ચેક બાઉન્સિંગનો કેસ મુંબઈની કંપનીના ડિરેક્ટરને એક વર્ષની કેદ
ફરિયાદીને રૂ. નવ કરોડ વળતર પેટે ચૂકવવાનો વાપી કોર્ટનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચેક બાઉન્સિંગના કેસમાં
વાપીની કોર્ટે મુંબઈની ક્ંપનીના ડિરેક્ટરને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી
હતી અને ફરિયાદીને વળતર પેટે
રૂ. નવ કરોડ આપવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત કંપનીના ડિરેક્ટર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરવાનું પણ કોર્ટે જણાવ્યું છે.
કેસની વિગત મુજબ વરલી વિસ્તારમાં આવેલી મે. પ્રિન્ટેક્સ ગ્રાફિક્સ (આઇ) પ્રા.લિ.ના ડિરેક્ટર શાહજહા સઇદઅલી મુલ્લાએ ૨૦૧૩માં વાપી જીઆઇડીસી ખાતે આવેલી મે. શાહ પેપર મિલ્સ લિ. નામની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મહેન્દ્ર શાહનો સંપર્ક સાધ્યો હતો. શાહજહા મુલ્લાએ આપેલા ઓર્ડર મુજબ વાપીની કંપની દ્વારા રૂ. ૪.૯૪ કરોડનો માલ (પ્રિન્ટિંગ પેપર્સ) મોકલવામાં આવ્યો હતો. જેની સામે કંપનીને રૂ. ૪.૯૪ કરોડના ત્રણ જુદા જુદા ચેક અપાયા હતા. વાપીની કંપની દ્વારા બેન્કમાં ચેક નાખતાં તે રિટર્ન થયા હતા. આથી શાહજહા મુલ્લાને આ અંગે નોટિસ મોકલાઇ હતી, પણ તેમણે નોટિસનો જવાબ આપ્યો નહોતો.
દરમિયાન નાણાંની માગણી કરવા છતાં કોઇ દાદ ન મળતાં કંપનીની ઓથોરાઇઝ વ્યક્તિ તરીકે યોગેન્દ્ર પંચાલે વર્ષ ૨૦૧૫માં વકીલ મારફત વાપીની કોર્ટમાં ધા નાખી હતી. આ કેસની સુનાવણી વખતે શાહજહા મુલ્લા અનેકવાર ગેરહાજર રહ્યા
હતા. મુલ્લાનું નિવેદન નોંધવામાં આવતાં પોતાના પર ખોટો કેસ કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઘણાં વર્ષ સુધી ચાલેલા આ કેસમાં ફરિયાદ પક્ષના વકીલ કે.એમ. બ્રહ્મભટ્ટે અનેક કેસો ટાંકીને દલીલ કરી હતી, જે કોર્ટે માન્ય રાખી હતી. દરમિયાન વાપીના એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ ભાવેશ જે. પટેલે આ કેસમાં તાજેતરમાં ચુકાદો આપ્યો હતો. તેમણે આરોપીને એક વર્ષની કેદ ફટકારી હતી અને આરોપીને ચેકની રકમ તથા વ્યાજ મળી રૂ. નવ કરોડ ફરિયાદીને ચૂકવવાનો આદેશ આપ્યો હતો.