બીમારીનો અક્સીર ઈલાજ.: બિચ્છુ ઘાસ કે કંડાલીનું શાક
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
બાળકોને શાળામાં છુટ્ટી પડે તેની સાથે અનેક પરિવાર ઉત્તરાખંડના પહાડોમાં ફરવા માટે નીકળી પડે.
ઉત્તરાખંડ દેવભૂમિ’ તરીકે ઓળખાય છે. પ્રાકૃત્તિક સૌંદર્યવાળા રાજ્યોમાં ઉત્તરાખંડ અવ્વલ નંબરે આવે છે. તેનું મુખ્ય કારણ પહાડોની સુંદરતાની સાથે કલા, સાંસ્કૃતિક વારસો, વિવિધ વ્યંજનો ગણાવી શકાય. વળી ધાર્મિક આસ્થાને મજબૂત બનાવે તેવાં વિવિધ સ્થળોની સુંદરતા…. મા ગંગાના સાનિધ્યમાં રહેવાની તેમજ તેમાં ડૂબકી લગાવીને તન-મનને પવિત્ર કરવાનો આગવો અવસર. ઉત્તરાખંડના તાજા ફળ-શાકની સાથે સ્વાદિષ્ટ વ્યંજનોને કેમ વિસરી શકાય!
કોઈપણ બીમારીનો સચોટ ઈલાજ મેળવી શકાય તેવી વિવિધ જડીબુટ્ટીની વિશેષતા ઉત્તરાખંડના વિશાળ પટ પર ફેલાયેલી છે. માત્ર જર હોય છે, જડીબુટ્ટીના યોગ્ય જાણકારની…
નાના છોડને હાથ લગાવો તેની સાથે વિંછી જેવો ડંખ મારતાં જગંલી છોડ પોતાની આગવી ઓળખ તેમજ સ્વાદ માટે પ્રસિદ્ધ બનતો જાય છે. લીલા રંગના ઘાસ જેવાં પાન ધરાવતાં એ છોડને જરા સરખો હાથ લાગી જાય તો ડંસ લાગે તેવો કરંટ શરીરમાંથી પસાર થાય છે. આના કારણે તેને બિચ્છુ ઘાસ’ એટલે કે વિંછી જેવું ઘાસ કહેવામાં આવે છે. બહારના લોકો માટે તે એક જંગલી ઘાસ છે. સ્થાનિક લોકો માટે બિચ્છુ ઘાસ એક જડીબુટ્ટી સમાન છે.
ઉત્તરાખંડમાં મળતી વિવિધ વાનગીનો સ્વાદ જો આપ માણો તો આંગળીઓ ચાટતા કરી દે તેવો હોય છે. ઉત્તરાખંડની પ્રસિદ્ધ વાનગીઓ જોઈએ તો દાળ-ભાતની સાથે ખાસ પીરસાતા કાફલી, ફાણુ-કઢી, ચૈંસુ, રૈલુ, વાડી પલ્યો, મંડુઆ(રાગી) મુંગરી મકાઈની રોટી, ગહતની ભરવાં રોટી, ગુલગુલા, ઝંગોરેની ખીર, સ્વાલા, તિલકી ચટણી, ઉડદની પકોડી, આલુકા થિંચોંણી,આલુનો ઝોલ, ભાંગ કી ચટણી, ડુબુક, ગહત(કુલથ) કા ગથ્વાણિ, તેમજ શાકમાં કંડાલી કે બિચ્છુની ભાજીનું શાક મોખરે આવે છે.
ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં તેને કંડાલીના નામથી, કુમાઉ ક્ષેત્રમાં સિસૂંણના નામથી ઓળખાય છે. તેનો છોડ અર્ટિકાક્ઈ વનસ્પતિના કુટુંબનો ગણાય છે. વાનસ્પતિક નામ અર્ટિકા પર્વીફ્લોરા છે. ભારત સિવાય બિચ્છુ ઘાસ ચીન, યૂરોપ તેમજ બીજા અનેક દેશોમાં મળી જાય છે.
હાલમાં એવી માહિતી આવી છે કે ગ્લોબલ વાર્મિંગને તેમજ મોસમમાં થતાં સતત બદલાવને કારણે બિચ્છુ ઘાસનું અસ્તિત્ત્વ જોખમમાં આવી ગયું છે. બિચ્છુ ઘાસમાં નામ પ્રમાણે જ ગુણ સમાયેલાં જોવા મળે છે. જેમ વિંછીનાં ડંસથી માનવીને શરીરમાં અસહ્ય વેદના થાય છે તેમ બિચ્છુ ઘાસના સેવનથી શરીરમાં ઘર કરી ગયેલાં રોગની વેદનાથી રાહત મેળવી શકાય છે.
કડકડતી ઠંડીથી ગરમાટા જેવું રક્ષણ મેળવવું હોય એમણે બિચ્છુ ઘાસનું સેવન એક સરળ ઉપાય છે. કંડાલી તરીકે ઓળખાતા બિચ્છુ ઘાસના પાનમાં અત્યંત નાના પાતળાં કાંટા લાગેલાં હોય છે. તેથી જ તે પાનનું શાક બનાવતાં પહેલાં તેને લોખંડની કડાઈમાં થોડાં પાણીમાં બાફી લેવા જરી છે, જેને કારણે પાનમાં લાગેલાં કાંટા અલગ થઈ જાય છે. આથી શાકનો સ્વાદ માણતી વખતે કાંટા જીભ ઉપર ડંસતા નથી.
બિચ્છુ ઘાસના પાનમાં ભરપૂર માત્રામાં આયર્ન સમાયેલું છે. તેનો ઉપયોગ આહારમાં કરવાથી શરીરમાં લોહીની ઊણપ દેખાતી નથી. વળી તેમાં ફોરમિક એસિડ, એસિટલ કોલઈટ, વિટામિન એ સારી માત્રામાં સમાયેલું છે. તેનો આહારમાં ઉપયોગ કરવાથી કમળો, મેલેરિયા, પેટના વિવિધ દર્દ, તેમજ પેટની ગરમીને દૂર કરવાની જબરજસ્ત ક્ષમતા ધરાવે છે. મચક આવી હોય ત્યારે તેના પાનનો લેપ રામબાણ ઈલાજ
ગણાય છે.
શરદી-ખાંસી વગેરેમાં રાહત મળે છે. બેડોળ શરીરને સુકોમળ બનાવવામાં મદદ કરે છે. સાંધાના દુખાવાથી રાહત
બક્ષે છે. ખસ-ખરજવાથી પણ આનાથી રાહત પહોંચે છે. ખીલ-કાળા ડાઘ કે ચહેરા ઉપર દેખાતી ફોડલી, તાવમાં એ ઉપકારક છે.