મનોરંજન

પેંક્રિયાટિક (સ્વાદુપિંડ)ના કેન્સરે લીધી પંકજ ઉધાસની જાન

આ લક્ષણો દેખાય તો સાવધાન થઇ જાવ

જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસના નિધન અંગે જાણવા મળ્યું હતું કે તેમને પેંક્રિયાટિક કેન્સર હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમારી સામે લડી રહ્યા હતા. ગઝલ ગાયક અને પંકજ ઉધાસના ખાસ મિત્ર એવા અનુપ જાલોટાએ જણાવ્યું હતું કે જે વ્યક્તિએ કેન્સરના દર્દીઓને મજજ કરી એ વ્યક્તિ જ આજે કેન્સરના રોગમાં મૃત્યુ પામ્યો. છેલ્લા પાંચ-છ મહિનાથી તેમના કેન્સરની મને જાણ હતી. છેલ્લા બે-ત્રણ મહિનાથી તો તેમણે મારી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. તેમના મૃત્યુથી હું બહુ જ દુઃખી છું.

પેંક્રિયાટિક કેન્સર એ સ્વાદુપિંડમાં થતું કેન્સર છે. સ્વાદુપિંડ એ પેટની પાછળ, નાના આંતરડાની નજીક સ્થિત એક લાંબી ગ્રંથિ છે, જેનું કાર્ય પાચનમાં મદદ કરવાનું છે. આ ગ્રંથિ અંતઃસ્ત્રાવીને પણ નિયંત્રિત કરે છે. એન્ડોક્રાઈન બ્લડ સુગર લેવલને સામાન્ય રાખવાનું કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિને સ્વાદુપિંડનું કેન્સર થાય છે, ત્યારે તેના સ્વાદુપિંડમાં સોજો આવવા લાગે છે.

સ્વાદુપિંડનું કેન્સર એ સૌથી ખતરનાક કેન્સર છે જે દર વર્ષે 4 લાખ ભારતીયોને અસર કરે છે અને અનેક લોકોના આ કેન્સરને કારણે મૃત્યુ થાય છે. આ કેન્સર ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડના કોષોમાં અસામાન્ય વૃદ્ધિ થાય છે. જ્યાં સુધી વ્યક્તિ એડવાન્સ સ્ટેજ પર ન પહોંચે ત્યાં સુધી સ્વાદુપિંડના કેન્સરના કોઈ લક્ષણો દેખાતા નથી. આ કારણોસર સ્વાદુપિંડનું કેન્સર શોધવું અને સારવાર કરવી ખૂબ મુશ્કેલ છે. પણ શરીરના કેટલાક લક્ષણો પર આપણે બારિકાઇથી ધ્યાન આપીએ તો આપણને આ કેન્સર વિશે જાણ થઇ શકે છે.

સ્વાદુપિંડના કેન્સરના લક્ષણો: સ્વાદુપિંડનું કેન્સર જ્યારે તેના એડવાન્સ સ્ટેજ પર પહોંચે છે, ત્યારે આ લક્ષણો માણસોમાં જોવા મળે છે – પેટનો દુખાવો જે ધીમે ધીમે પીઠના દુખાવામાં પરિવર્તિત થાય છે – ભૂખ ન લાગવી – વજનમાં ઘટાડો – ત્વચા અને આંખની સમસ્યાઓ- કમળો થવો- સ્ટૂલના રંગમાં ફેરફાર – ઘાટો પીળો પેશાબ – ખંજવાળ – ડાયાબિટીસ હોવો અથવા ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મુશ્કેલી અનુભવવી – પગ અને હાથમાં દુખાવો અને સોજો જે લોહીના ગંઠાવાનું સૂચવી શકે છે. – થાક અને નબળાઈ અનુભવવો
સિગારેટ પીવી, આલ્કોહોલ પીવો, સ્થૂળતા, પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન વ્યક્તિને સ્વાદુપિંડના કેન્સર તરફ દોરી શકે છે. ડૉક્ટર્સ કહે છે કે, ‘સ્વાદુપિંડનું કેન્સર થવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ કેટલાક પરિબળો આ કેન્સરનું જોખમ વધારે છે, જેમાં ધૂમ્રપાન, ડાયાબિટીસ, ક્રોનિક પેનક્રિયાટિક, સ્થૂળતાનો સમાવેશ થાય છે. જો પરિવારમાં કોઈને આ કેન્સર થયું હોય તો પણ વ્યક્તિનું જોખમ વધી જાય છે.
સ્વાદુપિંડનું કેન્સર કેવી રીતે શોધી શકાય?

સ્વાદુપિંડનું કેન્સર શોધવા માટે ડોકટરો દર્દીના લક્ષણો અને તબીબી ઇતિહાસની તપાસ કરે છે. દર્દીનું સીટી સ્કેન અને બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. સ્વાદુપિંડનું કેન્સર શોધવા માટે બે ખાસ પ્રકારના પરીક્ષણો એન્ડોસ્કોપિક રેટ્રોગ્રેડ કોલેન્જિયોપેનક્રિએટોગ્રાફી (ERCP) અને એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ (EUS) કરવામાં આવે છે.

સ્વાદુપિંડનું કેન્સર કેવી રીતે અટકાવવું:

ધૂમ્રપાન સંપૂર્ણપણે બંધ કરી દો. આલ્કોહોલનું વધુ પડતું સેવન સ્વાદુપિંડના કેન્સરનું જોખમ વધારે છે, તેથી તેનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દો. સ્વાદુપિંડના કેન્સરનું જોખમ ઘટાડવા માટે વજનને નિયંત્રણમાં રાખો. નિયમિત રીતે કસરત અને યોગ કરો, સંતુલિત આહાર લો. રેડ મીટ, પ્રોસેસ્ડ ફૂડ અને તળેલા ખોરાકથી દૂર રહો. તેના બદલે, તાજા ફળો અને શાકભાજી, આખા અનાજનું સેવન કરો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button