Election 2024: ભાજપે દિલ્હીની બેઠકો પર ખેલ્યો મોટો દાવ કે બીજું કાંઈ?
દિગ્ગજ સાંસદોનું પત્તું કાપવાનું કારણ શું?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ની જાહેરાત પૂર્વે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાની પહેલી યાદી જારી કરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. લોકસભા ચૂંટણીની 195 ઉમેદવારની યાદીમાં વર્તમાન 34 કેન્દ્રીય પ્રધાન સહિત બે મુખ્ય પ્રધાનનો સમાવેશ પણ થાય છે, પરંતુ આ યાદીમાં 33 સાંસદની ટિકિટ કાપીને સૌને ચોંકાવી દીધા છે. દિલ્હીમાં દિગ્ગજ સાંસદોનું પત્તું કાપીને ભાજપે માસ્ટરસ્ટ્રોક માર્યો હોવાની વાતો પણ ચર્ચાનું કારણ બની છે.
ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની સાત બેઠકમાંથી પાંચ બેઠક પર ઉમદેવારોની જાહેરાત કરી છે, જેમાં ચાંદનીચૌક લોકસભા મતવિસ્તારમાં કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધનની ટિકિટ કાપીને પ્રવીણ ખંડેલવાલને ટિકિટ આપી છે. ડોક્ટર હર્ષવર્ધને તો રાજકારણને રામરામ કરી દીધા છે, જ્યારે પશ્ચિમ દિલ્હીની બેઠક પરથી સાંસદ પ્રવેશ સાહેબસિંહ વર્માને ટિકિટ આપી નથી, પરંતુ તેમના સ્થાને કમલજીત સહરાવતને ટિકિટ મળી છે.
ભાજપનાં દિવંગત નેતા સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજને ટિકિટ આપી પરંતુ બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન મિનાક્ષી લેખીની ટિકિટ કાપી છે. બસપ (બહુજન સમાજવાદી પાર્ટી)ના સાંસદ દાનિશ અલી સામે સંસદમાં વિવાદાસ્પદ નિવેદન કરનારા સાંસદ રમેશ બિઘુડીને દક્ષિણ દિલ્હીની ટિકિટ આપી નથી, પરંતુ એમના બદલે રામવીર સિંહ બિઘુડીને ઉમેદવાર બનાવ્યા છે.
આગામી વર્ષે દિલ્હીમાં વિધાનસભાના ચૂંટણી છે, જ્યારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ ભાજપ માટે સૌથી મોટો પડકાર છે, તેથી વર્તમાન સાંસદની ટિકિટ કાપવામાં આવી છે, જેથી કેજરીવાલને ટક્કર આપીને ભાજપમાં નવી ભૂમિકા મળી શકે છે. ઉપરાંત, ઉમેદવારના નામ જાહેર કરવાની સાથે ભાજપે જાતિવાદી વિચારધારાને સંતુલિત રાખવાનો પ્રયાસ કર્યો છે.
રામવીર સિંહ બિઘુડી ગુર્જર છે, જ્યારે કમલજીત સહરાવત જાટ છે. એના સિવાય ચાંદની ચૌકથી જાહેર કરેલા પ્રવીણ ખંડેલવાલ વેપારીઓના અધિકાર માટે જાણાતી છે. સૌથી નાની ઉંમરની બાસુરી સ્વરાજ છે. 39 વર્ષની બાંસુરી સ્વરાજ પંજાબી બ્રાહ્મણ છે અને મનોજ તિવારી પૂર્વાંચલના બ્રાહ્મણ છે.
ભાજપે જૂના સાંસદોની ટિકિટ શા માટે કાપી છે, જેમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને રમેશ બિઘુડીનું પત્તું કાપ્યું છે, જેમાં પહેલી વાત તો પ્રજ્ઞા ઠાકુરના વિસ્ફોટક નિવેદનનું કારણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોતાના મતવિસ્તારમાં માહોલ બગાડવા અને મોટી મોટી વાતો કરવાનું પરિબળ કારણભૂત છે.