સમૃદ્ધિ એક્સપ્રેસ-વે મુદ્દે આવ્યા મોટા સમાચાર, પ્રશાસને આ કામના કર્યા શ્રીગણેશ
મુંબઈ: મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકારના પતન પછી શિંદે-ફડણવીસની આગેવાની હેઠળની નવી સરકારના ગઠન પછી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ કામકાજમાં ગતિ આવી છે, જેમાં સમૃદ્ધિ એક્સપ્રેસ-વેના કામકાજમાં ગતિ આવી છે. સમૃદ્ધિ એક્સપ્રેસ-વેના કારણે રસ્તાઓની કનેક્ટિવિટીમાં જોરદાર વધારો થયો છે અને હવે મહારાષ્ટ્રના વધુ જિલ્લાઓને રસ્તા-માર્ગે જોડવાના લક્ષ્યાંકની કામગીરી એમએસઆરડીસીએ શરૂ કરી છે.
એમએસઆરડીસી(મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા સમૃદ્ધિ એક્સપ્રેસ-વેના વિસ્તારીકરણનું કાણ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે પૂર્વીય પટ્ટામાં આવેલા અંતરિયાળ જિલ્લાઓ સુધી સરળતાથી પહોંચી શકાશે.
સમૃદ્ધિ એક્સપ્રેસ-વેના વિસ્તારીકરણનો આ ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. નાગપુર-મુંબઈને જોડતા આ એક્સપ્રેસ-વેના કારણે ભંડારા, ગોંદિયા અને ગઢચિરોલી જેવા જિલ્લાઓ સુધી પહોંચવાનું વધુ સરળ બનશે. મહારાષ્ટ્રના અત્યંત અંતરિયાળ જિલ્લાઓને શહેરો સાથે જોડીને તેમનો આર્થિક વિકાસ ઝડપી બનાવવાના ઉદ્દેશથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
આ માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને નાગપુરથી ગોંદિયા સુધીના 127 કિલોમીટરના એક્સપ્રેસ-વે માટે 7,345 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેની માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
ત્યાર બાદ ભંડારાથી ગોંદિયા સુધીનો વધારાનો 28 કિલોમીટરનો પટ્ટો તૈયાર કરવામાં આવશે, જેનો ખર્ચ 1,587 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. છેલ્લે આ તબક્કાના ત્રીજા ચરણમાં નાગપુરથી ચંદ્રપુર સુધીનો 194 કિલોમીટરનો એક્સપ્રેસ-વે તૈયાર કરાશે. 9543.2 કરોડ રૂપિયાના ખર્ચે આ પટ્ટો તૈયાર કરવામાં આવશે.