આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈના પાણીપુરવઠા માટે વૈકલ્પિક સ્ત્રોત ઊભો કરવામાં પાલિકા નિષ્ફળ?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
શહેરની વધતી વસતીની સાથે પાણીની વધતી માગને પહોંચી વળવા મુંબઈ મહાનગરપાલિકાએ અત્યાર સુધી અનેક યોજનાઓ બનાવી હતી. દાયકાઓથી આયોજન કરી રહી હોવા છતાં પાણીપુરવઠા માટેનો વૈકલ્પિક સ્ત્રોત ઊભો કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે.

જે પ્રોજેક્ટથી પાણીપુરવઠો વધશે એવું આશ્ર્વાસન આપ્યું હતું તે પ્રોજેક્ટ થવામાં પણ હજી બીજા ત્રણથી ચાર વર્ષનો સમય નીકળી જવાની શક્યતા છે. તેથી મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં જેમ પાણીની સપાટી ઘટતી જતી હોય છે એ સાથે જ ચોમાસાના આગમન સુધીમાં પાણીકાપનો સામનો કરવો પડતો હોય છે.

ગયા વર્ષે ચોમાસાનું આગમન મોડેથી થયું હતું અને ચોમાસું પણ વહેલું ખેંચાયું હતું. તેથી શહેરના પાણી પૂરું પાડનારા જળાશયોમાં રહેલા પાણીના જથ્થાને અસર થઈ હતી. હાલ સાતેય જળાશયોમાં પાણીનો સ્ટોક માત્ર ૪૫ ટકા બચ્યો છે, જે છેલ્લા બે વર્ષની સરખામણીમાં એકદમ ઓછો છે. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૫૦.૫૯ ટકા તો ૨૦૨૨ની સાલમાં આ સમયે જળાશયોમાં ૫૩.૩૭ ટકા જેટલો પાણીનો સ્ટોક હતો.

સાત જળાશયો સિવાય પાણીપુરવઠાનો વૈકલ્પિક સ્ત્રોત ન હોવાથી પાલિકાએ રાજ્ય સરકાર પાસે ભાતસા અને અપરવૈતરણામાં પાણીનો રિઝર્વ સ્ટોકનો ઉપયોગ કરવાની મંજૂરી માગી છે. એટલું જ નહીં પણ ઉનાળો આકરા જવાની સ્થિતિમાં આગામી દિવસમાં જળાશયોમાં પાણીની સપાટી હજી ઘટશે.

તેથી પાણીનો કટોકટીનો સામનો કરવા માટે આવતા મહિનાથી જ મુંબઈમાં નાગરિકોને માથે ૧૦ ટકા પાણીકાપ લાદવાનું આયોજન પાલિકા કરી રહી હોવાનું કહેવાય છે.

વરસાદ એ પાણીનો એકમાત્ર સ્ત્રોત છે. આ અગાઉ ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૨૦, ૨૦૨૨ અને ૨૦૨૩માં પણ મુંબઈને ૧૫થી ૩૦ ટકા પાણીકાપ સાથે પાણીની ગંભીર કટોકટીનો સામનો કરવો પડ્યો હતો.

ભવિષ્યમાં પાણીની હજી ગંભીર કટોકટી સર્જાઈ શકે છે, તેને ધ્યાનમાં રાખીને પાલિકાએ તેના અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર લગભગ ૧૬ વર્ષ બાદ મનોરી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ પર કામ ચાલુ કર્યું છે. આ પ્લાન્ટમાં દૈનિક પુરવઠામાં લગભગ ૨૦૦ મિલિયન લિટર પાણીનો વધારો કરવાની ક્ષમતા હશે. જોકે આ પ્રોજેક્ટને પૂરો થવામાં ચારેક વર્ષનો સમય લાગવાનો છે.

મુંબઈની પ્રતિદિન પાણીની માગ ૪,૫૦૦ મિલિયન લિટર છે, તેની સામે પ્રતિદિન ૩,૯૦૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. તેમાંથી લગભગ ૬૦ ટકા પીવાનું પાણી બાગકામ, કપડા, કાર ધોવા અને શૌચાલયોમાં વેડફાય છે. ગંદા પાણી પર પ્રક્રિયા બાદ તેને દરિયામાં છોડવામાં આવે છે. જોકે હવે પાણી પર પ્રક્રિયા કર્યા બાદ તેને વાપરવાની યોજના છે. તે માટે પાલિકાએ સાત સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશનનું કામ કરી રહી છે. એ બાદ શહેરને ૨,૪૦૦ મિલિયન લિટર શુદ્ધ પાણી મળવાનું છે.

પાલિકા આ શુદ્ધ થયેલા પાણીને પીવા સિવાયના અન્ય ઉપયોગ માટે પાણીને ફેકટરીઓને વેચવાની યોજના બનાવી રહી છે. તેનો ઉપયોગ ગોડાઉન, હૉસ્પિટલ, બોટનિકલ ગાર્ડન અને શૌચાલય ધોવા માટે થઈ શકે છે. આ રીતે પીવાના પાણીની બચત થશે. જોકે આ પ્રોેજેક્ટ પૂરો થવામાં હજી થોડા વર્ષો લાગવાના છે.

ગાર્ગઈ બંધ એ લાંબા ગાળાનો પ્રોેજેક્ટ છે, જે વર્ષોથી અટવાયેલો છે. આ પ્રોજેક્ટને રાજ્યના વન વિભાગની પરવાનગીની જરૂર છે અને પછી સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓફ એનવાયમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાઈમેટ ચેન્જની પણ મંજૂરી લેવાની છે. દમણગંગા અને પિંજળ જેવા અન્ય પ્રોજેક્ટ પર હજી ચર્ચા જ ચાલી રહી છે, જેમાં ગાર્ગઈ ડેમ બાંધ્યા બાદ ૪૪૦ મિલિયન લિટર પ્રતિદિન, પિંજળ બંધમાંથી ૮૬૫ મિલિયન લિટર પ્રતિદિન અને દમણગંગા-પિંજળ રિવર લિંકમાંથી ૧,૫૮૬ મિલિયન લિટર પાણી મળવાનું છે. મુંબઈ માટે છેલ્લે ૨૦૧૪માં મિડલ વૈતરણા બંધ બાંધવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button