આઇપીએલ વિરુદ્ધ ટેસ્ટ-ક્રિકેટ: સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન
કોલકાતા: 1970ની સાલ સુધી માત્ર ટેસ્ટ-ક્રિકેટ અને રણજી ટ્રોફી સહિતની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટો રમાતી હતી. એ સાલમાં વન-ડે ફૉર્મેટના આગમન સાથે ખેલાડીઓ પોતાની કાબેલિયત અને ક્ષમતા મુજબ ટેસ્ટ અને વન-ડે બન્ને રમતા હતા. 2005માં ટી-20નું ધમાકેદાર આગમન થયું ત્યાર પછી ઘણા ખેલાડીઓ ટેસ્ટ, વન-ડે અને ટી-20 ત્રણેય રમે છે. 2008માં આઇપીએલની શરૂઆત થઈ ત્યાર પછી થોડા વર્ષો તો કોઈ વિવાદ ન થયો, પરંતુ જેમ-જેમ આ સ્પર્ધા લોકપ્રિય થતી ગઈ અને એનું મૂલ્ય વધતું ગયું તથા ખેલાડીઓ કરોડો રૂપિયામાં વેચાવા લાગ્યા ત્યારથી કેટલાક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રત્યે અણગમો થવા લાગ્યો અને આઇપીએલ પહેલાં ફુલ્લી ફિટ રહેવા ડોમેસ્ટિક ક્રિકેટને અને અમુક અંશે ઇન્ટરનૅશનલ ક્રિકેટને અવગણવા લાગ્યા.
વેસ્ટ ઇન્ડિઝ તથા સાઉથ આફ્રિકાના કેટલાક પ્લેયરો લીગ ટૂર્નામેન્ટોનો રાફડો ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરવા લાગ્યા, પરંતુ અત્યાર સુધી ભારતનો કોઈ અવ્વલ દરજ્જાનો ખેલાડી આ વિશેના વિવાદમાં નહોતો આવ્યો. નવેમ્બરમાં ઇશાન કિશને સાઉથ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચેથી છોડી દીધો અને હેડ-કોચ રાહુલ દ્રવિડની વારંવાર સલાહ છતાં ડોમેસ્ટિક સ્પર્ધાઓમાં રમવા ન ઊતર્યો એટલે મામલો બીચકી ગયો.
એમાં શ્રેયસ ઐયરે પણ ઈજાનું ‘ખોટું’ કારણ બતાવતાં વિવાદ વકરી ગયો. બીસીસીઆઇએ આઇપીએલની સીઝન પહેલાં ડોમેસ્ટિક મૅચોને પ્રાધાન્ય આપવાની ચેતવણી આપવાની સાથે કિશન અને શ્રેયસને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર કાઢી નાખ્યા એટલે ભૂતપૂર્વ ખેલાડીઓના નિવેદનો આવવા લાગ્યા.
એકવીસમી સદીની શરૂઆતમાં પોતાના આક્રમક અને સમજબૂઝવાળા અપ્રોચથી મોટા પાયે પરિવર્તન લાવીને ભારતીય ટીમને નવી દિશા અપાવનાર ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ આઇપીએલ અને ટેસ્ટ ક્રિકેટ વચ્ચેની ડિબેટમાં યુવા ખેલાડીઓને બોધ અને પ્રેરણા આપતા નિવેદનો કર્યા છે.
‘દાદા’એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘હાલમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને ડેવિડ વૉર્નર જેવા ઘણા ખેલાડીઓએ રેડ બૉલ (ટેસ્ટ-ક્રિકેટ) અને વ્હાઇટ બૉલ ક્રિકેટ (મર્યાદિત ઓવરોની ક્રિકેટ)ને બહુ સારી રીતે સંતુલિત કરી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની સ્પર્ધાઓ પૂરી થયા પછી લગભગ એક મહિના બાદ આઇપીએલ શરૂ થતી હોય છે. મને તો આમાં કોઈ મુશ્કેલી નથી દેખાતી. બન્ને રમી શકાય. મિચલ માર્શ હવે ઑસ્ટ્રેલિયાના મુખ્ય રેડ બૉલ ક્રિકેટમાં ગણાય છે.
હૅરી બ્રૂક પણ રેડ બૉલ ક્રિકેટ રમે છે. ડેવિડ વૉર્નર ટેસ્ટ-ક્રિકેટ ખૂબ રમ્યો, પરંતુ તેની ગણના વ્હાઇટ-બૉલ ક્રિકેટના મુખ્ય ખેલાડીઓમાં થાય છે. અમારા સમયમાં સચિન, દ્રવિડ અને હું ટેસ્ટ-ક્રિકેટ રમતા હતા અને પછી વ્હાઇટ બૉલ મૅચો પણ રમતા હતા. એક ફૉર્મેટ રમાય અને બીજું ફૉર્મેટ ન રમાય એવું હોવું જ ન જોઈએ.
ઇશાન કિશન જેવા ખેલાડીઓએ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ, પ્રમુખ રોજર બિન્ની તેમ જ સિલેક્ટરો સાથે ચર્ચા કરી લેવી જોઈએ. કરીઅરની શરૂઆતમાં તે રણજી ટ્રોફી રમ્યો અને પછી વ્હાઇટ બૉલ ક્રિકેટ રમ્યો એને કારણે શું તે ગરીબ ખેલાડી બની ગયો?’