કોંગ્રેસને વધુ એક ફટકોઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે પાર્ટીને કર્યાં ‘રામરામ’
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા અને બાબા સિદ્દિકી બાદ કૉંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રના કાર્યકારી અધ્યક્ષ બસવરાજ પાટીલે કૉંગ્રેસને અલવિદા કહી દીધું હોવાની માહિતી મળી છે.
કૉંગ્રેસને છોડીને બસવરાજ પાટીલે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નો હાથ ઝીલ્યો છે. તે ભાજપમાં સામેલ થયા ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે પણ હાજર હતા.
લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે એક પછી એક કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેના સાથ છોડી રહ્યા હોવાથી ચૂંટણી ઉપર તેની અસર શકે તેવી ચર્ચા છે. મંગળવારે બસવરાજ પાટીલે ફડણવીસના નિવાસસ્થાને તેમની મુલાકાત લીધી હતી.
બસવરાજ મરાઠાવાડાના ઔસા ક્ષેત્રનો લિંગાયત સમાજનો ચહેરો માનવામાં આવે છે અને તે 2009 અને 2014માં વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થયા હતા.
એક પછી એક કદાવર નેતાઓ કૉંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે અને મહાયુતિમાં સામેલ થઇ રહ્યા છે. આ સિલસિલો ચાલુ છે ત્યારે ફડણવીસે હજી વિપક્ષના અનેક નેતાઓ ભાજપના સંપર્કમાં હોવાનું નિવેદન સાચું પડતું જણાય છે.