ઉત્સવ

મતદારોને પણ રાજકારણીઓનાંજૂઠાણાં પસંદ હોય છે !

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

ગયા વર્ષે, અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ઓહાયો રાજ્યનો એક કેસ આવ્યો હતો. તેમાં, ઓહાયોના ડેમોક્રેટ પ્રતિનિધિ (સંસદ સભ્ય) સ્ટીવ ડ્રાઈહોસેની સામે સુસાન બી. એન્થની ‘લિસ્ટ’ નામના બિન સરકારી ગર્ભપાત વિરોધી સંગઠને એક જૂઠું વિજ્ઞાપન જારી કર્યું હોવાની ફરિયાદ કરીને કેસ કર્યો હતો.

એ કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો ત્યારે ઓહાયો રાજ્યના સરકારી વકીલે રાજ્યના બચાવમાં કહ્યું હતું કે ઓહાયોએ ચૂંટણી પ્રચાર દરમિયાન ખોટાં નિવેદન કરવા પર પ્રતિબંધ મુકાતો કાયદો બનાવ્યો છે અને આવો કાયદો પૂરા અમેરિકામાં લાગુ કરવો જોઈએ. એ વખતે કોર્ટના ન્યાયમૂર્તિઓએ હસતાં-હસતાં એવી ટિપ્પણી કરી હતી કે એવું થાય તો દરેક ચૂંટણી પહેલાં ત્રણ-ચાર મહિના સુધી સંપૂર્ણ ચુપ્પી છવાઈ જશે!

રાજકારણીઓ બિન્દાસ્ત જૂઠ બોલે છે- જૂઠાણું ચલાવે છે તે ભારત જેવા ત્રીજા ‘વિશ્ર્વ’ની જ બીમારી નથી- તેનું ચલણ અમેરિકા જેવા ભણેલા-ગણેલા, વિકસિત દેશોમાં એટલું જ છે. ચૂંટણી પ્રચારમાં પૈસા પછી જેનો સૌથી છૂટથી ઉપયોગ થતો હોય તો તે જૂઠ છે. નેતાઓ પોતાના વિશે જૂઠ બોલે છે, વિરોધીઓ વિશે જૂઠ બોલે છે, નીતિઓ અંગે જૂઠ બોલે છે,
તેનાં પરિણામો અંગે જૂઠ બોલે છે, એ લોકો ભાષણોમાં, લખાણોમાં, રેલીઓમાં, પોસ્ટરોમાં, ચૂંટણી ઢંઢેરામાં, ટીવી પર, સોશિયલ મીડિયા પર જૂઠ બોલે-જૂઠાણાં ચલાવે છે.

રાજકારણીઓ જૂઠ બોલે છે તે વાત બધાને ખબર છે, પણ કોઈ એ નથી પૂછતું કે મતદારો આવાં જૂઠ-જૂઠ્ઠાણાને કેમ ચલાવી લે છે? ઇન ફેક્ટ, રાજકારણીઓ જૂઠ બોલે છે તેમાં એમના ચારિત્ર્યની ત્રુટી નથી. વાસ્તવમાં એમનાં જૂઠ માટે લોકો જવાબદાર છે! લોકો એમનું જૂઠ ચલાવી લેશે તેવો રાજકારણીઓને ભરપૂર વિશ્ર્વાસ હોય છે.
કેમ?

કારણ કે રાજકારણીઓને ખબર છે કે એમણે એ નથી બોલવાનું જે સાચું છે, પણ એ બોલવાનું છે જે મતદારોને સાંભળવું છે.

કોઈ નેતા લોકપ્રિય છે એટલે એની વાતો સાચી નથી થઈ જતી. સંભાવના તો એવી હોય છે કે એ જૂઠ પણ હોઈ શકે, કારણ કે નેતા લોકોમાં અળખામણા થઈ જવાય એવું બોલવાનું ટાળે છે અને લોકપ્રિય થવાય તેવું વધારે બોલે છે.

મજાની વાત એ છે કે એવો કોઈ મતદાર નથી જે એવું માનતો હોય કે નેતાઓ સાચું બોલે છે! એને ખબર છે કે ચૂંટણી પ્રચાર જૂઠની પીઠ પર ચડીને કરવામાં આવે છે, છતાં મતદાર હોશે હોશે એને સાંભળે છે.

કેમ?
સોશિયલ સાઈકોલોજીમાં તેને ‘ક્રાઉડ વિઝડમ’ (ટોળાનો વિવેક) કહે છે. તેમાં મોટી સંખ્યામાં લોકો કોઈ વાત માનતા હોય તો બાકીના લોકો પણ તેને માનવા પ્રેરાય છે.

