વીક એન્ડ

ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૧૩)

બદમાશોની કાર ઊભી રહેવાનો અવાજ એણે સ્પષ્ટ રીતે સાંભળ્યો. એણે દીવાલના બાકોરામાંથી બહાર નજર કરી બદમાશો કારમાંથી નીચે ઊતરીને આમતેમ નજર દોડાવતા હતા. એ બધાના હાથમાં રિવોલ્વરો ચમકતી હતી

કનુ ભગદેવ

(ગતાંકથી ચાલુ)
કોઇક મરાઠા સરદારોનો એ કિલ્લો હોવો જોઇએ, એવું તેના દેખાવ પરથી લાગતું હતું. કિલ્લાને ફરતી દીવાલો ઠેકઠેકાણેથી તૂટેલી હતી. ઉપરના મિનારાઓ પણ બિસ્માર હાલતમાં હતા. અંદરના ચોગાનમાં તેમ આજુબાજુના ખંડોની પણ એ જ સ્થિતિ હતી. બે ખંડોને જોડતી દીવાલો પણ તૂટી ગઇ હતી, અને ખંડની જમીન પર ઠેકઠેકાણે જંગલી ઘાસ ઊગી નીકળ્યું હતું. ઉપર જવાનાં પગથિયા પણ તૂટી ગયાં હતાં. સમય અને જમાનાની કારમી થપાટ ખાઇ ચૂકેલી આ ઇમારત એના સમયમાં બેહદ શાનદાર હોવી જોઇએ એવું લાગતું હતું.

આવા જ એક ખંડમાં નાગપાલ દાખલ થયો ગજવામાં પડેલી રિવોલ્વર બહાર કાઢી. તેને બરાબર ચેક કરી અને પછી પુન: ગજવામાં મૂકી દીધી. ત્યારબાદ એ બદામાશોની રાહ જોતો સ્વસ્થતાપૂર્વક ઊભો રહ્યો. એનો ચહેરો આ પળે શાંત હતો અનણે એના મનમાં ભય કે ગભરાટનું નામોનિશાન નહોતું.

બદમાશોની કાર ઊભી રહેવાનો અવાજ એણે સ્પષ્ટ રીતે સાંભળ્યો. એણે દીવાલના બાકોરામાંથી બહાર નજર કરી બદમાશો કારમાંથી નીચે ઊતરીને આમતેમ નજર દોડાવતા હતા. એ બધાના હાથમાં રિવોલ્વરો ચમકતી હતી.

પછી તેઓ અંદર ઘૂસી આવ્યા. સંખ્યામાં તેઓ છ હતા…
‘તૈયબ!’ અડીખમ અને પહેલવાની બાંધો ધરાવતો અને તેઓનો મુખી જેવો લાગતો માનવી સત્તાવાહી આજે ખરાડયો, ‘તે આટલામાં જ ક્યાંક છુપાયો હશે. તું પાછળના ભાગમાં તપાસ કર. બાકર, તું ઉપર જા, અને બહેરામજી, તું સુલતાનને સાથે લઇને અહીંના બધા ઓરડામાંથી ફરી વળ! હું અને બિહારી અહીં જ તપાસ કરીશું… તમે લોકો બરાબર…’
‘મને શોધવા માટે કોઇને ક્યાંય જવાની જરૂર નથી.’ કહેતો નાગપાલ એ તૂટી ગયેલા કમરાના દ્વારમાંથી બહાર નીકળી, એ લોકોથી માત્ર ત્રણ ફૂટ જેટલો દૂર ઊભો રહીને બોલ્યો.
પળભર તો છ-એ-છ બદમાશો ડઘાઇ ગયા. નાગપાલના હાથમાં રિવોલ્વર કે છૂરી કશુંએ નહોતું. એ ખૂબ જ મગરૂરીથી પોતાની સમસ્ત ખુમારી સાથે એકદમ બેફિકરાઇથી ઊભો હતો. એના ચહેરા પર થડકાટ, ચિંતા કે ભયની આછીપાતળી રેખા પણ નહોતી ફરકતી, એની ખૂબસૂરત આંખોમાં એક ખોફનાક ચમક પથરાયેલ હતી, અને એ ચમકારા મારતી નજરે સામે ઊભેલા બદમાશોને તાકી રહ્યો હતો…

