વડોદરામાં કન્ટેનર સાથે કારની ટક્કરઃ એક જ પરિવારના પાંચ સભ્યનાં મોત

ગુજરાતના વડોદરામાં નેશનલ હાઈવે 48 પર રોડની સાઇડમાં પાર્ક કરેલા કન્ટેનર સાથે કાર અથડાતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. ડિવિઝન ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે હાઈવે પર અલ્ટો કારનો અકસ્માત થયો હતો. “ગઈકાલે અમને કાર અકસ્માતની માહિતી મળી હતી. આ પછી રેસ્ક્યૂ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
પાંચ લોકોના દર્દનાક મોત
વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માતમાં પાંચ લોકોના દર્દનાક મોત થયા છે. મળતી માહિતી મુજબ વડોદરા નેશનલ હાઈવે પર મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. કાર ઉભેલા કન્ટેનર સાથે અથડાતા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પરિવાર ભરૂચથી વડોદરા તરફ આવી રહ્યો હતો ત્યારે પાર્ક કરેલા કન્ટેનરની પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર છ પૈકી પાંચ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
મૃતકોની ઓળખ કરાઈ
આ અકસ્માતમાં પ્રજ્ઞેશભાઈ પટેલ (34 વર્ષ), મયુરભાઈ પટેલ (30 વર્ષ), ઉર્વશીબેન પટેલ (31 વર્ષ), ભૂમિકાબેન પટેલ (28 વર્ષ) અને લવ પટેલ (1 વર્ષ)નું મોત થયું છે.જ્યારે અસ્મિતા પટેલ નામની ચાર વર્ષની બાળકીને બચાવી લેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
અન્ય એક અકસ્માત નડિયાદ નજીક પણ સર્જાયો
નડિયાદની પીજ ચોકડી બ્રિજ પાસે લાકડા ભરેલી ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેક્ટરના ચાલક સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે પાછળથી લાકડા ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રક ચાલકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતાં હાઇવે પર લાકડા ભરેલું ટ્રેક્ટર પલટી ગયું હતું. માહિતી મળતાની સાથે જ 108ની વધુ હાઈવે પેટ્રોલિંગ ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે અકસ્માત થતાં જ ચાલક ટ્રક હાઇવે પર મુકીને ફરાર થઇ ગયો હતો.