૧,૭૦૦ કિલો ડ્રગ્સની જપ્તિ ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સામે રેડ કોર્નર નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ
મુંબઈ: રૂ. ૩,૦૦૦-૩,૫૦૦ કરોડની કિંમતના ૧,૭૦૦ કિલો મેફેડ્રોન ડ્રગ્સની જપ્તિના કેસ સંબંધે પુણે પોલીસ દ્વારા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
નવી દિલ્હી, પુણે અને સાંગલી સહિત અનેક શહેરોમાં ઑપરેશન હાથ ધરાયા બાદ મેફેડ્રોન જપ્ત કરીને આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સંદીપ ધુનયની ભૂમિકા સામે આવી હતી અને તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું.
મૂળ બિહારના સંદીપ ધુનયની ૨૦૧૬માં નાર્કોટિક્સ કેસમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) પુણેથી ધરપકડ કરી હતી અને તેને યેરવડા જેલમાં રખાયો હતો. સંદીપ તેને જેલમાં મળેલા લોકોનો કુરિયર તરીકે ઉપયોગ કરતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
દરમિયાન ડ્રગ્સની જપ્તિના કેસમાં દિલ્હીથી ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે અને તેમને અહીંની કોર્ટમાં હાજર કરવામાં આવશે. દિલ્હીથી જપ્ત કરવામાં આવેલા મેફેડ્રોનને પણ ક્ધટેઇનરમાં પુણે લાવવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.
ભારતમાં સીબીઆઇ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ને સત્તાવાર રીતે રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યૂરો તરીકે નિયુક્ત કરવામાં આવી છે અને તેને રેડ કોર્નર નોટિસ પ્રકાશિત, જાળવણી અને અપડેટ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. (પીટીઆઇ)