‘નાગપાલ!’ મુખી લાગતો પહેલવાન પોતાની મૂછને વળ ચડાવતાં બરાડયો, ‘તારા પરમાત્માને યાદ કરી લે. કારણકે હવે તું થોડી વારનો જ મહેમાન છે.’
‘એમ!’ નાગપાલ બોલ્યો, ‘અને મને કોણ મારશે… તું…?’

‘હા… તને મારી નાખવા માટે મને હુકમ મળ્યો છે. હવે મહેરબાની કરીને એ હુકમ કોણ મને આપ્યો તે અંગે પૂછપરછ કરીશ નહિ. કારણ કે હું પોતે પણ નથી જાણતો કે તારા મોતથી કોને લાભ છે? અને મારે એનું કારણ જાણવાની જરૂર પણ નથી. મારે તો રૂપિયા સાથે નિસબત છે.’

‘સમજી ગયો.’ નાગપાલ બોલ્યો, ‘તો તું ભાડૂતી કૂતરો છે… કોઇકનો…! અને જે તને રૂપિયા આપે છે, એના સંકેત પ્રમાણે જ તું તારી પૂંછડી હલાવે છે. ખેર, જવા દે…! તારી સાથે હું વાત કરવા નથી માંગતો. હવે તને એક વણમાગી સલાહ આપીશ. મને મારવા માટે ગજભરનું કલેજું જોઇએ! અને તારા જેવા ભાડૂતી કૂતરાઓ પાસે એક ઇંચનું કલેજું પણ નથી હોતું એ હું જાણું છું. મને તારા પર દયા આવે છે. પહેલવાન…! માટે મારું મગજ છટકે એ પહેલાં જ અહીંથી વંજો માપી જા.’

‘નાગપાલ…!’ પહેલવાનની આંખોમાં લોહી ઊતરી આવ્યું. એની મોટી લીંબુની ફાળ જેવી હિંસક આંખો ક્રોધ તથા અપમાનથી સળગી રહી હતી. ચહેરો રોષથી લાલધૂમ બની ગયો હતો.
‘નાગપાલ…!’ મુખીનો અવાજ ભયંકર અને કાળઝાળ રોષથી ધુ્રજતો હતો, ‘મારું નામ કલ્લુ પહેલવાન છે. મને લાગે છે કે તેં મારું નામ ક્યારેય નહિ સાંભળ્યું હોય! બેવકૂફ જાસૂસ! મુંબઇની અપરાધી આલમ મારા નામ માત્રથી થરથરે છે. તને જોતાંની સાથે જ શૂટ કરી નાંખવાની મને સૂચના હતી. પણ હવે…?’ પહેલવાનનો અવાજ એકદમ કઠોર બની ગયો, હવે હું તને અહીથી જીવતો જ મારી સાથે મારા અડ્ડા પર લઇ જઇશ, અને ત્યાં હું તને રિબાવી રિબાવીને મારીશ. તને એટલો બધો રિબાવીશ કે તું મોતને ઝંખીશ અને તો પણ તને મોત નહિ મળે. મોત માત્ર તારાથી એક ઇંચ દૂર રહીને તારી કમનસીબી અને હાલત પર અટ્ટહાસ્ય વેરતું પસાર થઇ જશે. ચાલ આગળ થા.’

