ઉત્સવ

ગુગલ જેમિનીજહાં તેરી યૈ નજર હૈ, મેરી જા મુજે ખબર હૈ !

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

‘ગૂગલ’ ની પ્રોડક્ટ : ‘ગૂગલ જેમિની ’ સંપૂર્ણપણે કાર્યરત થાય એ પહેલાં જ વિવાદના વાવાઝોડામાં સપડાઈ ગઈ છે. ‘ગૂગલ’ના પ્રવક્તા એ ભાર દઈને ચોખવટ કરવી પડી એવો હોબાળો મચી ગયો, કારણ કે ઓટોમેશન અને એઆઈ (અઈં) ના ભૂતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે એવું બાફી માર્યું કે એનો રેલો છેક સુંદર પિચાઈ સુધી પહોંચ્યો. એમાં પ્રોડક્ટ હાંસિયામાં ધકેલાઈ ગઈ ને કિસ્સો ચર્ચાવા લાગ્યો.

આમ તો આ ‘ટેકવ્યૂ’ કોલમમાં આપણે નવી ટેકનોલોજીની એક નાનકડી ઝાંખી આપીને એના મૂળ સુધી પહોંચવાનો શાબ્દિક પ્રયાસ હોય છે, પણ આજે પહેલી વખત ચર્ચાતા કિસ્સા સાથે જોડાયેલી ટેક્નો પ્રોડક્ટની વાત કરવી છે.

હવે તમે કહેશો કે, એમાં નવું શું છે? આપણે તો અહીં , ટેકનોલોજી કેવા ‘ભગા’ કરે એની વાત કરવી છે. ન માત્ર ‘જેમિની’ પણ બીજી પણ કેટલીક પ્રોડક્ટ વિશે પણ… ‘લેટ્સ સ્ટાર્ટ વીથ જેમિની’….
બન્યું હતું એવું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલા એક પ્રશ્ર્નોના જવાબમાં ગૂગલની પ્રોડક્ટ એવી ‘જેમિની’ (આપણે જેમિનીબાઈ કહીશું)ની જીભડી ખોટી રીતે લપસી ગઈ. એમાં ગૂગલ કંપનીના પ્રવક્તાથી લઈને મુખ્યકર્તા-હર્તા સુંદર પિચાઈ સુધીની આખી જવાબદાર લોબી વગર અવાજે ધડામ દઈને ફસડી પડી. પડી.

જેમિનીબાઈ એ જવાબ આપ્યો એ પક્ષપાતી વલણથી ભરેલો હતો. એમાં આખો કેસ બગડ્યો ને સવાલોના તીર જેમિનીબાઈને ભોંકાયા. આઈટીના નિયમોનો ભંગ એવો થયો કે, રીતસરનો કંપનીએ ભાંગરો વાટ્યો હોય એવું પુરવાર થયું. કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કંપનીને નોટિસ પણ ફટકારી અને વોર્નિંગ પણ આપી. હવે જ્યાં મશીન દત મશીન ભેગા થાય ત્યારે તણખા તો ઝરવાના. કારણ કે, શુદ્ધ બુદ્ધિ માણસમાં હોય મશીનમાં નહીં. હા, એઆઈ એટલે કૃત્રિમ બુદ્ધિમતા છે. પણ એની પાછળ પણ છે તો માણસનું જ ભેજુંને? ગૂગલના જ ટેસ્ટિંગ પ્લેટફોર્મ પર ચેટટુલ્સે આ જેમિનીબાઈને સવાલ કર્યો હતો, જેના જવાબમાં જેમિનીબાઈએ વડા પ્રધાન મોદીને ફાસીવાદી (ચોક્કસ વિચારધારાને ફરજિયાત થોપનારા) કહ્યા. એમાં મામલો બગડ્યો.

હવે ગૂગલ કંપનીને ચિંતા એ વાતની થાય છે કે, આ જેમિનીબાઈને ભારતમાં કોઈ સ્વીકારશે કે નહીં. કારણ કે, માલદીવ્ઝના રાષ્ટ્રપ્રમુખે જે હરકત કરી પછી ત્યાંના હાલ બેહાલ થઈ ગયા. તો આ તો પ્રોડક્ટ છે. માત્ર વડા પ્રધાન મોદીની વાત નથી. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને રશિયાના વડા અંગે સવાલ કરાયા ત્યારે પણ જેમિનીબાઈએ ધાપા માર્યા. ટૂંકમાં આખો ડેટાબેઝ જ ખામીયુક્ત છે. હવે આમાં આ પ્રોડક્ટને કોણે ખૂબીનું ટેગ આપ્યું એ સવાલ છે. આ એક્સિડન્ટલ જેમિની તો નથી. કારણ કે આને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ અને સ્માર્ટ એઆઈ ટુલ્સ માનવામાં આવે છે. જે
માણસની જેમ વિચાર કરી શકે છે. હવે મશીનને વિચાર આવે એ વાત ગળે ઊતરતી નથી. હા, પાવરફૂલ એઆઈ ટુલ્સ માની શકાય પણ માણસ જેટલું પર્ફેક્ટ તો ન જ હોયને…કંપનીની લોબીમાં આઘાત અને પીડાનું એવું સામ્રાજ્ય ઊભું થયું કે, હરીફ કંપનીઓએ એની બરોબરની નોંધ લીધી.

ભલે ડાયરેક્ટ સ્પર્ધા ચેટજીટીપી-૪ સાથે હોય પણ જવાબદારોની ખસી ગયેલી વિવેકબુદ્ધિ આખી પ્રોડક્ટ પૂરી થયા બાદ ઉઘાડી પડી છે. સર્ચ, જીમેલ, યુટ્યુબ, ગૂગલ ડ્રાઈવને સરળતાથી એક્સેસ કરી શકે છે, પણ ખાસ વાત એ છે કે, સર્ચ થતી કોઈ પણ જાણકારીને યુઝરને જોઈએ એ ફોર્મેટમાં આપવાનું કામ જેમિનીબાઈ કરે છે. એટલું જ નહીં, દુનિયાની કોઈ પણ ભાષામાં તે હોય તો એનું ટ્રાંસલેશન કરી આપે છે. સર્ચ ટુલ્સમાં પણ ઘણી લિમિટેશન રહેલી છે. જેને જેમિનીબાઈએ દૂર કરી દીધી છે. આ ઉપરાંત એપ્લિકેશન બેઝ ટ્રાંસલેશનની સુવિધા પણ આપે છે. વોઈસસર્ચ ફીચર હોવાથી ઓડિયો વિઝ્યુઅલ્સનો તો સવાલ જ નથી. હવે કોલર ઊંચા કરવા જેવી વાત એ છે કે, પ્રોડક્ટ ભલે એમની રહી,પણ મૂળમાં ભારતીય છાંટ છે. ‘જેમિની’ એક રાશિનું નામ છે, જે ૧૨ રાશિમાંથી સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી રાશિ છે. આ રાશિના જાતકોની મર્યાદા હોય છે કે, ગુસ્સામાં ક્યારેક એવું તીવ્ર બોલી નાખે કે જે ન બોલવાનું હોય છે. જેમિનીબાઈ પણ આ જ ભૂલ કરી બેઠા. આ રાશિવાળા જાતક કસમયે વધારે પડતું બોલી નાખે તો તકલીફ પડે એવું જ અહીં બન્યું.

           એપ સપોર્ટ સિસ્ટમ સાથે મર્જ કરીને એક એવું પ્લેટફોર્મ બનાવ્યું છે. જે મોબાઈલમાં નવી એપ્લિકેશન શરૂ કરતા પહેલા જ એની તમામ વિગત અને વર્કપોર્ટફોલિયો આપી દેશે. એટલું જ નહીં એપ્લિકેશનનો સક્સેસ રેટ પણ આપી દે છે. એટલે એક શાંતિ એ થઈ કે, મનફાવે એવી અને મન પડે એવી એપ્લિકેશનનું ડાઉનલોડ હવે ફિલ્ટર થશે. જે કામ જેમિનીબેન કરશે. 

કંપની એવું માને છે કે, જેમિની જ ભવિષ્ય છે, પણ હરખના હિંચકે બેસીને હિંચકા ખાતા જવાબદારોને પેટમાં ફૈડકો એ છે કે, હવે આ ચાલશે કે નહીં? બીજી એક ખાસ વાત એ છે કે, તમામ પ્રકારના ડોક્યુમેન્ટમાં એ ડાયરેક્ટ હેલ્પ કરે છે એટલે એક્સેલની ફોર્મ્યુલા ન આવડતી હોય તો આ લખી આપશે. (પરીક્ષામાં નહીં હો..). જેમ અત્યારે દરેક ચીજના પ્રીમિયમ વર્ઝન છે તો એમાં જેમિનીબાઈ થોડી પાછળ રહી જાય ? . જેમિની પ્રો વર્ઝન એક પેઈડ વર્ઝન છે. એમાં અકલ્પનીય સુવિધાઓ છે. ટેકનિષ્ણાત ત્યાં સુધી કહે છે કે, આ પ્રો કેટેગરીમાં એક સાથે મલ્ટિટાસ્ક ઑપરેટ થવાના છે. એટલે મોબાઈલની જેમ સિંગલસ્ક્રિનની મર્યાદા દૂર થશે.

આઉટ ઓફ ધ બોક્સ
બદલતી પરિસ્થિતિ સાથે કેટલાક પરિબળ પર મૌન રહેનારા ઓછા હોય છે, પણ એના મૌનને સમજનારા એનાથી પણ ઓછા હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ?