ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૧૬)
આજે સાંજે તને તારી આ અવળચંડાઈની બરાબર સજા કરીશ. અને તારા બાપનાં પણ હાડકાં ભાંગી નાખીશ. ભાગ અહીં થી…’ અને એણે એટલા જોરથી ધક્કો માર્યો કે ગીની દૂર ફેંકાઈ ગઈ.
કનુ ભગદેવ
(ગતાંકથી ચાલુ)
‘ભરી બજાર છે તો એમાં શું
થયું?’ રૂસ્તમ ખંધુ હાસ્ય કરતાં બોલ્યો. ‘ તારા બાપે તારો હાથ મને સોંપવાનું વચન આપ્યું છે. ઉપરાંત આપણા લગ્ન થવાનાં છે એ વાત આખું ગામ જાણે છે. પછી એમાં તને શરમ શા માટે આવવી જોઈએ. ચાલ, આજે તો તને એક સરસ અંગ્રેજી ફિલ્મ બતાવું…’
‘આજે નહિ!… ફરી કોઈકવાર …’ ગીની આજીજીપૂર્વક બોલી…
‘ કમબખ્ત, તું સીધી રીતે આવે છે કે નહિ …? રૂસ્તમ ભયાનક અવાજે બરાડ્યો. એનો અવાજ એટલો બધો ઊંચો હતો કે લોકોમાં નાસભાગ શરૂ થઈ ગઈ. રૂસ્તમ વાતવાતમાં વીફરી પડે એવા સ્વભાવનો માણસ છે, એ તો સૌ જાણતું જ હતું. બેચાર દુકાનદારોએ દુકાન બંધ કરી દીધી અને ત્યાંથી આડાઅવળા થઈ ગયા.
‘મારા બાપુજી બીમાર છે, મારે હજુ એમના માટે દવા લેવા જવાનું છે.’ ગીનીએ કહ્યું, ‘ અત્યારે મને જવા દે’
‘અને નહિ જવા દઉં તો તું શું કરીશ? રૂસ્તમે ત્રાંસી આંખ કરતાં પૂછયું.
જવાબમાં ગીની એકાએક ધુ્રસકે ધુ્રસકે રડી પડી. સિંહના પંજામાં ફસાયેલી ભયભીત હરિણીની જેમ એણે પોતાની અસહાય નજર ચારે તરફ દોડાવી અને પછી હતાશથી એનો ચહેરો એકદમ ઊતરી ગયો.
દૂર એક અખબારમાં મોં છુપાવીને ઊભો રહેલો શેખ ઉર્ફે દિલાવરખાન કયારનોયે આ તમાશો ચૂપચાપ જોતો હતો. ગીનીનાં ધ્રુસકાં સાંભળીને હવે એણે ધીરજ ગુમાવી. તે સ્વસ્થતાથી ધીમાં ડગલાં ભરતો અખબારને એક તરફ ફેંકીને ગીની તથા રૂસ્તમની વચ્ચે આવીને ઊભો રહ્યો.
ચમકી ગયેલા રૂસ્તમે પોતાની ડરામણી નજરે દિલાવરખાન સામે જોયું. દિલાવરના ચહેરા પર ગજબનાક સ્વસ્થતા અને શાંતિ છવાયેલી હતી. ચહેરા પર ઉશ્કેરાટ કે આવેશનું નામોનિશાન નહોતું. પળભર માટે એણે રૂસ્તમની પકડમાંથી ગીનીનો હાથ છોડાવ્યો. ગીની તરફ ફરીને તે સ્થિર અવાજે બોલ્યો, ‘ તું ઘેર જા…’
‘ એ…એ…તમને મારી નાંખશે…’ ગીની ચીસ જેવા અવાજે બોલી.
‘તને કહ્યું ને…?’ હું એના સાથે ફોડી લઈશ.’
ગામ નાનું હોવાથી ઘણા માણસો શેખને ઓળખતા હતા. તે અહીં એક વિલાયતી નળિયાંની ફેક્ટરીમાં નોકરી કરે છે, એ વાત પણ અમુક માણસો જાણતા હતા. તેઓ સૌમાં ફેલાયેલો ગભરાટ તેના વચ્ચે પડવાથી વધી ગયો. હવે તો ચોક્કસ એનો અંત આવી જવાનો, એવી દૃઢ માન્યતા તેઓમાં બંધાઈ ગઈ.