‘પહેલવાન!’ નાગપાલનો અવાજ પૂર્વવત્ શાંત હતો, ‘મેં તને પહેલાં પણ કહ્યું છે કે મને મારવો એ તારું કામ નથી. મારે મન તારી કિંમત એક મચ્છર જેટલી જ છે, અને મચ્છરને એક જ ઝાપટ પૂરતી થઇ પડે છે. એ તો તું જાણતો જ હોઇશ. માટે ચૂપચાપ અહીંથી ચાલ્યો જા. હું તારા લોહીમાં હાથ રંગવા નથી માંગતો. મને તો તારા પરદાનશીન બોસની તલાશ છે, અને એને પણ હું એકને એક દિવસ શોધી કાઢીશ. તારી આંખે રૂપિયારૂપી પાટા બાંધવામાં આવ્યા છે, હું કે તું જે કંઇ કરે છે, તેના સારા-નરસાનું તને ભાન નથી. મારે મન તું એક અભણ, ગમાર અને ભલા-ભોળા ગામડિયા જેવો છે. મારી નજરે તું નિર્દોષ છે. એટલે જ તારી સાથે આટલી વાતો કરી. તારો ઇરાદો પડતો મૂક અને અહીંથી ચાલ્યો જા. નહિ તો ન છૂટકે મારે તારા જેવા મામૂલી માણસ પર હાથ ઉગામવો પડશે અને…’
‘શટઅપ…!’ પહેલવાન એટલો બધો જોરથી બરાડયો કે તેને ઉધરસનું ઠસકું ચડી ગયું.

‘બૂમો નહિ પાડ…’
‘તું ચુપચાપ આગળ વધ, નહિ તો…’ પહેલવાન હવે ક્રોધથી સમગ્ર દેહે ધ્રુજતો હતો.
‘તો તું નહિ જ માને… એમને…!’ નાગપાલનો અવાજ એકાએક ભયાનક
બની ગયો, ‘મને લાગે છે કે મારે હવે તને થોડો પાઠ ભણાવવો જ પડશે. હું તારી સાથે નથી આવતો. ચલાવ ગોળી… હું પણ જોઉ છું કે તું…’ અને વાક્ય પૂરું કર્યા વગર જ નાગપાલ અચાનક કમાનમાંથી સ્પ્રીંગ છટકે, એ રીતે અદ્ધર હવામાં જમીનથી લગભગ ચારેક ફૂટ જેટલો ઊંચો ઊછળ્યો, અને ત્યાર પછીની પળોએ બદમાશો માટે ખૂબ જ ભયંકર બની ગઇ. નાગપાલે એકીસાથે ચાર કામ કર્યા. હવામાં ઊંચા થયેલા બન્ને પગને એણે લંબાવીને સામે ઊભેલા કલ્લું પહેલવાન તથા એક બદમાશની છાતીમાં ભીષણ લાત ઝીંકી દીધી અને ઉપરથી નીચે બેસતી વખતની એ અલ્પ ક્ષણોમાં જ તેણે વીજળીક ગતિએ પોતાની આજુબાજુમાં ઊભા રહેલા બે બદમાશોના એક એક પગ પકડી, તેને આંચકો મારીને પૂરી તાકાતથી ખેંચ્યા. ભયંકર લાતનો પ્રહાર ખાઇ ચૂકેલા કલ્લુ બીજા બદમાશ સહિત સામેની કાળમીંઢ પથ્થરની દીવાલ સાથે પીઠભેર જઇ પડ્યો. એમના હાથમાંથી રિવોલ્વરો દૂર ઊડી પડી હતી. છાતી ઉપરાંત વાંસામાં પણ એ બંનેને ખૂબ ઇજા પહોંચી હતી. કલ્લુનો સાથી તો દીવાલ નીચે જ ક્ષણીક બેહોશ થઇને ઢળી પડ્યો હતો. કલ્લુનું માથું દીવાલ સાથે અફળાવાને કારણે ફૂટી ગયું હતું અને લોહીની ધાર વહેવા લાગી હતી. બીજા બે બદમાશો પગ ખેંચવાના કારણે વાંસાભેર જમીન પર ગબડી પડ્યા હતા, અને નાગપાલના આ અણધાર્યા હુમલાથી બાકી રહી ગયેલા, તથા એકદમ હેબતાઇ ગયેલા બંને બદમાશો પોતાની રિવોલ્વરનો ઉપયોગ કરે એ પહેલાં જ નાગપાલના બંને હાથની ઝાપટ તેમના કાંડા પર જોરથી વીંઝાઇ.