ક્રાઉડ વિઝડમમાં કોઈ વાત કેટલી લોકપ્રિય છે તેના પર લોકો પોતાનો મત કેળવતા હોય છે, નહીં કે તે સાચી છે એટલે. આ કારણથી જ રાજકારણીઓનાં જૂઠમાં માનનારાઓ ઘણા હોય છે. લોકશાહીમાં એટલા માટે જ બહુમતી
લોકોનું અજ્ઞાન, વિશેષ જ્ઞાન ધરાવતા લઘુમતી પર ભારે પડે છે, જેના પરિણામે ખોટો જવાબ સૌથી અધિક સ્વીકૃત થાય છે.

બહુમતી લોકોની સહજ વૃત્તિ એમના અભિપ્રાયોને સાચા માનવાની હોય છે, કારણ કે લોકો નેતાની લોકપ્રિયતાને એની હોશિયારી સાથે સાંકળે છે. બાબાઓ-ગુરુઓ, ફિલ્મ સ્ટારો, રાજકારણીઓને સાંભળવા લોકો એટલે જ ભેગા થાય છે તેમાં એકલ-દોકલ વ્યક્તિ પોતાની સ્વતંત્ર વિચારશક્તિને બાજુએ મૂકીને ટોળા સાથે જવાનું પસંદ કરે છે.

૨૦મી સદીમાં, રાજનૈતિક દર્શનની દુનિયામાં હન્ના અરેંડટ (૧૯૦૬-૧૯૭૫) નામની એક જર્મન-અમેરિકન વિચારકનું નામ મોટું છે. સત્તા અને અનિષ્ટ વચ્ચેના સંબંધ પર એમણે ખૂબ લખ્યું
છે. રાજકારણમાં જૂઠું બોલવાના ચલણ પર ૧૯૭૧માં લખેલા એક લોકપ્રિય લેખમાં હન્નાએ કહ્યું હતું :
‘સચ્ચાઈની ગણતરી ક્યારેય રાજનૈતિક ગુણોમાં થઇ નથી અને જૂઠને હંમેશાં રાજનૈતિક લેવડ-દેવડમાં ન્યાયોચિત સાધન ગણવામાં આવ્યું છે.’
ઘણીવાર રાજકારણીઓનાં જૂઠને લોકો ‘ઊંચા પ્રકાર’ નું સત્ય માની લેતા હોય છે અર્થાત, લોકો (ખાસ કરીને જે લોકો અંધભક્ત છે) એવું માનતા હોય છે એમના નેતા એટલા મહાન અને પોતે એટલા પામર છે કે એમનામાં નેતાના ઉચ્ચ વિચારોને સમજવાની તાકાત નથી એટલે એને આંખ મીચીને માની લેવા જોઈએ.

લોકો એટલા માટે પણ જૂઠને ચલાવી લે છે, કારણ કે એમને એવું લાગે છે કે નેતાઓ એમના રાજકીય વ્યવહારોમાં બીજા હિંસક વિકલ્પ પસંદ કરે તેના બદલે થોડાં-ઘણાં નિર્દોષ જૂઠ બોલીને કામ ચલાવી દે તે વધુ હિતાવહ છે. ‘ના મામા કરતાં કાણો મામો સારો’ કહેવત જેવો આ ઘાટ છે.

ટૂંકમાં કહીએ તો રાજકારણીઓ એમના કરિશ્મા પર અને એમના ભક્તોના સમર્પણ ઉપર મુસ્તાક હોય છે.

બીજું કારણ કોસ્ટ-બેનિફિટનો અનુપાત છે. મોટાભાગના રાજકારણીઓને ખબર છે કે સાચું બોલવાથી જે નુકસાન થાય તેના કરતાં જૂઠ બોલવાથી વધુ ફાયદો થતો હોય તો જૂઠ જ બોલવું જોઇએ. આપણે આપણાં બાળકો પાસેથી સાચું બોલવાની અને ખોટાનો એકરાર કરવાની અપેક્ષા રાખીએ છીએ, પણ રાજકારણીઓનાં જૂઠ્ઠાણાંને કેમ ચલાવી લઈએ છીએ, કારણ
કે એમાં આપણા ફાધરનું કશું જતું નથી. આપણે ક્યારેય આપણાં બાળકોને એવું કહીએ છીએ કે, જો બેટા, મોટો થઇને જૂઠ બોલજે અને ખોટું કરજે?’