રૂસ્તમ ભયાનક વરૂ જેવી શિકારી નજરે દિલાવરખાન સામે તાકી રહ્યો. અને પછી એકાએક જ તેનો જમણો પગ વીજળીની ગતિએ ઊંચો થઈને સામે ઊભેલા દિલાવરખાનની છાતીમાં ધડામ કરતો ઝીંકાયો. પ્રહાર એટલો બધો ભીષણ અને અણધાર્યો હતો કે દિલાવર પોતાનું બેલેન્સ જાળવી શકવાથી એકદમ પાછળના ભાગમાં ઊભો હતો. ત્યાંથી ત્રણ-ચાર ફૂટ દૂર પીઠભેર ઊથલી પડ્યો. એના વાંસામાં ખૂબ જ પછડાટ વાગી અને છાતીમાં તીવ્ર પીડાની ઝણઝણાટી ફરી વળી.
‘ રૂસ્તમના માર્ગમાં આવનાર કોઈ જ જીવતો નથી રહેતો બેવકૂફ…! નજીક આવીને રૂસ્તમે એક બીજી ભયંકર લાત દિલાવરખાનના ઘૂંટણ પર ઝીંકી દીધી. પીડા અને આઘાતથી દિલાવરખાન બેવડો વળી ગયો.
લોકો ફાટી આખે, દયાભર્યા હૃદયે અને કચવોતા હૈયે દિલાવરખાનની હાલત પર મનોમન તરસ ખાતા તાકી રહીને ચૂપચાપ ઊભા હતા. ચું- ચું કરવાની કે વચ્ચે પડવાની કોઈની જિગર નહોતી.
પીડાથી ચિત્કાર કરતાં દિલાવરખાને સ્વસ્થ થવાનો પ્રયાસ કર્યો. એનું દિમાગ ઘૂમતું હતું. આખો સામે રહી રહીને અંધકાર છવાતો હતો. એનાથી એક ફૂટ દૂર ઊભો રહીને રૂસ્તમ લાલચોળ આંખે તેની હિલાચલને તાકતો, ગર્વની ટટ્ટાર રાખીને ઊભો હતો.
દૂર ઊભેલી ગીની આંખોમાં આંસુની ધારા સાથે ચીસો પર ચીસો પાડતી હતી. અચાનક એ દોડી અને રૂસ્તમ નજીક આવીને તેના પગમાં નમી ગઈ, ‘એને છોડી દો …!’ એ ધ્રુસકાના કારણે ત્રુટક અવાજે બોલી, ‘ચાલો, તમે જ્યાં કહો ત્યાં આવવા તૈયાર છું… એક નિર્દોષને મારીને તમારા હાથમાં શું આવવાનું છે…’
રૂસ્તમે ડારતી નજરે એની સામે જોયું પછી ભયંકર રોષથી તેને ધક્કો મારતાં બોલ્યો, ‘ચાલ અહીંથી દૂર ખસ ! એ તારો શું સગો થાય છે કે તું વચ્ચે પડવા આવી…! ચૂપચાપ અહીંથી ચાલી જા. આજે સાંજે તને તારી આ અવળચંડાઈની બરાબર સજા કરીશ. અને તારા બાપનાં પણ હાડકાં ભાંગી નાખીશ. ભાગ અહીં થી…’ અને એણે એટલા જોરથી ધક્કો માર્યો કે ગીની દૂર ફેંકાઈ ગઈ.
