મહેસાણામાં વડા પ્રધાનના હસ્તે 13,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની ભેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉ.ગુજરાતના વિવિધ વિભાગોનું રૂ.13,000 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તરભ વાળીનાથ ધામથી કર્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડા પ્રધાને રૂ.2,042 કરોડના ખર્ચે ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક પ્રોજેકટનું લોકાર્પણ કર્યુ હતું જેનો 8,030 ગ્રામ પંચાયતોને ઈન્ટરનેટનો લાભ મળશે. રૂ. 2,300 કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના પાંચ પ્રોજેકટ અને રૂ.393 કરોડના ખર્ચે ડીસાના એરફોર્સ સ્ટેશન રનવેનું લોકાર્પણ વડા પ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂ.1,7 00 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત વડા પ્રધાન ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ.2,042 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેકટ અંતર્ગત, 22 જિલ્લાઓમાં ફેલાયેલા 35,264 કિલો મીટર ફાઈબર નેટવર્ક સાથે 8,030 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે. 100 એમબીપીએસ સુધી હાઈસ્પીડ
ઈન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે. જે ગ્રામ પંચાયત દીઠ 1 જીબીપીએસ સુધી વધારી શકાય છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના મુખ્ય એકેડેમિક બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ હ્યુમન અને બાયોલોજિકલ સાયન્સ ગેલેરી અને ગિફટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજિકલ રિસર્ચ સેન્ટરના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
મહેસાણા ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી .2,300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના પાંચ પ્રોજેકટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેકટમાં રાધનપુર-સામખિયાળી (134.30 કિમી) સેકશન, મહેસાણા-જગુદણ (10.84 કિમી) સેકશન, મહેસાણા-જગુદણ (10.89 કિમી) ન્યુ બ્રોડગેજ લાઈન, મહેસાણા-ભાન્ડુ-મોટીદાઉ (8.89 કિમી) સેકશન વગેરે પ્રોજેકટનો સમાવેશ થાય છે. આ પ્રોજેકટસના લોકાર્પણથી ગુજરાતના મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદના લોકોને લાભ થશે. જયારે રાજય માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઈવે અને કેપિટલ પ્રોજેકટ ગાંધીનગરનાં વિકાસકાર્યો, માર્ગ મકાન વિભાગના રૂ.1,700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ, 36 કરોડના ખર્ચે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ સમરસ ગ્રામ પંચાયતનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.