ઈન્ટરવલ

વસંત પંચમી જ્ઞાન ને પ્રેમનું પર્વ

વસંતોત્સવ -હેમુ ભીખુ

સૃષ્ટિનું સર્જન થયા બાદ પણ બ્રહ્માજીને ક્યાંક અધૂરાશની પ્રતીતિ થતી હતી. વિષ્ણુજીની અનુમતિ લઈ બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી જળનો છંટકાવ કરી ચારભુજાવાળી દેવીનું સર્જન કર્યું. આ દેવીના એક હાથમાં વીણા, બીજા હાથમાં શાસ્ત્ર ગ્રંથ, તથા ત્રીજા હાથમાં ભક્તિ માળા હતા. ચોથો હાથ વરદાન આપવાની મુદ્રામાં હતો. મા સરસ્વતીનું આ પ્રાગટ્ય હતું. દેવીની વીણામાંથી જ્યારે સંગીત ઉદભવ્યું ત્યારે સમગ્ર સૃષ્ટિ પ્રફુલ્લિત થઈ ઊઠી. સંગીત સાથે તે વખતે કુદરત પણ જાણે સંપૂર્ણ ખીલી ઊઠી હતી. વસંત ઋતુની આ શરૂઆત હતી. મા સરસ્વતીને આપણે મા શારદા, મા વાણીવાહિની, મા વીણાવાદીની, મા જ્ઞાનદેવી તથા મા વાગ્દેવી તરીકે પણ પૂજીએ છીએ. મા શારદાના પ્રાગટ્યનો દિવસ એટલે વસંત પંચમી. ભારત ઉપરાંત નેપાળ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા જેવા દેશોમાં પણ આ તહેવાર પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. નામધારી શીખ સંપ્રદાય આ તહેવાર પોતાની આગવી ધાર્મિકતા તથા કૃષિલક્ષી બાબતોથી ઉજવે છે.

સનાતની પંચાંગના મહા મહિનાની સુદ પાંચમ એટલે વસંત પંચમી. આ તિથિને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો વસંતની શરૂઆત સુદ પડવાથી થઈ ગઈ ગણાય, પરંતુ ધાર્મિક પરંપરાને આધારે વસંત પંચમીને વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનું પ્રાગટ્ય પણ આ દિવસે થયું હતું.

એક પૌરાણિક ઇતિહાસ પ્રમાણે આ દિવસે રાજા ભગીરથની તપસ્યાને પરિણામે મા ગંગાએ ધરતી પર અવતરણ કરેલું. તેથી આ દિવસ ગંગાવતરણ દિન તરીકે પણ ઓળખાય છે. પૃથ્વી પરના લોકોના પાપના નાશ માટે આ દિવસ વરદાન સમાન છે. આ દિવસે ગંગા સ્નાનનું આગવું મહત્ત્વ છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનના અધિષ્ઠાત્રી માતા સરસ્વતીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ વિદ્યાની દેવી માતા સરસ્વતીની ઉપાસના કરે છે અને વિદ્યાનું વરદાન માગે છે. સરસ્વતી પૂજનમાં પીળા રંગનું આગવું મહત્ત્વ છે. આ પૂજન વિધિમાં દરેક વ્યક્તિ પીળા રંગનો પોશાક ધારણ કરે છે અને માતાના શણગારમાં પણ પીળા રંગને મહત્ત્વ આપવામાં આવે છે. પીળો રંગ ઊર્જા, શુદ્ધતા તથા સાત્ત્વિકતા રજૂ કરે છે. અભ્યાસ માટે તે વધુ ઉપકારી હોય છે.

વસંત ઋતુઓમાં પ્રમુખ છે. ગીતામાં પણ વિભૂતિ યોગમાં વસંત ઋતુનું મહાત્મ્ય સ્થાપિત કરાયું છે. વસંત ઉમળકાની ઋતુ છે. વસંત નવા ઉત્સાહનું પ્રતીક છે. વસંત પ્રેમની ઋતુ છે. સાંપ્રત સમયમાં જ્યાં વેલેન્ટાઈન ડે’ને મહત્ત્વ આપવામાં આવે છે ત્યાં એમ કહેવાય કે વસંત પંચમી એ સનાતની સંસ્કૃતિનો પ્રેમ-દિવસ છે. પ્રાચીન પરંપરામાં આ દિવસને મદનોત્સવ કે વસંતોત્સવ તરીકે પણ ઉજવવામાં આવતો. નિર્દોષ પ્રેમ વ્યક્ત કરવાની આ તક હતી. ભારતના કેટલાક વિસ્તારોમાં તો એવી પરંપરા હતી કે આ દિવસે વ્યક્ત કરાયેલ નિર્દોષ પ્રેમને સમાજ માન્ય રાખી યુગલને, જો અન્ય કોઈ મર્યાદા ન હોય તો, લગ્ન કરવા માટે મંજૂરી પણ અપાતી. સૌભાગ્યવતી સ્ત્રી આ દિવસે પોતાના પતિની કામદેવના રૂપમાં પૂજા કરતી. એમ કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જ કામદેવ અને રતિ દ્વારા મનુષ્યના હૃદયમાં પ્રેમ અને નિર્દોષ આકર્ષણનો ભાવ જાગ્રત કર્યો હતો. મૈથુન સૃષ્ટિની આ શરૂઆત હતી.

સમગ્રતામાં જોતાં જણાશે કે વસંત પંચમી પાપમાંથી મુક્તિ અપાવે છે, જ્ઞાન પ્રાપ્તિનું નિમિત્ત બને છે તથા નિર્દોષ પ્રેમને આધાર આપે છે. તેમાં ઉત્સાહ સમાયેલો છે તો સાથે તે પવિત્રતાની જરૂરિયાત પણ સમજાવે છે. તેમાં યૌવનનો થનગનાટ છે તો સાથે પાપથી દૂર રહેવાનું સૂચન પણ. યૌવનની ઊર્જાને જ્ઞાનથી નિયંત્રિત કરવાની વાત પણ અહીં છે. વિવેક ધારણ કરી સૃષ્ટિના ચક્રમાં સહભાગી થવા ક્ષિતિજોને વિસ્તારવાની આ વાત છે. અહીં સંયમ પણ છે અને આવેગ પણ. અહીં ગંગાની ભક્તિથી પાપ નિર્મૂળ કરવાની વાત છે, જ્ઞાનના સહારે સાંખ્ય દર્શનની વાત છે તો નિર્દોષ પ્રેમમાં નિર્લેપ કર્મની વાત થાય છે. આ દિવસે જાણે સનાતની આધ્યાત્મિક પરંપરાની દરેક બાબત પરસ્પર વણાઈ જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button