જે સ્થળે આ પ્રસંગ બન્યો હતો એ સ્થળની નજીકમાં જ દારૂનું પીઠું હતું. રૂસ્તમ તથા તેના બેચાર સાથીઓ આખો દિવસ ત્યાં જ પડ્યાપાથર્યા રહેતા હતા. પીઠાનો માલિક પણ રૂસ્તમથી ડરતો હતો. એ બિચારો નિરુપાય થઈને રૂસ્તમની એકેએક દાદાગીરીને ચૂપચાપ સહન કર્યે જતો હતો. અત્યારે પણ તે પીઠાની બહાર પડેલી એક ખુરશી પર બેઠો બેઠો તેની દાદાગીરીને ધૃણાથી અને ભયથી જોઈ રહ્યો હતો…
બેવડા વળી ગયેલા દિલાવરના ગળામાંથી ગહન વેદનાના ચિત્કારો સરતા હતા. એણે ઊભા થવાનો પ્રયાસ કર્યો. મહામહેનતે તે ઊભો થઈ શક્યો. પરંતુ છાતીમાં જે સૌથી પહેલા અણધારી અને સ્ટીમરોલરના ફટકા જેવી પ્રચંડ લાત પડી હતી એને કારણે તેની છાતી ભયંકર વેદનાથી સણકારા મારતી હતી. એના પગ અવાર-નવાર ઘૂંટણથી વળવા લાગતા હતા અને તે માંડ માંડ થરથરતી હાલતમાં ઊભો રહી શકતો હતો…
‘ સ્પાર્ક’ હવામાં એક અવાજ ગૂંજી ઊઠ્યો. રૂસ્તમના અવળા હાથની એક ભયંકર અને જોરદાર ઝાપટ ‘સ્પાર્ક’ ના અવાજ સાથે દિલાવરખાનના ગાલ પર ટકરાઈ… દિલાવરનો નીચલો હોઠ ચીરાઈ ગયો અને તેમાંથી લોહીની પાતળી ધાર વહેવા લાગી. એના પગ લથડ્યા અને ફરીથી તે નીચે પછડાયો. રૂસ્તમે જ આ વખતે પહેલ કરી હતી અને એનો પહેલો જ પ્રહાર જોરદાર હતો, એટલે બાજી તેના હાથમાં રહેતી હતી. દિલાવરખાનને સ્વસ્થ થવાની તક જ નહોતી મળતી. સૂમસામ સ્તબ્ધ વાતાવરણમાં …કીરરર…કટ નો અવાજ આવ્યો અને પછી રૂસ્તમના હાથમાં છ ઈંચનાં ફણવાળું ધારદાર, ચમકારો મારતું ચાકુ દેખાયું. ચાકુ કરતા તેને છૂરી કહી શકાય. લોકોના શ્ર્વાસ થંભી ગયા. એકાએક દૂરથી પોલીસકારની તીવ્ર સાયરનનો અવાજ આવ્યો. રૂસ્તમ ચમક્યો. વળતી જ પળે એણે ચાકુને બંધ કરીને પોતાના એક સાથીદારના હાથમાં સરકાવ્યું અને પોલીસકાર તે સ્થળે આવી પહોંચે તે પહેલાં જ એ ત્યાંથી પલાયન થઈ ગયો કે તુરત જ આજુબાજુ ગયેલા માણસોનું ટોળું નીચે પડેલા દિલાવરને ઘેરી વળ્યું. અને સૌએ આવડે એવી પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી. દિલાવરખાન હોઠ પીસીને ઊભો થઈ ગયો. એ જ પળે પોલીસવાન આવીને ઊભી રહી. લોકો ફરીથી. આડાઅવળા થઈ ગયા. એક ઈન્સ્પેકટર નીચે ઊતરી આવ્યો અને દિલાવરખાનને લોહીલુહાણ જોઈને પૂછપરછ કરી. જવાબમાં પોતે એક સાઈકલ સવાર સાથે અથડાઈ પડ્યો છે એવો ખુલાસો તેણે કર્યો. સાચી વાત કહેવાની આમેય કોઈનામાં હિંમત નહોતી. થોડી પળો સુધી ઈન્સ્પેક્ટર દિલાવરખાન સામે વિચિત્ર નજરે તાકી રહ્યો. પછી તે ખભા ઉછાળીને પાછો ચાલ્યો ગયો. પોલીસકાર રવાના થઈ ગયા બાદ ગીની તરત જ ત્યાં દોડી આવી. એણે દિલાવરખાનને ટેકો આપ્યો અને પછી ધીમે ધીમે તેને ઘેર લઈ જવા લાગી. ઘેર પહોંચીને એણે દિલાવરને મુલાયમ બિસ્તરમાં સુવડાવ્યો પછી તે નજીક રહેતા એક ડૉકટરને બોલાવી લાવી. ગીનીનો બાપ સાચી વાત જાણ્યા પછી બેહદ ગભરાઈ ગયો. રૂસ્તમથી તે ખૂબ જ ડરતો હતો. ડૉકટરે પ્રાથમિક સારવાર આપી. છાતી માટે આરામદાયક એક લોશન બનાવીને મોકલ્યું. પીડાને ઓછી કરવા માટે એ ઇન્જેકશન પણ લગાવ્યું, ત્યારબાદ એ ચાલ્યો ગયો…
એ આખો દિવસ દિલાવરે આરામ કર્યો. લાંબી ઊંઘ ખેંચ્યા બાદ તેની પીડા ઘણી ઓછી થઈ ગઈ. રૂસ્તમે સાંજે ઘેર આવીને જોઈ લઈશ એવી ધમકી બજારમાં લડાઈ વખતે ઉચ્ચારી હતી, પરંતુ પોલીસના ભયથી તે કદાચ નહોતો આવ્યો…
અને રાત્રે ગીની દિલાવરખાનને દવા પિવડાતાં કહેતી હતી: ‘હું તમને પહેલાંથી જ કહેતી હતી મારે કારણે ક્રૂર છે. કોઈ જ એનું કશું એ કરી શકે તેમ નથી. તમે જોયું ને? ગામમાં કેવો ભય ફેલાઈ ગયો હતો ? હવે પછી ક્યારેય તમે એની સાથે બાથ ભીડશો નહિ…’
દિલાવર હસ્યો અને પછી એણે કહ્યું, ‘ગીની, તું મારી એક વાત માનીશ ?’
