હવે એક નવો પક્ષ જોડાશે એનડીએમાં? Mumbaiમાં આ બે નેતાની બેઠક બાદ અટકળો
મુંબઈ: 2024ની લોકસભા ચૂંટણીને લઈને રાજકારણમાં હલચલ વધી ગઈ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)વાળી મહાયુતિ સરકારમાં જોડાશે એવી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાઓ વચ્ચે ભાજપના નેતા આશિષ શેલારે મનસે અધ્યક્ષ રાજ ઠાકરેના શિવતીર્થ નિવાસસ્થાને પહોંચી તેમની ભેટ લીધી હતી. બંને નાતેઓ વચ્ચે અંદાજે ત્રણ કલાક સુધી ચર્ચા થતાં શું મનસે પણ હવે ભાજપ-શિવસેના શિંદે જુથ-એનસીપી અજિત પાવર જુથવાળી મહાયુતિ સરકાર સાથે હાથ મેળવશે એવી ચર્ચાને વેગ મળ્યો છે.
મનસેના અનેક મોટા નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે મિટિંગ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી અને આ સાથે મનસેના બાળા નાંદગાવકર, સંદીપ દેશપાંડેએ પણ ભાજપના નેતાઓની ભેટ લીધી હતી. તાજેતરમાં રાજ ઠાકરેને ભાજપના દિલ્હી હેડ-ક્વોટરમાં પણ બેઠક માટે બોલવવામાં આવ્યા હોવાની ચર્ચા છે.
આ સાથે દેવેન્દ્ર ફડણવીસે પણ મનસે પણ મહાયુતિમાં સામેલ થશે તેનો જવાબ જલ્દી મળશે એવું નિવેદન આપ્યું હતું. પહેલાથી જ મહાયુતિ સરકારમાં ભાજપ, શિંદે જુથ અને અજિત પવાર જુથ છે અને થોડા દિવસ પહેલા કૉંગ્રેસના અશોક ચવ્હાણ જેવા મોટા નેતા પણ ભાજપમાં સામેલ થતાં મહાયુતિનું બળ વધી ગયું છે અને હવે જો મનસે પણ સામેલ થતાં લોકસભાની સીટ બાબતે કઈ રીતે વેચણી થશે એ બાબતે જોવાનું રહેશે.
મહાયુતિમાં સામેલ થવા બાબતે મનસેના નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે રાજ ઠાકરે અને આશિષ શેલાર એક બીજાને મળતા હોય છે. બંને સારા મિત્રો છે એટલે તેમની આ બેઠકનો બીજો અર્થ કાઢવાની જરૂર નથી. આ બેઠક ચૂંટણી માટે નહોતી એવું પણ તેમણે કહ્યું હતું. ભાજપ, શિંદે જુથ અને મનસે વૈચારિક રીતે સમાન છે, એટલે શું કરવું તેનો નિર્ણય રાજ ઠાકરે લેશે એવું દેશપાંડેએ નિવેદન આપ્યું હતું.
ભાજપના નેતા પ્રવીણ દરેકરે કહ્યું હતું કે ભાજપ સારા પક્ષના સારા લોકોને સમાજનું વિકાસ કરે છે, તે સારી બાબત છે, પણ મનસે અને ભાજપની યુતિ બાબતે રાજ ઠાકરે અંતિમ નિર્ણય લેશે. ભાજપના રાજ્ય અને કેન્દ્ર ઓફિસ દ્વારા કોઈપણ પક્ષના સારા નેતાને સામેલ કરવાનો નિર્ણય મહાયુતિ માટે સારો રહેશે અને આજની બેઠક પણ સફળ થઈ છે એવો ઈશારો દરેકરે આપ્યો હતો.