બોલો, પરીક્ષામાં બહેનને મદદ કરવા ભાઈ બન્યો ‘પોલીસ’ ને પછી કાંઈક એવું બન્યું કે…
મુંબઈ: અકોલા જિલ્લામાં એક ભાઈએ બહેનને પરીક્ષામાં મદદ કરવા માટે બનાવટી પોલીસ બન્યો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. પરીક્ષા સેન્ટર પર જ્યારે એક વરિષ્ઠ અધિકારીને નકલી પોલીસે સેલ્યુટ કરી ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
મહારાષ્ટ્રમાં બારમા ધોરણની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. આ પરીક્ષા કેન્દ્ર પર પોલીસકર્મીઓને પણ તહેનાત કરવામાં આવે છે. એક અધિકારીએ માહિતી આપી હતી કે અકોલાના પાતુર શહેરમાં એક ઉર્દૂ હાઇસ્કૂલમાં એક એક્ઝામ સેન્ટરમાં પોતાની બહેનને નકલ કરાવવા માટે અનુપમ ખંડારે પોલીસનો યુનિફોર્મ પહેરીને પહોંચ્યો હતો.
બહેનને મદદ કરવા માટે એક્ઝામ સેન્ટરની આસપાસ પોલીસનો યુનિફોર્મ પહેરીને ફરી રહ્યો હતો. આ દરમિયાન એક્ઝામ સેન્ટર પર એક વરિષ્ઠ પોલીસ અધિકારી તેમની ટીમ સાથે પહોંચતા ભાઈએ તેમને ખોટી રીતે સેલ્યૂટ કરી હતી, પણ ખોટી રીતે સલામ કરતા તેની ખોટી રીત પકડાઈ ગઈ હતી.
ત્યારબાદ તેની વધુ પૂછપરછ કરતા તેણે તેની અનુપમ ખંડારે (24) તરીકે ઓળખ આપી હતી. આરોપીએ જે યુનિફોર્મ પહેર્યું હતું તેના પર નેમપ્લેટ પણ ખોટી રીતે લગાવવામાં આવી હતી. આ બનાવટી પોલીસની તપાસ કરવામાં આવતા તેની પાસેથી એક અંગ્રેજીની ચિટ પણ મળી હતી. આ આરોપીને પોલીસે તાબામાં લઈને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાની માહિતી અધિકારીએ આપી હતી.