બંનેના હાથમાંથી રિવોલ્વરો દૂર ઊડી પડી. એ જ પળે કલ્લુએ પોતાની રિવોલ્વર જમીન પરથી ઊંચકવા માટે પોતાનો હાથ લંબાવ્યો. પરંતુ ત્યાં સુધીમાં નાગપાલ પોતાની રિવોલ્વર બહાર કાઢી ચૂક્યો હતો. કલ્લુ પહેલવાનનો હાથ રિવોલ્વર પર પડે એ પહેલાં જ નાગપાલની રિવોલ્વરમાંથી એક ગોળી છૂટી, કલ્લુ પહેલવાનની રિવોલ્વરને જમીન પરથી દૂર ઉડાડતી એ ગોળી જમીનમાં જ પ્રવેશી ગઇ. હવે એ છ-એ-છ હથિયાર વગરનાં થઇ ગયાં હતાં, અને એમની સામે નાગપાલ રિવોલ્વર તાકીને ઊભો હતો થોડીવાર માટે ભાન ગુમાવી ચૂકેલો તૈયબ હમણાં જ હોશમાં આવ્યો હતો અને ફાટી આંખે નાગપાલને નર્યા-નીતર્યા ભયથી તાકી રહ્યો હતો…

‘ચાલો, તમે સૌ ઊભા થાઓ,’ નાગપાલના અવાજમાં એટલી બધી ભયાનકતા હતી કે ઘડીભર તો કલ્લુ પહેલવાન પણ ધાક ખાઇ ગયો. હવે એની આંખોમાં ભય તરવરતો હતો. તેઓ સૌ જેમ તેમ કરતાં ઊભા થયા.

‘હું ઇચ્છું તે પળે જ તમને સૌને સ્વધામ પહોચાડી શકું તેમ છું., આટલું પણ મારે ન છૂટકે જ કરવું પડ્યું. ચાલો, આગળ થાઓ.’

ક્રોધ અને રોષથી પરાજય પામેલા એ છ-એ-છ બદમાશો આગળ વધ્યા. નાગપાલ એ જ સ્થિતિમાં તેમને રિવોલ્વર વડે ધકેલતો ધકેલતો બહાર લઇ ગયો. આ ધમાધમીમાં રાત પડી ગઇ હતી, એણે એ તમામને રિવોલ્વરની મદદથી ડરાવી-ધમકાવીને તેઓની જ કારમાં બેસાડયા અને કારને મુંબઇ તરફ લેવાનો હુકમ કર્યો. સાથે જ એણે એટલા બધા કઠોર અવાજે ધમકી ઉચ્ચારી કે જો તેઓ નાસવાનો પ્રયાસ કરશે તો પછી પોતે હવે બિલકુલ દયા નહિ દાખવે. તેઓ સૌ ધ્રુજતા ધ્રુજતા કારમાં ગોઠવાયાં પછી નાગપાલ પણ પોતાની કારમાં ગોઠવાયો. બીજી જ મિનિટે બદમાશોની પાછળ તેની કાર જવા લાગી. એની બાજુની સીટમાં રિવોલ્વર તૈયાર જ પડી હતી, એક ચોક્કસ સમાંતર ગતિએ બંને કાર થોડીવાર પછી મુખ્ય સડક પર પહોંચી ગઇ. મુંબઇ શહેરની હદ શરૂ થઇ કે તુરત જ નાગપાલે રિવોલ્વર હાથમાં લીધી. પછી નિશાન તાકીને બદમાશોની કારનું પાછલું ટાયર બર્સ્ટ કરી નાંખ્યું અને ત્યારબાદ બદમાશોને આપોઆપ જ કાર થોભાવવી પડી. નાગપાલ કાર ઊભી રાખી નીચે ઊતરીને તેઓની કાર પાસે રિવોલ્વર લઇને પહોંચી ગયો. દસ મિનિટ પછી તેઓ નજીકની પોલીસચોકી પર પહોંચી ગયા. ત્યાંના ઇન્ચાર્જને એણે પોતાનું આઇડેન્ટી કાર્ડ બતાવ્યું અને બદમાશોને પોલીસ લોક-અપમાં પુરાવી દીધા…

