અમદાવાદથી સૌરાષ્ટ્ર-મુંબઈને જોડતા ત્રણ રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સૌરાષ્ટ્ર તરફ જવા માટે રેલ ટ્રાફિકમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સહિત નવ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના ખાતમુહૂર્ત ૨૬મી ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સથી કરાશે. જેમાં સૌરાષ્ટ્ર અને સૌથી વ્યસ્ત એવા મુંબઈના રેલ વ્યવહારને જોડતા અમદાવાદના ચાંદલોડિયા, મણિનગર અને વટવા સહિત ત્રણ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થશે.
અમદાવાદ ડિવિઝનના નવ સ્ટેશનોમાં અમદાવાદ રેલવે સ્ટેશનના મેજર અપગ્રેડેશન તેમજ અમૃત ભારત સ્કીમ હેઠળ મણિનગર, ચાંદલોડિયા, વટવા, સામખયાલી, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા અને ભીલડી સ્ટેશનોનો રૂ. ૨૩૩ કરોડથી પણ વધારે ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યાને પણ હળવી કરવા માટે લગભગ રૂ. ૨૩૦ કરોડના ખર્ચે અમદાવાદ ડિવિઝનમાં અસારવા, ગોરાઘુમા, ચાંદલોડિયા, વટવા, અંજાર, રતલાન, ભુજ, ધીનોજ, છાપી, કમલી, મહેસાણા, જગુદત, કલોલ, ચાંદખેડા, વિરમગામ, સડલા, બજાણા, જત પિપલી, વસાડવા, ઘનશ્યામ ગઢ, સુખપુર તેમ જ હળવદમાં વિવિધ સ્થળોએ ૩૫ રોડ અંડરબ્રિજના શિલાન્યાસ-લોકાર્પણ વડા પ્રધાન દ્વારા કરવામાં આવશે. ચાંદલોડિયા રેલવે સ્ટેશન ઉપરથી અનેક મુસાફરો રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગર, જૂનાગઢ અને કચ્છ તરફ જતી ટ્રેનોમાં જતા હોય છે. જેના કારણે ચાંદલોડિયા રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર સૌથી વ્યસ્ત ગણાય છે. મુંબઈથી આવતી જતી ટ્રેનોમાં પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોને કાલુપુર સુધી ન જવું પડે તેના માટે મણિનગર અને વટવા રેલવે સ્ટેશનને રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. રિડેવલપમેન્ટ થનારા રેલવે સ્ટેશનો પર વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્ફોર્સ, એસી વેઇટિંગ રૂમ, સુવિધાજનક પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, વાઇ-ફાઇ, આધુનિક સીસીટીવી સિસ્ટમ, પૂરતી પ્રકાશ વ્યવસ્થા વગેરે સુવિધાઓ ઊભી કરાશે. રેલવે લાઈન પર અંડરબ્રિજ-અંડરપાસ બનવાથી લોકોને રેલવેના પાટા ક્રોસ કરવામાં પણ સગવડ રહેશે.