બોલો, કોંગ્રેસને બાય-બાય કહેનારા દિગ્ગજ નેતાના દીકરા સામે મોટી કાર્યવાહી
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે આગેવાની લઈને સત્તાધારી પાર્ટીને હરાવવા માટે I.N.D.I.A Allianceનું ગઠન કર્યા પછી ખૂદ કોંગ્રેસના ગઢમાં ગાબડા પડ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં ત્રણ દિગ્ગજ નેતાએ એક્ઝિટ લીધા પછી કોંગ્રેસ આત્મમંથન કરવાને બદલે વધુ આક્રમક વલણ દાખવી રહ્યું છે, જેમાં હવે પૂર્વ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાબા સિદ્દિકીએ કોંગ્રેસને અલવિદા કર્યા પછી તેમના દીકરા સામે કોંગ્રેસ આક્રમક પગલાં ભર્યાં છે.
આ અગાઉ મહારાષ્ટ્ર કૉંગ્રેસમાંથી મિલિંદ દેવરા, અશોક ચવ્હાણ અને બાબા સિદ્દિકી એમ એક પછી એક દિગ્ગજ નેતાએ એક્ઝિટ લીધી છે, ત્યારે તેનાથી ગુસ્સામાં આવેલી કૉંગ્રેસે હવે પક્ષ છોડનારા નેતાઓના પરિવાર સામે સામે કાર્યવાહી શરૂ કરી હોય તેવું લાગે છે. કારણ કે કૉંગ્રેસે બાબા સિદ્દીકીના પુત્ર ઝિશાન સિદ્દિકીની મુંબઈ યુથ કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે હકાલપટ્ટી કરવામાં આવી છે.
ઝિશાનને મુંબઈ યુથ કૉંગ્રેસના અધ્યક્ષપદેથી હટાવ્યા બાદ અખિલેશ યાદવને મુંબઈ યુથ કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દિકીએ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને ત્યાર બાદ તે અજિત પવાર જૂથની એનસીપીમાં જોડાયા હતા.
તેઓ અજિત પવાર જૂથમાં જોડાયા ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તેમ જ પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકરે જેવા નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દિકી મુંબઈ કૉંગ્રેસનો મુસ્લિમ ચહેરો માનવામાં આવતો હતો અને તેમની વિદાયથી કૉંગ્રેસના મુસ્લિમ મતો કપાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.