એ જ્યારે પોતાના ફલેટમાં પહોંચ્યો ત્યારે રાતના સાડા અગિયાર વાગવા આવ્યા હતા.


તે કોઇક ઇમારતના ભૂગર્ભમાં આવેલો સંપૂર્ણ અને આધુનિક સગવડો ધરાવતો સાઉન્ડપ્રુફ અને વૈભવશાળી ખંડ હતો…

એક સોફા પર સામે પડેલા સેન્ટર ટેબલ પર આરામથી પણ પર પગ ચડાવીને બેઠેલો દિલાવરખાન અત્યંત બેફિકરાઇથી સિગારેટ ફૂંકતો હતો.

એની પીઠ સોફાની એક સરસી હતી. સર્પ જેવી લુચ્ચી અને મકક્ાર નજરે એ પોતાની સામે બેઠેલા એક સૂટધારી માનવીના ચહેરા સામે તાકી રહ્યો હતો. એ માનવી સપ્રમાણ બાંધાનો હતો. ચહેરેમહોરે ખૂબસૂરત હતો. એની ઝીણી-પાણીદાર આંખોમાં દુનિયાભરની બદમાશી છવાયેલી હતી. દિલાવરખાનનો કબજો દાદુ તથા રહીમે પોતાની જ ટોળીના એક શખસને નક્કી થયા પ્રમાણે સોંપી દીધો હતો. એ શખસ તેની આંખે પાટા બાંધીને એક કારમાં કોઇ કે અજ્ઞાત સ્થળે લઇ આવ્યો હતો. એ સ્થળ પરથી બે અન્ય માણસોને દિલાવરખાનનો કબજો સંભાળ્યો, અને તેને એ ભેદી ઇમાતના એક ખંડમાં સ્થિત, એક લિફ્ટમાં બેસાડી દીધો હતો. ત્યાર બાદ એમને લઇને લિફ્ટ ઉપર જવાને બદલે ભૂગર્ભમાં નીચે ઊતરી ગઇ હતી. નીચે પણ બે માણસો તૈયાર ઊભા હતા. તેઓએ દિલાવરને બહાર ધકેલ્યો. લિફ્ટ એ બંને માણસોને લઇ પાછી ઉપર ચાલી ગઇ. નીચેના બંને માણસો દિલાવરને લઇને એક ખંડમાં પ્રવેશ્યા હતા. ત્યાંતેની આંખ પરથી પાટો છોડી નાંખવામાં આવ્યો હતો. અચાનક લખલખાટ પ્રકાશના કારણે થોડી પળો સુધી તો તેની આંખો અંજાઇ ગઇ હતી. પછી એ બંને માણસો દિલાવર ખાનને ખૂબ માન સહિત ત્યાં બેસાડીને બહાર નીકળી ગયા હતા. લગભગ પાંચ મિનિટ પછી સામે દેખાતા એક દ્વારમાંથી, એક સૂટધારી અંદર આવ્યો હતો. એણે દિલાવર સાથે હાથ મિલાવ્યા. ત્યારબાદ શા માટે તેને બચાવીને અહીં લાવવામાં આવ્યો છે એ વિશે પણ ખુલાસો કર્યો હતો અને હવે એ જ શખસ તેની સામે, તેના બોલવાની, બલકે તેના જવાબની આતુરતાથી રાહ જોતો હતો.

