા સાથે 82.82ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 82.82 અને ઉપરમાં 82.68 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 15 પૈસાના સુધારા સાથે 82.68ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.13 ટકા ઘટીને 103.18 અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.82 ટકા ઘટીને બેરલદીઠ 82.28 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 33.40 પૉઈન્ટ અને 19.50 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો.