ઘરની મહિલા સભ્યના કોહવાયેલા મૃતદેહ સાથે પરિવાર 10 દિવસ સાકીનાકાની હોટેલમાં રહ્યો
મુંબઈ: ચાર લોકોએ પરિવારની મહિલા સભ્યના કોહવાયેલા મૃતદેહ સાથે 10 દિવસ સાકીનાકાની હોટેલમાં વિતાવ્યા હતા, જ્યાં તેઓ 41 દિવસ અગાઉ આવ્યા હતા. મૃત મહિલાના યુકેથી પાછા આવેલા પુત્રએ શનિવારે રાતે પોલીસને આની જાણ કર્યા બાદ મૃતદેહ તાબામાં લેવાયો હતો અને પરિવારના સભ્યોની પૂછપરછ કરાઇ હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અબ્દુલ કરીમ સુલેમાન હાલાઇ (82), તેની પુત્રી નસીમા યુસુફ હાલાઇ (48), નસીમાની 26 વર્ષની પુત્રી અને અબ્દુલ કરીમના પુત્ર અને પૌત્રએ 21 ડિસેમ્બરે સાકીનાકાની હોટેલમાં ચેકઇન કર્યું હતું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે 8 ફેબ્રુઆરીએ મૃત્યુ પામ્યા અગાઉ નસીમાને ઊલટી અને ઝાડા થયા હતા. ત્યાર બાદ તેના ભાણેજે નસીમાના યુકેમાં રહેતા પુત્ર યાસીનને ઇમેઇલ મોકલીને જાણકારી આપી હતી. સાકીનાકા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે યાસીન શનિવારે યુકેથી પાછો ફર્યો હતો અને અમને આની જાણ કરી હતી. અમારી ટીમે હોટેલની રૂમની મુલાકાત લીધી હતી, જ્યાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જે કોહવાયેલો હતો. અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ આમાં શંકાસ્પદ જેવું કંઇ નથી. અમે મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે શક્ય એ તમામ પાસાંઓ અને પરિવારના સભ્યો કોહવાયેલા મૃતદેહ સાથે 10 દિવસ કેવી રીતે રહ્યા તેની તપાસ કરી રહ્યા છીએ.
અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમે ચારેયનાં નિવેદન નોંધ્યાં છે. માતા-પુત્રી આગાઉ જોગેશ્વરીમાં રહેતી હતી, પરંતુ નસીમાનો પતિ સાથે ઝઘડો થયા બાદ પરિવારના પાંચ સભ્ય શહેરમાં અલગ અલગ હોટેલમાં રહેવા લાગ્યા હતા. નસીમા ટ્યુશન લઇ ગુજરાન ચલાવતી હતી. તેની પુત્રી પણ તેને મદદ કરતી હતી. યાસીન યુકેમાં અભ્યાસ કરે છે અને માતાને મદદરૂપ થવા કામ પણ કરે છે. પોલીસે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમના અહેવાલમાં કશું જાણવા મળ્યું નથી. આથી વિસેરા સેમ્પલ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલાયા છે, એમ અધિકારીએ કહ્યું હતું. ઉ