ગીનીએ આંખો વડે જ સ્વીકાર ર્ક્યો.
અને પછી દિલાવરખાને જે કામ કરવાની એને સલાહ આપી એથી તે ધ્રુજી ઊઠી. અને પછી ખૂબ જ મક્કમતાથી એ કામ કરવાનો ઇનકાર કરતાં બોલી, ‘આ કામ આગમાં ઘી હોમવા જેવું છે, તમે રહેવા દો.’
એના ઇનકાર પછી દિલાવરે તેને પુષ્કળ સમજાવી ફોસલાવી-પટાવી એના કોમળ હૃદયની લાગણીના તાર ઝણઝણી ઊઠે એવી રીતે પોતાની વાત રજૂ કરી. અને છેવટે એ તેની પાસેથી આ કામ માટે હા પડાવીને જ રહ્યો. સાથે જ એમાં કોઈ નુકશાન નથી એવી ખાતરી પણ તેણે ઉચ્ચારી. જોકે આ સમજાવટમાં તેને બે કલાક લાગ્યા હતા. અને છેવટે માંડ માંડ ગીની સહમત થઈ હતી. દિલાવરના ટેબલ પર ગરમ દૂધનો ગ્લાસ મૂકીને તે નીચે ચાલી ગઈ એ રાત્રે પણ દિલાવરે ખૂબ સારી ઊંઘ ખેંચી
બીજે દિવસે સવારે તે ઊઠ્યો ત્યારે તેના શરીરમાં પીડાનું નામોનિશાન નહોતું. તે પહેલાં જેવો જ તાજગીભર્યો લાગતો હતો.
સવારે નવ વાગ્યે જ ગીની બહાર નીકળી. દિલાવર પણ તેની પાછળ ગયો. એના હાથમાં એક થેલી હતી. ગઈકાલે જે જગ્યાએ ધમાચકડી જામી હતી એ જગ્યાએ આવીને ગીની ઊભી રહી. દિલાવર તે ઊભી હતી તેની બરાબર સામે આવેલી પાનની એક દુકાન પર સિગારેટ ખરીદતો ઊભો રહ્યો.
પાનવાળાએ તેને કહ્યું, ‘ શેખસાહેબ, તમે અહીંથી જતા રહો.’ એના અવાજમાં ધ્રુજારી હતી. રૂસ્તમ ગઈકાલે પોલીસના આગમનથી ખૂબ જ છંછેડાયો છે. થોડીવાર પહેલાં જ તે અહીંથી નીકળ્યો હતો… અને બબડાટ કરતો હતો કે તમને ખતમ કરીને જ ઝંપશે!’
દિલાવરખાને એની સામે સ્મિત ફરકાવ્યું. પછી પાનની દુકાનમાં લટકતા અરીસામાં જોતો તે ઊભો રહ્યો. અરીસામાં ગીની ઊભી હતી, તથા તેની પાછળનાં બધાં જ દૃશ્યોનાં પ્રતિબિંબ સ્પષ્ટ રીતે જોઈ શકાતાં હતાં.
દૂર પીઠાના બંકડા પાસે ઊભા રહેલા રૂસ્તમની નજર ગીની પર પડી. એ તેની તરફ આગળ વધે તે પહેલાં જ એણે આંગળી હલાવી પોતાની પાસે આવવાનો સંકેત કર્યો.
રૂસ્તમના ચહેરા પર કુટીલ સ્મિત ફરકી ગયુ પોતાના ગઈકાલના પરાક્રમથી તે ગભરાઈ ઊઠી છે. અને તેથી પોતાને બોલાવી રહી છે, એવી કલ્પનામાં હસતો હસતો તે આગળ વધ્યો. (વધુ આવતી કાલે)