આપણા જેવા સાધારણ લોકોની દાલ-રોટી ચાલતી રહેતી હોય ત્યાં સુધી આપણને ય રાજકારણીઓની અનૈતિકતા સામે કોઈ વાંધો નથી હોતો. આ વાલિયા લૂંટારા જેવું છે : અમે તો ઘર ચાલે એમાં ભાગીદાર છીએ છે, તેના પાપમાં નહીં… એટલા માટે આપણે આપણા બાળકોને રામના પાઠ ભણાવીએ છીએ, પણ રાજકારણના રાવણને ચલાવી લઈએ છીએ.

ભારતમાં તકવાદી નેતાઓ, બનાવટી બાવાઓ, સાંઠગાંઠથી કામ કરતા ધનપતિઓ, બોલિવૂડના બદમાશ નાયકો અને કૌભાંડી રમતવીરો આપણા રોલ મોડેલ બની રહ્યા છે તે- ગાંધીજીએ કહ્યું તેમ- અસત્યની પૂજામાંથી આવે છે.

૧૯૫૧માં નહેરુએ આવી શરૂઆતની આશંકા વ્યક્ત કરી હતી. એમણે કહ્યું હતું : ચૂંટણી જીતવાની લાયમાં આપણે જૂઠ અને ગલતનો આશરો લઇ રહ્યા છીએ અને એવી રીતે જીત્યા પછી પણ અંતે તો આપણી એ હાર જ છે.

એક ગરીબ માણસની ભક્તિથી પીગળીને ભગવાન હાજર થયા અને પેલા ભકતને એક જાદુઈ સંતોષ શંખ ભેટમાં આપ્યો ને કહ્યું કે આ શંખ એની બધી ઈચ્છા સંતોષશે.

ગરીબ ઘરે ગયો પછી શંખમાં મોઢું નાખીને કહ્યું, ‘મને દસ હજાર રૂપિયા આપ. શંખમાંથી તરત જવાબ આવ્યો: દસ શું કામ? તને ખાલી એક હજાર રૂપિયાની જરૂર છે તો લે આ એક હજાર!’
ગરીબ ખુશ થઇ ગયો. એની બધી સમસ્યા હલ થઇ ગઈ, પણ શંખ પ્રતિપ્રશ્ર્નો બહુ કરતો હતો એ તેને પસંદ નહોતું. ગરીબે એના સ્થાનિક મંદિરના પુજારીને વાત કરી. પૂજારીએ કહ્યું: હું તને આના કરતાં વધુ ઉત્તમ લપોડ શંખ આપું છું એ તને તું માંગીશ તેના કરતાં વધુ આપશે.

ગરીબે એમાં મોઢું નાખીને કહ્યું : મને દસ હજાર આપ. લપોડ શંખે જવાબ આપ્યો : દસ શું કામ? એક લાખ લઇ જા ને!’ ગરીબ ખુશ થઇ ગયો. તે સંતોષ શંખ આપીને લપોડ શંખ લઇ આવ્યો.
એ જે માંગે તેમાં લપોડ શંખ વધારો કરે.

‘મને દસ હજાર આપ.’ શંખ કહે, દસ શું કામ? એક લાખ લઇ જા.’
ગરીબે થોડા દિવસ રાહ જોઈ પછી કહ્યું, ‘મને એક લાખ આપ.’ લપોડ શંખે કહ્યું, એક લાખ શું કામ? એક કરોડ લઇ જા!’
ગરીબ તો ખુશીનો માર્યો નાચવા લાગ્યો. હવે એનાં બધાં દુ:ખ દૂર થઇ જવામાં હતાં. એ હવે કરોડપતિ બની જવાનો હતો. દિવસો પસાર થયા, પણ કશું આવ્યું નહીં.

    એણે લપોડ શંખને ફરી કહ્યું, ‘મને એક કરોડ આપ.’  શંખે તરત કહ્યું,  એક કરોડ શું કામ? એક અબજ લઇ જા.  ગરીબ હવે અકળાયો હતો. એણે શંખને પૂછયું :‘તું મને નચાવે છે કેમ? પૈસા ક્યારે આપીશ તેની વાતક કર ને!  લપોડ શંખે ખુલાસો કર્યો, હું પૈસા નથી આપતો માત્ર વચન આપું છું.! ’

મોટાભાગમાં લોકોની સ્થિતિ આવી જ છે. એ બધા એવા લપોડ શંખોને જ વોટ આપે છે, જે એમને વચનો આપે છે અને એ ‘શંખો’ દર વખતે એકના ડબલ કરતાં રહે છે વચનના…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