Mukhtar Ansari: “મુખ્તાર અંસારી એક કુખ્યાત ગુનેગાર છે…”, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પૂર્વ વિધાનસભ્ય મુખ્તાર અંસારી(Mukhtar Ansari)ની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મુખ્તાર એક કુખ્યાત ગુનેગાર છે અને તેની સામે ઘણા કેસ ચાલી રહ્યા છે. ઉત્તર પ્રદેશ સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મુખ્તારે રાજ્યમાં આતંકનું વાતાવરણ સર્જ્યું હતું. છેલ્લી સુનાવણીમાં કોર્ટે મુખ્તાર અંસારીના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો.
મુખ્તાર અન્સારી વતી જવાબ દાખલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગવામાં આવ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 2 એપ્રિલે થશે.
ઉલ્લેખનીય છે કે જેલરને ધમકાવવા અને રિવોલ્વર બતાવવાના કેસમાં વર્ષ 2003માં મુખ્તાર અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટે સજા સંભળાવી હતી. આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મુખ્તાર અંસારીને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. મુખ્તાર અંસારીએ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. મુખ્તાર અંસારી બાંદા જેલમાં બંધ છે.
મુખ્તાર અંસારી 1996 થી 2017 સુધી સતત પાંચ વખત મઉ જિલ્લાની સદર વિધાનસભા બેઠક પરથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયો હતો અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં અંસારીના પુત્ર અબ્બાસ અંસારીએ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીની ટિકિટ પર આ બેઠક પરથી ચૂંટણી લડી હતી.