બોલો, આ હોટેલમાં અપમાનિત થવા આવે છે કસ્ટમર્સ, પ્લેટ્સ ફેંકીને ફૂડ સર્વ કરે છે સ્ટાફ…
આપણામાંથી મોટાભાગના લોકો હોટેલ કે રેસ્ટોરાંમાં ખાવા જઈએ છીએ ત્યારે ત્યાં આપવામાં આવતી સર્વિસ અને સુવિધાઓને ધ્યાનમાં લઈએ છીએ અને એ સાથે સાથે જ આપણે એ પણ જોઈએ છીએ કે ત્યાંના સ્ટાફનું કસ્ટમર્સ સાથે વર્તન કેવું હોય છે અને કેવું જમવાનું આપવામાં આવે છે? પરંતુ જો તમને કોઈ કહે કે દુનિયામાં એક હોટેલ એવી પણ છે કે જ્યાંના સ્ટાફ દ્વારા કસ્ટમર્સનું અપમાન કરવામાં આવે છે, તેમની સાથે ખરાબ વર્તણૂંક કરવામાં આવે છે અને તેમ છતાં આ હોટેલમાં લોકોની ભીડ જોવા મળે છે તો તમારા માન્યામાં આ વાત આવે ખરી? નહીં ને? પણ બોસ, આ હકીકત છે.
એક રિપોર્ટ અનુસાર આ હોટેલમાં ગ્રાહકો પાસેથી પૈસા લીધા બાદ પણ તેમની સાથે ગેરવર્તણૂંક કરવામાં આવે છે અને મજાની વાત તો એ છે કે ગ્રાહકો પણ ચૂપચાપ આ અપમાનને સહન કરી લે છે. અહીં હોટેલના સ્ટાફને કંઈ પણ કહેવાનો અર્થ છે વધુ એક અપમાન. જો તમે વિચારી રહ્યા છો કે આ બધું તેઓ પોતાની મરજીથી કરે છે તો એવું બિલકુલ નથી. અહીંનો સ્ટાફ લોકોને પોતાની મરજીથી અપમાનિત નથી કરતો, પણ આવું કરવા માટે તેમને પૈસા પણ આપવામાં આવે છે.
આ અનોખી હોટેલ લંડનના બર્નેટમાં આવેલી છે અને એનું નામ છે કેરેન્સ હોટેલ. અહીં એક રાત રોકાવવાનું ભાડું આશરે 20,000 રૂપિયા છે. પહેલાં આ હોટેલ એક રેસ્ટોરાં હતી અને ત્યાર બાદમાં તેને હોટેલમાં કન્વર્ટ કરવામાં આવી છે. અહીં આવનારા ગ્રાહકોને ખાવાની સાથે સાથે જ અપમાનિત પણ કરવામાં આવે છે. અરે ત્યાં સુધી કે જો કસ્ટમર હોટેલના સ્ટાફ પાસેથી પાણી માંગે છે તો સ્ટાફ તેમને જ સિંકમાંથી પાણી લેવાનું કહેવામાં આવે છે.
ઘણી વખત તો કસ્ટમર્સને પ્લેટ્સ પણ ફેંકીને આપવામાં આવે છે તો ઘણી વખત ખાવાનું પણ ઝૂંટવી લેવામાં આવે છે. એટલું જ નહીં પણ અહીં રોકાવવા આવનારા લોકોને ટુવાલ, ટોઈલેટ રોલ જેવી મૂળભૂત સુવિધાઓ પણ પૂરી નથી પાડવામાં આવતી. સૌથી મજાની વાત તો એ છે કે હોટેલવાળા ખુદ જ પોતાની હોટેલની સૌથી ખરાબ હોટેલ તરીકે જાહેરાત કરે છે, અને તેમ છતાં અહીં આવનારાઓની ભીડ ઓછી નથી.