મોદીની સાતમી માર્ચની શ્રીનગરની રૅલીની તડામાર તૈયારી

સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાતમી માર્ચની શ્રીનગરની રૅલી અંગે પ્રદેશમાં ભાજપના કાર્યકર્તા અને નેતા ઉત્સાહિત છે. આ જ રીતે કાશ્મીરી તેમની રૅલી અંગે ઘણી આશા લગાડીને બેસ્યા છે. પદેશ ભાજપે એક લાખની ભીડ બક્ષી સ્ટેડિયમમાં લાવવાનું લક્ષ્ય બનાવ્યું છે. બીજી બાજુ સુરક્ષા દળો આટલા મોટા જન સમુદાયને કાબૂમાં કેમ રાખવા એ અંગે ચિંતિત છે.
અહીં ઉલ્લેખનીય છે કે 370મી કલમ રદ થયા બાદ મોદી પહેલી વાર કાશ્મીરની મુલાકાતે આવવાના છે. કાશ્મીરીઓ અર્થવ્યવસ્થાને વેગવંતુ બનાવવા સરકાર પર આશા લગાડીને બેઠા છે. વડા પ્રધાન જાહેરસભાને સંબોધવાના છે ત્યારે સ્થાનિક વેપારી આલમને એવી અપેક્ષા છે કે આ યાત્રા આર્થિક મુદ્દાના સમાધાન માટે ઉદીપકનું કામ કરશે.
જમ્મુ અને કાશ્મીરના હોટેલિયર્સ ક્લબના અધ્યક્ષ મુશ્તાક છાયાએ વડા પ્રધાનની યાત્રાનું સ્વાગત કરતાં કહ્યું હતું કે આનાથી વ્યાપાર જગતમાં આશા અને અપેક્ષા વધી છે. મોદી સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવા કાશ્મીરના પર્યટન ક્ષેત્રને ટોનિક મળે એવી ઘણી જાહેરાતો કરશે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે મોદીની રૅલીમાં એક લાખ લોકો હાજર રહેશે એવી અપેક્ષા છે. ભાજપના કાશ્મીરના પ્રવકતા અલ્તાફ ઠાકુરે કહ્યું હતું કે રૅલીમાં એક લાખ લોકો આવે એવી અમારી અપેક્ષા છે. અમે એક મૅગા ઈવેન્ટ તરીકે તૈયારી અને વ્યવસ્થા કરી રહ્યા છે.
ઠાકુરે કહ્યું હતું કે ભાજપના કાશ્મીરના પ્રભારી સુનીલ શર્માએ અહીં જિલ્લા અધ્યક્ષોની બેઠક બોલાવી હતી. આમાં ચર્ચા સભામાં ભાગ લેનારા લોકોની સંખ્યા અંગે થઈ હતી. કાશ્મીરના વિવિધ ક્ષેત્રોમાંથી લોકો ભાગ લે એની તકેદારી લેવાઈ રહી છે. પક્ષના નેતાઓને ભીડ જમા કરવાનું કહેવામાં આવ્યું છે.
અલ્તાફે કહ્યું હતું કે લોકો મોદીને સાંભળવા મોટી સંખ્યામાં ઉમટશે એવી મને આશા છે. આજે પક્ષના મહામંત્રી અને કાશ્મીરના પ્રભારી તરુણ ચુધે રૅલીની તૈયારીની સમીક્ષા કરી હતી. પ્રવકતાએ કહ્યું હતું કે કાશ્મીરના લોકોમાં ઉત્સાહ છે. આ એ જ પ્રદેશ છે જ્યાં ભાજપ ક્યારેય અપ્રિય હતી. ઠાકુરે કહ્યું હતું કે મહિલાઓ, ગરીબો અને વૃદ્ધો મોદી પર ભરોસો રાખે છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ રૅલી 2024ની ચૂંટણી માટે કાશ્મીરના ભાજપના પ્રચારસભા જેવી છે. આ રૅલી માટે અભૂતપૂર્વ સુરક્ષા રખાઈ છે. પાંચ ઓગસ્ટ, 2019માં કલમ 370 હટાવ્યા બાદ મોદીની કાશ્મીરની આ પહેલી યાત્રા હશે. અગાઉ તેમણે ફેબ્રુઆરી 2019માં કાશ્મીર ખીણનો પ્રવાસ કર્યો હતો.