બા અદબ, બા મુલાહિજા હોશિયાર!સામ્રાજ્ઞી કી સવારી આ રહી હૈ !

મહિલાલક્ષી ફિલ્મ તરીકે ઓળખાતા હિન્દી ચિત્રપટની વર્ષ દરમિયાન રિલીઝની સંખ્યા માટે એક પંજાના વેઢા પણ વધી પડે એ હકીકત છે. આમ છતાં, એક નજર આવનારી ફિલ્મો પર…
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
આજે ૮ માર્ચ….વિશ્ર્વ મહિલા દિન.
હવે મહિલા પહેલાં જેટલી દીન (ગરીબડી) નથી રહી, રિયલ લાઈફમાં અને રીલ લાઈફમાં સુધ્ધાંમાં…
મહિલાલક્ષી ફિલ્મો એકવીસમી સદીમાં બને છે અને વીસમી સદીના ત્રીજા દાયકામાં પણ બની હતી. ૧૯૩૫માં કનૈયાલાલ મુનશીની બે વાર્તા પરથી ‘આલમ આરા’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દિગ્દર્શક સર્વોત્તમ બદામીએ ‘ડો. મધુરિકા’ અને ‘બૈરકા બદલા’ નામની બે ફિલ્મ બનાવી હતી, જેમાં નારીનો મહિમા કેન્દ્રસ્થાને હતો. આમ મહિલા કેન્દ્રીય ફિલ્મો ૯૦ વર્ષ પહેલાં પણ બનતી હતી. એકવીસમી સદીમાં આ પ્રકારની ફિલ્મો બનાવવા વધુ સભાનતા જોવા મળી રહી છે.
અનન્યા પાંડેએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે : ‘દિલ ચાહતા હૈ’ કે ‘જિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મો યંગ ગર્લ્સને ‘લઈ બનાવવી જોઈએ.’
સમાજ વ્યવસ્થા- સામાજિક વિચારધારા વગેરેમાં આવેલા બદલાવને પગલે વાર્તાના વિષયમાં એની ટ્રિટમેન્ટમાં પણ બદલાવ આવ્યો છે જે સ્વાભાવિક છે.
આ વર્ષે અપેક્ષિત મહિલાલક્ષી ફિલ્મો પર એક નજર…
‘ઈમરજન્સી’ને બાદ કરતાં બધી ફિલ્મોનું દિગ્દર્શન પુરુષ ડિરેક્ટરે કર્યું છે. હા, ‘દો પત્તી’નું નિર્માણ બે અભિનેત્રીએ કર્યું છે અને ‘જિગરા’માં પણ એક અભિનેત્રી સહ- નિર્માત્રી છે. અલબત્ત, કેટલીક ફિલ્મોમાં લેખનકાર્ય મહિલાનું છે, જે આવકાર્ય છે.
‘મર્દાની’ ૩ – રાની મુખરજી
આદિત્ય ચોપડા – પ્રદીપ સરકારની ૨૦૧૪માં આવેલી ફિલ્મ ‘મર્દાની’ને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી હતી. ચાઈલ્ડ સેક્સ ટ્રાફિકિંગ – બાળ લૈંગિક તસ્કરીનો પર્દાફાશ કરતી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સિનિયર ઇન્સ્પેક્ટર શિવાની શિવાજી રોય (રાની મુખરજી) ‘મર્દાની’ અને ‘મર્દાની ૨’માં પ્રેક્ષકો તેમજ વિવેચકોને પ્રભાવિત કર્યા પછી અભિનેત્રી હવે ‘મર્દાની ૩’માં શિવાની શિવાજી રોયના પાત્રને નવેસરથી રજૂ કરશે. ૨૦૨૪ના અંતમાં અથવા ૨૦૨૫ના પ્રારંભમાં સિરીઝની ત્રીજી ફિલ્મ રિલીઝ થવાની સંભાવના છે. પહેલી ફિલ્મ પ્રદીપ સરકારે ડિરેક્ટ કરી હતી. બીજીમાં એ જવાબદારી કથા લેખક ગોપી પુથરને સંભાળી હતી. ત્રીજીમાં ડિરેક્ટર કોણ છે એ જાણવું રસપ્રદ રહેશે, કારણ કે આ પ્રકારની ફિલ્મમાં ડિરેક્ટર જો ઊણો ઊતરે તો ફિલ્મ દિશાહીન બની જવાની સંભાવના રહેલી છે.
