ઓસ્કરમેનિયા ટોપ ટેન ફિલ્મ્સ વચ્ચે ટોપ ટક્કર
વિશ્ર્વના સૌથી વિશ્ર્વસનીય એવોર્ડ્સના સમારોહ પહેલાં જાણો આ વર્ષની બેસ્ટ ફિલ્મ્સ વિશે
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
(ભાગ – ૨)
આ વર્ષના ઓસ્કર્સ સમારોહની એ ડોલ્બી થિયેટરની રવિવારની સાંજ અને ભારતમાં સોમવારની વહેલી સવારને બે-અઢી દિવસની જ વાર છે.
ગયા સપ્તાહે આપણે બેસ્ટ પિક્ચર કેટેગરીમાં નોમિનેટ થયેલી ટોપ ટેન ફિલ્મ્સની વાત કરી રહ્યા હતા. વર્ષ દરમિયાન ગાજેલી અને જ્યુરીએ નોમિનેટ કરેલી બેસ્ટ ફિલ્મ્સની વાત તો કરવી જ રહી ને. ફિલ્મ કોઈ પણ વિજેતા બને, આપણને કલા અને મનોરંજન જગતમાં કઈ-કઈ ફિલ્મ્સ ટોચ પર છે એ ખબર તો હોવી જોઈએ અને
હા, સિનેરસિકોએ તેમાંથી શક્ય તેટલી જોવી પણ જોઈએ!
ગયા શુક્રવારે એ દસમાંથી પાંચ જ ફિલ્મ્સ વિશે આપણે ચર્ચા કરી. હજુ પાંચ ફિલ્મની વાત બાકી છે. ચાલો, બાકીની ફિલ્મ્સની વાત આગળ વધારીએ.
કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
(Killers Of The Flower Moon):
અમેરિકાના ઓક્લાહામાની ઓસેજ કાઉન્ટીમાં ૧૯૨૦ના દાયકામાં ખૂબ જ રસપ્રદ ઘટનાઓ બની હતી. આ વિસ્તારના ટ્રાઇબલ લોકોને એમના રહેવા ખાતર ઠીક ઠીક કહી શકાય તેવા વિસ્તારમાં એક દિવસ અચાનક ખનીજ તેલ મળી આવે છે. પછી તો વધુ તેલ માટેની શોધખોળ ચાલુ થાય છે અને તેલનો વેપાર પણ ધમધોકાર ચાલવા લાગે છે, પણ એ સાથે જ અમીર ધંધાદારીઓની નજર આ વિસ્તાર અને તેના લોકો પર પડે છે અને શરૂ થાય છે હત્યાઓનો સિલસિલો. આ હત્યાઓને લઈને ત્યાંના લોકો અને અમીર ધંધાદારીઓ વચ્ચે સંઘર્ષ ચાલતો રહે છે. હકીકતમાં બનેલી અનેક વર્ષો સુધીની આ હત્યાઓની ઘટનાઓને કાલ્પનિક વાર્તામાં ઢાળીને આ ફિલ્મ બનાવવામાં આવી છે.
ગયા સપ્તાહે કહેલું કે ‘મેસ્ટ્રો’ના એક પ્રોડ્યુસર માર્ટિન સ્કોર્સેઝીની દિગ્દર્શક તરીકેની પણ એક ફિલ્મ રેસમાં છે એ આ જ ફિલ્મ. ‘કિલર્સ ઓફ ધ ફ્લાવર્સ મૂન’ને બેસ્ટ પિક્ચર સહિત કુલ ૧૦ ઓસ્કર્સ નોમિનેશન મળ્યા છે. ડેવિડ ગ્રેન લિખિત આ જ નામના પુસ્તક પર આધારિત આ ફિલ્મ છે.
રાઇટર: એરિક રોથ, માર્ટિન સ્કોર્સેઝી
ડિરેક્ટર: માર્ટિન સ્કોર્સેઝી
કાસ્ટ: લિયોનાર્દો ડીકેપ્રિયો, રોબર્ટ ડી નીરો, લીલી ગ્લેડસ્ટોન
ધ હોલ્ડઓવર્સ (The Holdovers):
આ કોમેડી ડ્રામા ફિલ્મ સેટ છે ૧૯૭૦-૭૧ના શિયાળાની ઋતુમાં. ન્યુ ઇંગ્લેન્ડ બોર્ડિંગ સ્કૂલમાં ક્રિસમસની રજાઓ પડે છે.
વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે તહેવારની રજાઓ માણવા જતા રહે છે. પણ કોઈને કોઈ કારણસર અમુક વિદ્યાર્થીઓ કે જે ઘરે કે બીજી કોઈ જગ્યાએ જઈ શકે તેમ નથી એ બધા સ્કૂલમાં જ રહી જાય છે. અને એમનું ધ્યાન રાખવા માટે નીમવામાં આવે છે ક્લાસિક્સ સ્ટડીઝના શિક્ષક પોલ હનહેમને. પોલ સ્વભાવે બહુ જ કડક અને ખડૂસ છે. એમને વિદ્યાર્થીઓ સાથે વાંધો હોય છે ને વિદ્યાર્થીઓને એમની સાથે. હવે આ રજાના સમયગાળામાં સૌ એકબીજા સાથે રહેવા ભેરવાઈ જાય છે ને એમાંથી જ સર્જાય છે ઘર્ષણ, રમૂજ અને એવી સંવેદનાઓ, જે ફિલ્મને રસપ્રદ બનાવે છે.
‘ધ હોલ્ડઓવર્સ’ને આ સહિત પાંચ એકેડમી એવોર્ડ્સ માટે નોમિનેશન મળ્યું છે.
રાઇટર: ડેવિડ હેમિન્ગ્સન
ડિરેક્ટર: એલેક્ઝાન્ડર પેઇન
કાસ્ટ: પોલ જમાટી, ડેવિન જોય રેન્ડોલ્ફ, ડોમિનિક સેસા
બાર્બી (Barbie):
બોક્સ ઓફિસ અને પોપ કલ્ચરમાં અતિશય સફળ નીવડેલી આ ફેન્ટસી કોમેડી ફિલ્મ સૌ જાણે છે તેમ ‘બાર્બી’ નામના રમકડાં પરથી બની છે. આમ તો જો કે આ પહેલાં પણ બાર્બી પરથી ફિલ્મ્સ અને ટીવી શોઝ બની જ ચૂક્યા છે, પણ બાર્બી પર બનેલી આ સૌ પ્રથમ લાઈવ એક્શન ફિલ્મ છે. બાર્બીની અતિ પ્રચલિત વાર્તા આ ફિલ્મમાં પણ છે. બાર્બી અને એનો દોસ્ત કેન બાર્બીલેન્ડમાં રહે છે. પણ બાર્બીને કોઈ કારણોસર સજા મળે છે અને એને વાસ્તવિક દુનિયામાં રહેવા જવું પડે છે. બાર્બી અને કેન બંને પહેલી વખત સાચી દુનિયામાં આવે છે પછી અનેક મુસીબતોનો સામનો કરતી
એમની સફર હાસ્યસભર અને મજેદાર રહે છે.
‘બાર્બી’ ૧.૪ બિલિયન ડૉલર્સ સાથે ૨૦૨૩ની પ્રથમ અને ઓલટાઈમ ચૌદમા ક્રમની હાઈએસ્ટ ગ્રોસર ફિલ્મ બની ચૂકી છે.
ફિલ્મને એકેડમી એવોર્ડ્સમાં આઠ નોમિનેશન્સ મળ્યા છે.
