ઇન્ટરનેશનલ

શેહબાઝ શરીફ બીજી વખત પાકિસ્તાનના વડા પ્રધાન બનશે

ઈસ્લામાબાદ: પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના ટોચના નેતા શેહબાઝ શરીફ રવિવારે પાકિસ્તાનના 33મા વડા પ્રધાન બનશે. તેઓ ફરી એક વખત ગઠબંધનની સરકારનું નેતૃત્વ કરશે. તેમના પર ચૂંટણીમાં ધાંધલી કરાવવાનો આક્ષેપ છે અને તેમની સામે પાકિસ્તાનની કથળેલી આર્થિક સ્થિતિ અને સુરક્ષા સંબંધી ચિંતાના પડકારો છે.

શેહબાઝ શરીફ પીએમએલ-એન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના સંયુક્ત ઉમેદવાર છે. તેમણે પોતાનું ઉમેદવારી પત્રક ભરી નાખ્યું છે. તેમના વિરોધી પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ઓમર અયુબ ખાને પણ પોતાનું ઉમેદવારી પત્રક ભરી દીધું છે.

પીએમએલ-એનના પ્રમુખ શેહબાઝ 72 વર્ષના છે અને તેઓ ત્રણ વખત વડા પ્રધાન રહેલા નવાઝ શરીફ (74)ના નાના ભાઈ છે. નવા વડા પ્રધાનને ચૂંટી કાઢવા માટે નેશનલ એસેમ્બલીમાં મતદાન રવિવારે કરવામાં આવશે, એમ નેશનલ એસેમ્બલીના સેક્રેટરિયેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

વિજેતા ઉમેદવારને સોમવારે પ્રેસિડેન્ટ મેન્શન ઐવાન-એ-સદર ખાતે પદના શપથ ગ્રહણ કરાવવામાં આવશે.
શેહબાઝને કુશળ વહીવટકર્તા માનવામાં આવે છે તેમણે પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન તરીકે વિકાસના અનેક પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા કર્યા હતા. જોકે, તેઓ 2022માં 16 મહિનાના ટૂંકા ગાળા માટે વડા પ્રધાન બન્યા ત્યારે આવી કુશળતા દેખાડવામાં નિષ્ફળ નિવડ્યા હતા.

તેમની સામે સૌથી મોટા પડકારો નબળી આર્થિક સ્થિતિના અને આતંકવાદના વધી રહેલા જોખમનો રહેશે. તેમની સરકારે કારાવાસ ભોગવી રહેલા ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફના કાર્યકર્તાઓના વિરોધનો પણ સામનો કરવો પડશે. ચૂંટણીમાં ધાંધલી કરવાનો આક્ષેપ કરીને આ કાર્યકર્તાઓ લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આઠમી ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીમાં શરીફના નેતૃત્વ હેઠળની પાર્ટી સ્પષ્ટ બહુમત મેળવવામાં નિષ્ફળ ગઈ હતી. 265 સભ્યોમાંથી 75 સભ્યો સાથે તેમની પાર્ટી ટેક્નિકલી સંસદની સૌથી મોટી પાર્ટી બની હતી. અત્યંત ચોંકાવનારા પગલામાં મોટાભાઈ પાછળ ખસી ગયા હતા અને શેહબાઝને ગઠબંધનની સરકારનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પીપીપી અને અન્ય ચાર નાની પાર્ટીઓ આ ગઠબંધનની સરકારમાં સામેલ થયા છે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button