બેંગલૂરુના કાફે બ્લાસ્ટની તપાસ એનઆઇએને સોંપાઇ
નવી દિલ્હી: બેંગલૂરુમાં એક કાફેમાં થયેલા વિસ્ફોટની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ)ને સોંપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પૂર્વ બેંગલૂરુમાં બ્રુકફિલ્ડમાં રામેશ્વરમ કેફેમાં પહેલી માર્ચના રોજ થયેલા બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટની તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે જો જરૂર પડશે તો તેમની સરકાર એનઆઇએને તપાસ સોંપવાનું વિચારી
શકે છે. તેના એક દિવસ બાદ આ અહેવાલ સામે આવ્યા છે. અત્યાર સુધી કર્ણાટક પોલીસની બ્લાસ્ટની તપાસમાં એનઆઇએ, નેશનલ સિક્યોરિટી ગ્રૂપ (એનએસજી) અને ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી) ના અધિકારીઓએ મદદ કરી છે. કેપ, માસ્ક અને ચશ્મા પહેરેલ એક વ્યક્તિ આ કેસમાં મુખ્ય શકમંદ છે અને હજુ સુધી તેને શોધવામાં સફળતા મળી નથી.
આ વિસ્ફોટ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) દ્વારા કરવામાં આવ્યો હોવાની આશંકા છે. વિસ્ફોટ પછી તરત જ કર્ણાટક પોલીસે કડક ગેરકાનૂની પ્રવૃતિઓ (નિવારણ) અધિનિયમ અને વિસ્ફોટક પદાર્થો અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો હતો. એનઆઇએ આતંકવાદ સંબંધિત મામલાની તપાસ કરવા માટેની વિશેષ તપાસ એજન્સી છે. આ એજન્સીની રચના 2008માં 26/11ના મુંબઇ આતંકી હુમલા બાદ કરવામાં આવી હતી.