રાઈટર: ગ્રેટા ગર્વિગ, નોઆહ બોમ્બાક
ડિરેક્ટર: ગ્રેટા ગર્વિગ
કાસ્ટ: માર્ગો રોબી, રાયન ગોઝલિંગ, અમેરિકા ફરેરા
એનાટોમી ડ્યુન શુટ (Anatomy Dune Chute):
આ ફ્રેન્ચ ફિલ્મનું ઇંગ્લિશમાં નામ છે, ‘Anatomy Of A Fall’. સાઉથ ઇસ્ટર્ન ફ્રાન્સના ગ્રીનોબલ શહેરથી થોડે દૂર પહાડોમાં લેખિકા સેન્ડ્રા અને એનો લેક્ચરર પતિ વિન્સેન્ટ આંખની તકલીફ સાથે જીવતા દીકરા ડેનિયલ સાથે રહે છે. એક દિવસ ડેનિયલ પોતાના કૂતરાને વોક પરથી પાછો લઈને આવતો હોય છે ત્યારે એને ખબર પડે છે કે ઘરના ત્રીજા માળેથી કોઈ રીતે પડીને એના પિતા વિન્સેન્ટનું મૃત્યુ થયું છે. શરૂઆતમાં તો અકસ્માત અને આત્મહત્યા પર ચર્ચાઓ ચાલે છે. પણ પછી તપાસમાં સેન્ડ્રા અને વિન્સેન્ટના ઝગડાઓના કારણે સેન્ડ્રાએ જ એના પતિનું ખૂન કર્યું છે એવો આરોપ લાગે છે. સેન્ડ્રા પોતાનો બચાવ કરવા પ્રયત્નો કરતી રહે છે અને ફિલ્મ આગળ વધે છે.
‘એનાટોમી ડ્યુન શુટ’ને બેસ્ટ પિક્ચર સહિત પાંચ એકેડમી એવોર્ડ્સ નોમિનેશન મળ્યા છે.
રાઇટર: જસ્ટિન ટ્રાઈટ, આર્થર હરારી
ડિરેક્ટર: જસ્ટિન ટ્રાઈટ
કાસ્ટ: સેન્ડ્રા હ્યુલર, સ્વાન આર્લોડ, માઈલો મેકાડો-ગ્રેનર
અમેરિકન ફિક્શન (American Fiction):
થીલોનિયસ એલિસન એક બ્લેક પ્રોફેસર અને લેખક છે. એનાં પુસ્તકોને પ્રશંસા તો મળે છે, પરંતુ જોઈએ તેટલું તેનું વેચાણ નથી થતું. સામાજિક પરિસ્થિતિ એવી છે કે લેખક બ્લેક હોય અને એ પોતાના બ્લેક હોવાના કારણે થતા જીવન સંઘર્ષની વાત પુસ્તકમાં કરે તો જ એના પુસ્તકને વાચકો ગંભીરતાથી લે. એના નવા પુસ્તકને પણ પબ્લિશર્સ જોઈએ તેટલું બ્લેક ‘પુસ્તક નથી’ એમ કહીને નકારે છે. એલિસન કંટાળીને બ્લેક લાઈફનાં પુસ્તકો પર જ એક કટાક્ષ કરતું પુસ્તક લખી કાઢે છે.
પબ્લિશર તેને છાપે છે અને પુસ્તક બેસ્ટસેલર બની જાય છે, પણ તકલીફ માત્ર એક વાતની રહે છે કે એ પુસ્તકને પણ દુનિયા કટાક્ષ અને રમૂજના બદલે ગંભીરતાથી લે છે,જેના કારણે એલિસનની જિંદગીમાં ને ફિલ્મમાં અનેક છબરડા વળે છે.
૨૦૦૧ની ‘પર્સીવલ એવરેટના અરેઝર’ પુસ્તક આધારિત ‘અમેરિકન ફિક્શન’ પુસ્તકને આ કેટેગરી સહિત એકેડમી
એવોર્ડ્સમાં કુલ પાંચ નોમિનેશન મળ્યા છે.
રાઇટર-ડિરેક્ટર: કોર્ડ જેફરસન
કાસ્ટ: જેફ્રી રાઈટ, ટ્રેસી એલિસ રોસ, જ્હોન ઓર્ટિઝ
લાસ્ટ શોટ
દિગ્દર્શક માર્ટિન સ્કોર્સેઝીએ રોબર્ટ ડી નીરો સાથે દસ ફિચર ફિલ્મ અને એક શોર્ટ ફિલ્મમાં અને લિયોનાર્દો ડીકેપ્રિયો સાથે
છ ફિચર ફિલ્મ અને એક શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે.