ઉત્સવ

આર્થિક મોરચે ગ્લોબલ ગૂંચવણો વચ્ચે ભારતનું વિકાસ ગુંજન તેજ ગતિમાં…

મોંઘવારી દર- વિકાસદર ને નિકાસના પડકારો વિશે રિઝર્વ બેંક શું કહે છે?

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

આમ તો અત્યારે સમગ્ર દેશની નજર આવનારી ચૂંટણી પર મંડાઈ છે. આગામી ચૂંટણીને લઈને ઉત્તેજના વધે એવી સારી-નરસી ઘટનાઓ પણ સતત આકાર પામી રહી છે. વિપક્ષો સામે ચૂંટણીનો આ ત્રીજો પડકાર બહુ મોટો અને ગંભીર છે.

ખેર, આપણે અહીં રાજકીય ચર્ચા કરવી નથી, પરંતુ ચૂંટણી ને ત્યારબાદના સંભવિત સંજોગોમાં આર્થિક ક્ષેત્રે જે જે ગતિવિધિ થવાની શકયતા છે તેની ચર્ચા કરીએ અને આગામી સમયમાં આવનારા પરિવર્તનને જાણવાનો પ્રયાસ કરીએ.

નાણાં પ્રધાનની તાજી જાહેરાત મુજબ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સરકાર સૌથી મોટો આધાર ઉત્પાદન ક્ષેત્રને બનાવવા માગે છે, જેથી હવે પછીના આર્થિક સુધારા ઉત્પાદન ક્ષેત્રમાં થશે. એમાં જમીન, કામદાર, મૂડી અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચરનો સમાવેશ કેન્દ્રમાં હશે.

અર્થતંત્રના વિકાસની ગાડી
નાણાં પ્રધાનના આ નિવેદન બાદ ભારતીય અર્થતંત્રની ગાડી પર નજર કરીએ તો વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં આ ગાડી પૂરપાટ દોડી હતી. બીજા ગાળામાં પણ તેની આગેકૂચ જળવાઈ છે. ભારતીય રિઝર્વ બેન્કે તેના લેટેસ્ટ બુલેટિનમાં જણાવ્યું છે કે કેપેક્સ-કેપિટલ એકસપેન્ડિચર (મૂડી ખર્ચ) ના નવા દોરથી વિકાસના બીજા ચરણને વેગ મળવાની ધારણા છે. ‘આરબીઆઈ’ના અનુમાન મુજબ વિકાસદર (જીડીપી), જે જુલાઈ-સપ્ટેમ્બરમાં ૭.૬ ટકા હતો, તે ૨૦૨૩ના આખરી ક્વાર્ટરમાં ૬.૫ રહેશે. જો કે, ‘આરબીઆઈ’ના અગાઉના અનુમાનમાં ઓક્ટોબર-ડિસેમ્બરનો જીડીપી ૭ ટકાનો દર્શાવાયો હતો. તમામ અર્થશાસ્ત્રીઓના અંદાજ પ્રમાણે આ આંકડો ઊંચો હતો. જો કે રિટેલ ફુગાવો, જે
ડિસેમ્બર-૨૦૨૩માં ૫.૬૯ ટકા હતો, તે ઘટીને ત્યારબાદના ત્રિમાસિકમાં ૫.૧૦ ટકા
થયો હતો.

ફુગાવાને નીચે લાવવાનું લક્ષ્ય
છેલ્લી (ફેબ્રુઆરી-૨૦૨૪ની) મીટિંગમાં ‘આરબીઆઈ’એ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. જે માટે તેણે એવી નોંધ લીધી હતી કે ખાદ્યચીજોના ભાવોના મોટા અને પુનરાવર્તિત ‘આંચકાઓ’ ફુગાવાની ગતિને વિક્ષેપિત કરી રહ્યા છે, જેથી તે મોંઘવારી દરના દબાણ પર બાજ નજર રાખશે અને નાણાંનીતિને સક્રિયપણે બિન-ફુગાવાકારી રાખશે. આ સાથે તેણે પોતાના વચનનો પુનરોચ્ચાર પણ કર્યો હતો કે મોંઘવારીના દરને ૪ ટકાના મધ્યમ-અવધિના લક્ષ્યને અનુરૂપ લાવી દેશે. આ અપેક્ષિત નીચો મોંઘવારી દર આર્થિક વિકાસની ગતિને ટકાવી રાખવાનો આધાર પૂરો પાડશે.

ખાનગી મૂડીખર્ચમાં વૃદ્ધિ: મૂડી ખર્ચના ચક્રના સંદર્ભમાં ‘આરબીઆઈ’ બુલેટિનનું મૂલ્યાંકન એ છે કે કંપનીઓની તંદુરસ્ત બેલેન્સ શીટ્સને ધ્યાનમાં લેતાં અપેક્ષાઓ વધી રહી છે કે મૂડીરોકાણ કરવામાં સરકાર કરતાં ખાનગી ક્ષેત્ર આગળ નીકળી જશે અને આર્થિક વિકાસના
બીજા તબકકાને વેગ આપશે. આ ઉપરાંત ફુગાવાની સર્જાતી નવી સ્થિતિને લક્ષમાં લેતાં અને માગ વધી રહી હોવાથી ખાનગી કંપનીઓ માટે એમની ક્ષમતાઓમાં વધારો કરનાર યોજનાઓને અમલમાં મૂકવા માટે અનુકૂળ અને સ્થિર વાતાવરણનું નિર્માણ થશે. આમ, ખાનગી ક્ષેત્ર માટે મેદાન મોકળું બનશે અને સરકારનો બોજ હળવો થશે.

નિકાસને સ્પર્ધાત્મક બનાવવાની જરૂર
નાણાં મંત્રાલયે તેના માસિક આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવ્યું છે કે વૈશ્ર્વિક સ્તરે પ્રવર્તતા અનિશ્ર્ચિતતાના વાતાવરણ વચ્ચે ભારતીય પ્રોડકટસની નિકાસને વધારે સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવાની જરૂર છે. રાતા સમુદ્રની પ્રવર્તમાન સમસ્યાને ધ્યાનમાં રાખી (બળવાખોરો દ્વારા વ્યાપારી જહાજો પર હાલમાં કરવામાં આવેલા હુમલાઓના સંદર્ભમાં) નાણાં મંત્રાલયના અર્થશાસ્ત્રીઓએ આ ટિપ્પણી કરી છે. રાતા સમુદ્રમાંની કટોકટીને લીધે વ્યાપાર પ્રવૃત્તિઓ ખોરવાઈ ન હોત તો નિકાસ દર વધારે ઊંચો રહ્યો હોત. હુમલાઓને કારણે માલ સપ્લાય કરતી કંપનીઓને પશ્ર્ચિમના
દેશોમાં પહોંચવા માટે આફ્રિકાની ફરતે લાંબા રૂટ પરથી જહાજો મોકલવાની ફરજ પડી રહી છે. સુએઝ નહેરમાંથી જહાજોને સુરક્ષિત પસાર કરાવવામાં નિકટનાં બંદરો પર લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.
મોંઘવારી દર ઘટવાનો આશાવાદ
આ અહેવાલ મુજબ રવી પાકના સારા ઉત્પાદનને કારણે ૨૦૨૫ના નાણાકીય વર્ષમાં આર્થિક પ્રવૃત્તિઓ પર સકારાત્મક અસર જોવાશે. મજબૂત ખાનગી વપરાશને ઊંચા વૃદ્ધિદરનો આધાર ગણાવતાં અહેવાલમાં જણાવાયું છે કે સપ્લાય સેક્ટર તરફનો પ્રતિસાદ વ્યાપક રહ્યો છે. સપ્લાય ક્ષેત્રમાં સરકારના હસ્તક્ષેપથી ફૂડ ઈન્ફલેશનને કાબૂમાં રાખવામાં મદદ મળી છે, ફુગાવામાં સ્થિર રીતે ઘટાડો નોંધાતાં અને ખાદ્યપદાર્થોની કિંમત જળવાઈ રહેતાં ફુગાવાના નીચા દરની અપેક્ષા દઢ થઈ છે.

