મેટિની

‘ડિલીટ’ જેટલું ઝડપથી થાય છે એટલું ‘ડાઉનલોડ’ નથી થતું… સમય સર્જનમાં લાગે-વિસર્જનમાં નહીં ..! .

અરવિંદ વેકરિયા

‘વાત મધરાત પછીની’
આ ટાઈટલ કિશોર દવે બોલ્યા ને તરત જ બધા હાજર રહેલા કલાકારોએ સહર્ષ વધાવી લીધું. ઘણા શીર્ષકો બોલાયા હતા, પણ એ બધા જ કહો કે ન ગમ્યા. પણ જેવું ‘વાત મધરાત પછીની’ સાંભળ્યું કે એ હકારાત્મકતા સાથે બધાના મનમાં ‘ડાઉનલોડ’ થઈ ગયું.

ખરેખર! ‘ડિલીટ’ જેટલું ઝડપથી થાય છે એટલું ‘ડાઉનલોડ’ નથી થતું…! સમય સર્જનમાં લાગે છે, વિસર્જનમાં નહીં. ‘ટાઈટલ વાત મધરાત પછીની’ ઉપર ફાઈનલનો સિક્કો લાગી ગયો.
પછી તો બધાના ગમતા-ન-ગમતા સ્વભાવ સાથે મેં રિહર્સલ આરંભી દીધા. મને તો લાગ્યું કે ટાઈટલ મળ્યું એટલે જાણે ગોળનું ગાડું મળી ગયું હોય એમ બધા કલાકારો બમણા જોરથી રિહર્સલ કરવા માંડ્યા.
એ દિવસે પહેલો સીન મેં સેટ કરી લીધો. જયંત ગાંધીના ચુટકુલા પણ બધાએ યાદ રાખી લીધા-આમ તો યાદ રહી જાય એવા જ હતા.

વધુ પડતા ગલગલિયાં કરાવતા ડાઈલોગ્ઝ તો કોલગર્લનાં અને મારા સીનમાં હતા. રાજેન્દ્રએ શોધીને જયંત ગાંધીની ‘છાનગપતિયા’ બુકમાંથી ગોઠવ્યા હતા. એ બીજો સીન હતો. પહેલો મેં સેટ કરી લીધો. હવે સાવ નવી કલાકાર રજની સાલિયન સાથેનો મારો સીન સેટ કરવાની શરૂઆત કરવાની હતી. બધાને બીજા દિવસનો સમય આપી છૂટા કર્યા. તે દિવસે તો ધનવંત શાહ અને ભરત જોશી પણ ટાઈટલથી ખુશ થતા વહેલા છૂટા પડ્યા.

મેં ઘરે આવી પહેલું કામ તુષાર શાહ અને ચંદ્રવદન ભટ્ટને ફોન કરવાનું કર્યું. તુષાર શાહને ટાઈટલ તો ગમ્યું, છતાં એક વાક્ય બોલ્યા, ‘તમને ગમ્યું એ મને ગમ્યું, પણ નાટકનું રિવાઈવલ શરૂ કર્યું એ મને બહુ ગમ્યું.’ એમના પછી ચંદ્રવદન ભટ્ટને ફોન કર્યો.

એ પણ ખુશ થયા. એક વાત એમણે મને કહી એ હું આજ સુધી પચાવી નથી શક્યો. મને એમણે આ નાટકમાં એક સીન ડિરેક્ટ કરવાની ઈચ્છા બતાવી. મને એક ઘડી થયું કે મારા પર ભરોસો નહીં હોય કે શું? આ મારી બીજી નબળાઈ છે. હું કામ શરૂ તો કરું પણ સિદ્ધાંત એક જ, કે કામમાં ઈશ્ર્વરનો સાથ માગો, પરંતુ કામ ઈશ્ર્વર કરી આપે એવું ન માગો. અહીં તો રંગભૂમિના ભીષ્મપિતામહ ગણાતા ભટ્ટ સાહેબે એકાદ સીન ડિરેક્ટ કરવાની ઈચ્છા દર્શાવી. મેં બિન્દાસ કહી દીધું કે મારી તો ઈચ્છા છે કે તમે જ આખું નાટક ડિરેક્ટ કરો તો મને કહે, ‘ના દીકરા, આ તારું સર્જન જ કહેવાય. આ તો થયું એકાદ સીનમાં મારો હાથ અને મગજ જરા સાફ કરી લઉં.’ અને પછી ખડખડાટ હસ્યા. પછી બીજા દિવસના રિહર્સલનો સમય પૂછ્યો અને સાથે પોતે ૫.૩૦ વાગે ફાર્બસ હોલ પર આવી જશે એમ પણ કહ્યું. મારે ત્રીજો ફોન ધનવંતભાઈને કરવો પડ્યો. એમને બદલાયેલા સમય વિષે જાણ કરી દીધી.

બીજે દિવસે હું અને ધનવંત શાહ પાંચ વાગે તો ફાર્બસ હોલ પહોંચી ગયા. ભટ્ટ સાહેબ ૫.૧૫ સુધીમાં તો આવી પણ ગયા.

એમના સ્વભાવ પ્રમાણે એમણે કહ્યું, કલાકારોને બરાબર અને સારો નાસ્તો તો કરાવો છો ને? હું અને ધનવંતભાઈ બંને હસવા લાગ્યા તો કહે, ‘આ હસવાની વાત નથી. ખાશે કલાકાર તો ગાશે કલાકાર, મતલબ કે જોરથી રિહર્સલ કરશે…’ મેં કહ્યું કે અત્યાર સુધી તો રિહર્સલ ત્રણ કલાકથી વધ્યા નથી એટલે… પણ આજે મગાવીશું, હમણાં તો ચા ને ન્યાય આપીએ! કલાકારો લગભગ સાડા છ સુધીમાં ભેગા થશે… કહી મેં ધનવંત ભાઈને ચા માટે કહ્યું. થોડી પળ નિ:શબ્દ રહી. પછી મારા ખભે હાથ મુકીને ભટ્ટ સાહેબ કહે,’ જો મને વડીલ-વડીલ કહી મારી ઉંમર ન વધાર. એક જ કાર્ય કરતાં દરેક કલાકારો મિત્ર જ કહેવાય, ઉંમરની ગણતરી એમાં ન આવે. તમે રિસ્પેક્ટ-આ માન મારા અનુભવોને આપો છો, ઉંમરને નહીં, છતાં તને સ્વમાન ઘવાતું લાગતું હોય તો એક સીન ડિરેક્ટ કરવાની જે મેં મનસા તને કહીં એ નહિ કરું, બસ!’ હું છોભીલો પડી ગયો. શું બોલવું..એ થોડી પળ સુજ્યું જ નહીં. પણ પછી મેં કહ્યું કે ‘ભટ્ટ સાહેબ મને શરમાવો નહિ. હું તમને મિત્ર જ માનીશ, એક સીન ડિરેક્ટ કરવાની તમારી ઇચ્છા સામે મેં તો આખું નાટક તમને
ધરી દીધું છે !’ તો એ મને કહે, ‘ના દાદુ! મારે તો મેં તને કહ્યું એમ, એક પોતાના ગણીને અને પાછું મારું બેનર ‘રંગફોરમ’ છે એ માટે મારી ઇચ્છા વ્યક્ત કરી અને પોતાની ઇચ્છા માણસ પોતાના મિત્ર સામે જ કરે ને?’

મિત્ર, એમની આ વાત પરથી મને સમજાઈ મિત્રની સુંદર વ્યાખ્યા..‘તમે જયારે ‘તમારા’થી ખોવાઈ જાઓ ત્યારે ‘તમને’ શોધવામાં ‘તમારી’ જે મદદ કરે એ મિત્ર’…!
મને થયું આમ પણ ગલીપચી થાય અને થોડા બોલ્ડ ગણી શકાય એવી વાત(હવે) ધરાવતું નાટક આ પહેલા મેં ક્યારેય નહોતું કર્યું. હવે જયારે વધુ ગલીપચીવાળો કોલગર્લ સાથેનો સીન જો ભટ્ટ સાહેબ મિત્ર ભાવે કરી આપે તો મારે માટે તો આ રૂડો અવસર બની રહે!

મેં એ સીન ભટ્ટ સાહેબને આપ્યો અને કહ્યું કે ‘ભટ્ટ સાહેબ, આ સીન તમે ડિરેક્ટ કરી આપો. મારે માટે આ જરા…’ કહી મેં વાક્ય અધૂરું છોડી દીધું. એમણે સીન હાથમાં લેતા કહ્યું કે ‘મિત્રને જ્યાં જરૂર પડે ત્યાં આ અનુભવી મિત્રની મદદ લેવાની છૂટ છે’
વ્યક્તિ જેટલી નમ્ર બનીને જો દુનિયામાં રહે તો અહીં જ સ્વર્ગનું નિર્માણ થઇ જાય, આવી અનુભૂતિ મને ભટ્ટ સાહેબની વાત સાંભળીને થઈ.

ધીમે ધીમે કલાકારો આવવા લાગ્યા. બધા આવી ગયા પછી, મેં જે ગઈ કાલે કરાવેલું એ ભજવવા કહી ભટ્ટ સાહેબને બતાવી દીધું. સંવાદોમાં થતી ભૂલો ભરત જોશી સ્ક્રીપ્ટ હાથમાં લઇ સુધારતો રહ્યો. નાટકની શરૂઆત કરી પ્રથમ સીન પૂરો થયો ત્યાં સુધી કલાકારોએ ભજવ્યો. જયંત ગાંધીનાં ચુટકુલા તો ભટ્ટ સાહેબને પણ ખડખડાટ હસાવી ગયા.

સીન પૂરો થતા મેં ભટ્ટ સાહેબને પૂછ્યું, મિત્ર, બરાબર છે? કોઈ સુજાવ હોય તો પ્લીઝ, ધ્યાન દોરજો. મને કહે કે બધું બરાબર છે. હા, આપણા લાઈનવાળાની ચિંતા કરવા કરતાં તું તારા કામમાં જ ધ્યાન રાખજે. તારી જવાબદારી તું ‘બિલીફ’ સાથે બજાવે છે તો લાઈનવાળા ઝખ મારે!

કોઈ કહે ‘તમે આવા કેમ?’ તો કહેજે કે ‘અમારામાં ખામી જોવાવાળા તમે જ કેમ?’ હું ફિલ્મલાઈન અને નાટક લાઈનમા આ વાક્ય યાદ રાખીને જ ચાલ્યો છું…
પછી એમણે રજની સાલિયન અને મારા સીનનું રીડિંગ શરૂ કરાવ્યું. રજની મહેનતુ હતી. ગુજરાતી નહોતી. પણ સંવાદો એણે દેવાનગીરી લિપિમાં લખીને આવી હતી. રીડિંગ દરમિયાન હું અમુક ઉચ્ચારણ અને ભાષાની કોઈ ભૂલ તરફ રજનીનું ધ્યાન દોરતો તો ભટ્ટ સાહેબ ઊંચા અવાજે કહેતા દિગ્દર્શક દાદુ! આ કોલગર્લની ભૂમિકા ભજવે છે, જરૂરી નથી એણે શુદ્ધ ગુજરાતી આવડવું જોઈએ. ઊલટું એની ભૂલો એના પાત્રને વધુ નિખાર આપશે. પછી તરત બોલ્યા બોલ્યા ‘ચાલો સેટ કરીએ?’.


જીવતરની ડાળીએ ઝૂલ્યા કરે. મારી ઇચ્છાના ફૂલ રંગરંગના, ડાળખીમાં હોંઠ જરા ભીના બને. બસ, એટલા પાણીની મને ઝંખના.

પત્ની: સાંભળો, આપણે ૨૫મી લગ્ન-જયંતી, ફરી લગ્ન કરીને ઉજવીએ?
પતિ: હા, પણ આ વખતે કોઈ દબાણ વગર, બહુ વિચારીને જીવનસાથી શોધીશું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…