‘હં….’ છેવટે દિલાવર ખાનના ગળામાંથી સિંહ જેવો ઘુરકાટ નીકળ્યો, ‘તમારી વાત મને કબૂલ-મંજૂર છે. પરંતુ એ માટે મારી પણ એકાદ-બે શરતો છે. પહેલી વાત તો એ કે પોલીસ મારી પાછળ પડી છે અને હું ફાંસીની સજા પામેલો અપરાધી છું એટલે હું તમારા લોકોથી ડરીને આ કામ કરવા તૈયાર થયો છું, એવા ભ્રમમાં તમે લોકો રહેશો નહિ. દિલાવર ખાન કોઇનો મોહતાજ થયો નથી અને થવાનો પણ નથી. મારા પર કોઇ હુકમ ચલાવે કે મારી પરવતા અને નબળાઇનો લાભ ઊઠાવી, ધાકધમકી આપીને કોઇ કામ કરવવા માગે તો એનું છઠ્ઠીનું ધાવણ ઓકાવી નાંખવાની મારામાં તાકાત છે. તમે લોકો કોણ છો, શું કરો છો, તમારો બોસ કોણ છે એ જાણવાની મને જરૂર નથી. તમે કહો તો પણ મારે જાણવું નથી. તમે મને તમારા માણસોની મદદથી બચાવ્યો છે, એ માટે તમારો હું આભારી છું. પરંતુ તેથી મને તમારો ખરીદેલો ગુલામ સમજવાની મૂર્ખાઇ કરશો તો પછી પસ્તાવાનો પણ તમને સમય નહિ રહે.’

‘નહીં… નહીં… દિલાવર ખાન….!’ સામે બેઠેલો માનવી કોમળ અવાજે બોલ્યો. ‘તમારા નબળાઇનો લાભ ઊઠાવવાની અમારી બિલકુલ ઇચ્છા નથી. બલકે અમે સ્વપ્ને પણ એવી કલ્પના નથી કરી અને અમારી સાથે કામ ન કરવું હોય તો પણ આ પળથી જ તમે તમારી જાતને સ્વતંત્ર સમજી શકો છો. તમારે જવું હોય ત્યાં જાઓ. અમારા તરફથી કશીએ રુકાવટ તમને નહિ થાય. પરંતુ એટલું હું નિખાલસતાથી કબૂલ કરું છું કે તમારા જેવા બહાદુર માણસની અમારે ખૂબ જ જરૂર છે. હું કશુંએ તમારાથી છુપાવવા નથી માગતો. તમે માત્ર એકવાર અમારી સાથે ભળવાની હા પાડો, એટલે તુરંત જ હું તમને બધી વિગતો પૂરી પાડીશ.’

દિલાવર ખાને પગની આંડી બદલાવી. પછી એની ધૂર્ત અને મક્કારી ભરેલી આંખોની કીકીઓ સૂટધારીના ચહેરાને તાકી રહી. પછી એકના ગળામાંથી ઘૂરકાટ નીકળ્યો, ‘તમે આગળ ચલાવો…’
‘હું તમને બધી જ વાતો વિસ્તારથી જણાવી ચૂક્યો છું દિલાવર ખાન! હાલની સરકારની જે નીતિ છે એથી ગરીબ અને મધ્યમ વર્ગ ખૂબ જ યાતના અનુભવી રહ્યા છે અને…’
‘એ લોકો જાય જહન્નમમાં…!’ એકાએક દિલાવર ખાન વચ્ચેથી જ તેને અટકાવીને બરાડયો, ‘મારે પ્રજા કે સરકાર સાથે કોઇ જ સ્નાન-સૂતક નથી. તમે મારી પાસેથી શું કમ લેવા માંગો છો, એ જ બકી નાંખો… એટલે તે પૂરું કરીને તમારો જે ઉપકાર મારા પર છે તેનો ભાર ઉતારીને હું મારે રસ્તે પડું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button