નવા ભારતના નિર્માણની યાત્રા
હવે જે વાત કરવી છે તે ‘આરબીઆઈ’ કે કોઈ સરકારી બુલેટિનમાં નથી. ચૂંટણીનાં પરિણામનો આશાવાદ ઊંચો છે- મોદી સરકારની પુન: સત્તા પર આવવું લગભગ નિશ્ર્ચિત છે એવી સર્વત્ર ધારણા છે.
આને પગલે સરકાર આર્થિક સુધારાઓને વેગ આપશે. એટલું જ નહીં, ગ્લોબલ સ્તરેથી રોકાણ પ્રવાહ અને વિદેશી કંપનીઓ સહિત ટુરિસ્ટ વર્ગ પણ મોટેપાયે આવશે. નવા ભારતના નિર્માણની પ્રોસેસ પુરજોશમાં ચાલી રહી છે….વિકાસનો વ્યાપ સર્વસમાવેશના ઉદ્દેશ સાથે વધી રહ્યો છે.
જો કે હજી તેને જોર અને જોશ આપવા જોઈશે.

ગ્લોબલ સમસ્યાઓ વચ્ચે ભારત
નોંધપાત્ર વાત એ છે કે ગ્લોબલ સ્તરે યુદ્ધ, તનાવ, મોંઘવારી, રોજગારી મંદ ગ્રોથ, વગેરે જેવી સમસ્યાઓ વચ્ચે પણ ભારત એક એવો દેશ છે , જે સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. ચીન અને યુરોપની સમસ્યા નજર સામે છે.

પાકિસ્તાન, શ્રીલંકા અને બંગ્લાદેશ જેવાં રાષ્ટ્રો તો મદદ મેળવવા આઈએમએફ (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) ના ચરણે બેસી ગયા છે. તેમને ઈમરજન્સી લોનની જરૂર પડી છે. ગ્લોબલ આગમાં અને સ્વસર્જિત સમસ્યાઓમાં આ દેશો પોતે પણ બળી રહયા છે, જયારે કે માત્ર ભારત આ સંજોગોમાં ફાયરપ્રૂફ રહ્યું છે.

હજુ પણ સંખ્યાબંધ પડકાર સામે છે…
કરપ્શન- ભ્રષ્ટાચાર મામલે ભારત હજી ચોકકસ ક્ષેત્રોમાં બદનામ છે. તે સપાટી પર ભલે પહેલાં જેવું દેખાતું બંધ થયું હોય કે તેની ચર્ચા ઘટી હોય, પણ તેનું અસ્તિત્વ હજી પણ એ એક યા બીજા સ્વરૂપે હયાત છે ને મજબૂત પણ છે.
‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ હજી સરળ બન્યું નથી. પ્રદૂષણ મામલે ભારત હજી ઘણું પછાત છે. વિશ્ર્વના દસ સૌથી
પ્રદૂષિત શહેરોમાં ભારતના છ શહેર સામેલ છે. રાજકીય ગંદકીને કારણે અનેકવિધ સામાજિક દૂષણો પણ સતત ચાલુ રહ્યા છે. આ બધાંમાંથી પણ બહાર આવવા ભારતે સખત મહેનત અને ધગશ જાળવવી જોઈશે. આ કાર્ય માત્ર સરકાર નહીં કરી શકે, પરંતુ પ્રજાનો સાથ-સહકાર અને સરકારી અધિકારીઓની નિષ્ઠા પણ જોઈશે.
બાય ધ વે, જયુડિશિયલ સિસ્ટમમાં પણ ધરખમ સુધારા આવશ્યક છે…
બાકી, યે તો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ….!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