48 વર્ષની ઉંમરે ત્રીજી વખત પિતા બન્યો પૂર્વ ફાસ્ટ બોલર, સોશિયલ મીડિયા પર શેર કર્યું દીકરીનું નામ
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના ઘરે સારા સમાચાર આવ્યા છે. અખ્તર ત્રીજી વખત પિતા બન્યો છે. શોએબ અખ્તરની પત્ની રૂબાબ ખાને 1 માર્ચના રોજ પુત્રીને જન્મ આપ્યો છે. શોએબ અખ્તરે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.
અખ્તરે પોસ્ટમાં જણાવ્યું કે નુરેહ અલી અખ્તરનો જન્મ 1 માર્ચે થયો હતો. શોએબ અખ્તર અને રૂબાબ ખાન પહેલેથી જ બે છોકરાઓના માતા-પિતા છે. 48 વર્ષીય અખ્તરે તેના ચાહકોને તેની પુત્રીના જન્મના ખુશખબર આપ્યા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે લખ્યું હતું કે, “મિકેલ અને મુજદ્દીદને હવે એક નાની બહેન છે. અલ્લાહની કૃપાથી અમારે ત્યાં દીકરી જન્મી છે.
નૂરેહ અલી અખ્તરનું સ્વાગત છે. તમારા બધાની પ્રાર્થનાની જરૂર છે,” શોએબ અખ્તર. આ દંપતીને પહેલાથી જ બે પુત્ર છે- મોહમ્મદ મિકેલ અલી અને મોહમ્મદ મુજદ્દીદ અલી, જેમનો જન્મ 2016 અને 2019 માં થયો હતો.
2014માં શોએબ અખ્તરે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હરીપુરમાં રૂબાબ ખાન સાથે લગ્ન કર્યા હતા. ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર શોએબ અખ્તરે 38 વર્ષની ઉંમરમાં 20 વર્ષીય રૂબાબ સાથે લગ્ન કર્યા હતા. અખ્તરે તેના માતા-પિતાએ પસંદ કરેલી છોકરી સાથે લગ્ન કર્યા હતા.