સ્ત્રી ૨ – શ્રદ્ધા કપૂર:
૨૦૧૮માં રિલીઝ થયેલી ‘સ્ત્રી’ કોમેડી – હોરર ફિલ્મ હતી . બોક્સ ઓફિસ પર એને ઘી- કેળા રહ્યા હતા. ચંદેરી નામના ગામમાં સ્ત્રીનું ભૂત પુરુષોને ઉઠાવી જાય છે અને પછી વિક્રાંત નામના લેડીઝ ટેલરનો ભેટો એક મોહક મહિલા સાથે થાય છે અને પછી મજેદાર ઘટનાઓ આકાર લે છે. મનોરંજનનું પડીકું સાબિત થયેલી આ ફિલ્મની સિક્વલમાં પહેલી ફિલ્મના મુખ્ય કલાકાર જાળવી રખાયા છે, પણ પુરુષોમાં ભય પેદા કરતી સ્ત્રી અને ‘સર કટેકા આતંક’ ટેગલાઈન સિક્વલ વિશે ઉત્કંઠા જગાવે છે.
ધ ક્રૂ – કરીના કપૂર, તબુ ને ક્રિતી સેનન:
અંગ્રેજી શબ્દ ‘ક્રૂ’ નો અર્થ થાય છે કર્મચારી ગણ. ફિલ્મના પ્રોમોમાં ત્રણેય અભિનેત્રી ચોક્કસ ગણવેશમાં એમની બેગ સાથે એરપોર્ટમાં પ્રવેશતી દેખાય છે. એરલાઈન માટે કામ કરતા હશે એવો અંદાજ બંધાય છે. કોમિક ટીવી સિરીઝ માટે જાણીતા રાજેશ ક્રિષ્ણન દિગ્દર્શિત આ માર્ચમાં રિલીઝ થનારી ‘ક્રૂ’ ફિલ્મમાં દિલજિત દોસાંજ પણ છે. તબુની હાજરી હોવાથી કથા રસપ્રદ હશે અને વળાંક ધરાવતી હશે એવી ધારણા રાખીએ તો ખોટી નહીં પડે એવું કહી શકાય. વાર્તાની રૂપરેખા એવી છે કે આ ત્રણેય અત્યંત મહેનતુ મહિલા છે, પણ એમનું ભાગ્ય એમને અકલ્પનિય પરિસ્થિતિમાં મૂકી દે છે અને એમાંથી નીકળવા એ ત્રણેય જૂઠાણાંનાં ઝાળામાં ફસાઈ જાય છે. આ વિષમ પરિસ્થિતિમાં એમનાં શા હાલ થાય છે અને એમાંથી એ કેવી રીતે બહાર નીકળે છે એ કથાનો સાર હોવો જોઈએ.
ઈમરજન્સી- કંગના રનૌટ:
તેલુગુ ફિલ્મના કોઈ કાર્યક્રમમાં ‘તમને દેશના વડાં પ્રધાન બનવાનો વિચાર ક્યારેય આવ્યો છે ખરો?’ એવો સવાલ કરવામાં આવતા કંગના હસી પડી ને એટલું જ બોલી કે ‘મેં હમણાં જ ’ ઈમરજન્સી’ નામની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. ફિલ્મ જોયા પછી હું વડાં પ્રધાન બનું એવું કોઈ નહીં ઈચ્છે. કંગનાએ ભલે આ વાત મજાકમાં કહી હોય, ‘ઈમરજન્સી’ કેવી ફિલ્મ હશે એનો અણસાર જરૂર આવી જાય છે. અલબત્ત, કંગનાનો રાજકીય ઝુકાવ જાણીતો હોવા છતાં ભારતીય રાજકારણના નામચીન અને ગમગીન પ્રકરણને એ કેવો ન્યાય આપે છે એનું કુતૂહલ તો રહેવાનું જ. કંગનાએ સ્વર્ગીય વડાં પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીનો રોલ કરવા ઉપરાંત ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી પણ સંભાળી છે.
વાયઆરએફ સ્પાય યુનિવર્સ મૂવી-આલિયા ભટ્ટ:
યશરાજ ફિલ્મ્સ દ્વારા ‘એક થા ટાઈગર’ (૨૦૧૨)થી સ્પાય યુનિવર્સ ફિલ્મ્સ- જાસૂસી ફિલ્મના દોરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ૧૩ વર્ષમાં છ સ્પાય ફિલ્મ રિલીઝ થઈ, જેમાં ગયા વર્ષે આવેલી શાહરુખ ખાનની ‘પઠાન’ સૌથી સફળ ફિલ્મ છે. છ એ છ ફિલ્મમાં હીરો પુરુષ કલાકાર (સલમાન, હૃતિક અને શાહરુખ) હતા. આદિત્ય ચોપડા પહેલી વાર મહિલા જાસૂસને લીડ રોલમાં રાખી ફિલ્મ બનાવવાની હિંમત કરી રહ્યો છે. આલિયા ભટ્ટ અને શર્વરી સ્પાય એજન્ટના રોલમાં ધડબડાટી બોલાવશે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પછી આલિયા કોઈ પણ રોલમાં ખીલી ઉઠશે એવી
શ્રદ્ધા બેઠી છે.
ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી ભોપાલ કરુણાંતિકા પર પ્રશંસનીય વેબ સિરીઝ ‘ધ રેલવે મેન’ ડિરેક્ટ કરનારા શિવ રવૈલને સોંપવામાં આવી છે.
જિગરા – આલિયા ભટ્ટ:
કરણ જોહરના ધર્મા પ્રોડક્શન સાથે આલિયા ભટ્ટ આ ફિલ્મની સહ નિર્માત્રી છે. એક્શન ફિલ્મ હોવાની ચર્ચા છે, પણ સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવેલી નાનકડી ફિલ્મ-ટિઝરમાં જે ડાયલોગ છે એ આ ફિલ્મ મહિલા કેન્દ્રી હોવાની સંભાવના દેખાડે છે. એ ક્લિપમાં ભર રસ્તે વરસાદમાં આલિયા ઊભી છે. બેકગ્રાઉન્ડમાં કંઈક આવો સંવાદ સંભળાય છે: ‘દેખ દેખ મુજે. મેરી રાખી પેહનતા હૈ ના તૂ, તૂ મેરી પ્રોટેક્શન મેં હૈ. તુજે મૈં કુછ હોને નહીં દૂંગી. કભી ભી…’
અય વતન મેરે વતન – સારા અલી ખાન:
એકવીસમી સદીની મોડર્ન પર્સનાલિટી લાગતી સારા અલી ખાન કુશળ અભિનેતા વિકી કૌશલ સાથેની ફિલ્મ ‘જરા હટ કે જરા બચ કે’માં સીધીસાદી મધ્યમ વર્ગની ગૃહિણી તરીકે પ્રભાવ પાડીને એ કોઈ પણ ચેલેન્જ ઉપાડવા પોતે તૈયાર હોવાનું સિદ્ધ કરી દીધું છે. કરણ જોહર દિગ્દર્શિત ‘અય વતન મેરે વતન’ ફિલ્મમાં સારા લીડ રોલમાં છે. એનું પાત્ર સ્વાતંત્ર્ય લડતમાં અનન્ય યોગદાન આપનારાં ઉષા મહેતાના સંઘર્ષ- જુસ્સો અને લડત પર પ્રેરિત છે. (કાશ દિગ્દર્શક કેતન મહેતા હોત!). ૧૯૪૨ની ‘ભારત છોડો ચળવળ’ની પાર્શ્ર્વભૂમિ પર તૈયાર થયેલી આ ફિલ્મમાં સત્ય ઘટના – પ્રસંગોનો આધાર લેવામાં આવ્યો છે. ભારત સ્વબળે અને પોતાની આવડતથી શાસન ચલાવી શકે છે અને બ્રિટિશ રાજના હસ્તક્ષેપની જરૂર નથી એ વાત પર ભાર દેવામાં આવ્યો છે. બ્રિટિશ સરકારે ભારતમાં બધા રેડિયો સ્ટેશન બંધ કરી દીધાં હતાં ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓએ સિક્રેટ રેડિયો સર્વિસ ચલાવી મહત્ત્વના સમાચાર દેશની જનતા સુધી પહોંચાડવાની જોખમી જવાબદારી નિભાવી, જેમાં ઉષાબહેન મહેતા અગ્રક્રમે હતાં. સારા માટે આ પાત્ર મોટો પડકાર છે. એની કારકિર્દીને અલગ ઊંચાઈએ લઈ જવામાં આ ફિલ્મ નિમિત્ત બની શકે છે.
દો પત્તી – કાજોલ ને ક્રિતી સેનન:
કાજોલનું કૌવત તો જાણીતું છે જ, અને ‘મિમી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મેળવી ક્રિતીએ કાબેલિયત પૂરવાર કરી છે. દર્શકને સીટ પર જકડી રાખવાનો દાવો કરનારી આ ફિલ્મ રહસ્ય અને રોમાંચનું મિશ્રણ ધરાવે છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં ફિલ્મની કથા આકાર લે છે, જેમાં બંને અભિનેત્રી વચ્ચે ઉંદર – બિલાડીની રમત જેવો ખેલ રચાય છે. કાજોલ વધુ સ્માર્ટ છે અને ક્રિતી કરતાં કાયમ એક ડગલું આગળ હોય છે. ક્રિતી ભોળી છે અને જૂઠાણાંના વમળમાં ફસાઈ જાય છે. ફિલ્મમાં બે સક્ષમ અભિનેત્રીની હાજરી ઉત્સુકતા વધારનારી છે. ‘મનમર્ઝીયા’, ‘કેદારનાથ’, ‘રશ્મિ રોકેટ’ જેવી ફિલ્મોમાં કલમની કમાલ દેખાડનારી કનિકા ઢિલ્લોઅને ફિલ્મની એક હિરોઈન ક્રિતી સાથે મળી ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.