માતા-પિતા સાથે પુન:મિલનથતા આનંદનો અવસર બની ગયો
તસવીર અનોખા પ્રેમની -ભાટી એન.
વેલેન્ટાઈન્સ દિવસે સુસ્નેહ, લાગણી, પ્રેમના મીઠુડા આંસુ આવી જાય તેવી વાત સત્ય ઘટના સહતસવીર માંડવી છે. માતા, પિતા, પુત્રનું પ્રેમભીનું મિલન કરાવવામાં આ કોલમના લેખક ભાટી એન. નિમિત્ત બન્યા હતા. ૨૫ વર્ષ અગાઉની વાત છે…! હિન્દુ – મુસ્લિમ ભાઈચારાનો એકસ્ટ્રા ઓડિનરી નમૂનો પણ છે…! કે કુદરતની કમાલ કહીએ વ્યક્તિને કોઈની પાસેથી લેણું લેવાનું હોય તો તે વ્યક્તિ સુપેરે તેની પાસે પહોંચે છે..!?
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેતા મગનભાઈ જેઠાભાઈ પરમાર (દલિત) અને તેમના પત્ની કાળીબહેન રોજીરોટી રળવા દરરોજ થાનગઢથી વાંકાનેર અપ-ડાઉન કરે તેમનો નાનો પુત્ર વસંત નિત્ય મા-બાપને ટ્રેનમાં જતા જોતો એક દિવસ વસંતને થયું કે લાવ ને હું પણ મુસાફરી કરું…!? તે તેની માતા કાળીબહેનનો સિઝન પાસ લઈને સાથે પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈને ઘરેથી નીકળી ગયો…! થાનગઢ રેલવે સ્ટેશનથી વસંત અમદાવાદ જતી પેસેન્જર ટ્રેનમાં બેઠો ત્યારે માત્ર છ વર્ષનો વસંત અમદાવાદથી બીજી સુપરફાસ્ટ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના પાટનગર લખનઊ રેલવે સ્ટેશને આવી ગયો…! હું ભૂલો પડી ગયો છું તેવો અહેસાસ થતાં લખનઊ રેલવે સ્ટેશને રડવા લાગ્યો, ત્યારે ઉત્તર પ્રદેશના હરદોઈ પાસેના કોઈ મુસ્લિમ ડ્રાઈવર સ્કૂલ બસના તેની નજર પડી તે રડતા વસંતને પોતાની સાથે હરદોઈ લઈ ગયાં ને તેને સાથે રહેવા લાગ્યો. અહીં થાનગઢમાં વસંતને ગોતી ગોતી થાકીને પોતાના કામે લાગી ગયા. છ વર્ષના વાણા વીતી ગયા ને એક દિવસ ફૂલછાબમાં કાળીબહેને વસંતની સ્ટોરી વાંચી તેના લેખક ભાટી એન. હતા. એટલે તાબડતોબ છાપું લઈને મારી પાસે આવીને કહે આ વસંત મારો છે…!? હું વિચારમાં પડી ગયો ને કીધું મને જૂનાગઢ રહેતા જિતેન્દ્રભાઈ યાદવ ટી.ટી.ઈ. રેલવેના છે. તેમણે મને આ ઝેરોક્ષ આપી તેના પરથી આ સ્ટોરી લખેલ. બીજા દિવસે હું માનવતાની રૂહે મગનભાઈ સાથે જૂનાગઢ ગયો ને માંડીને વાત કરી તો તેમણે કીધું તે હરદોઈ (યુ.પી.)માં મારી બહેન જે શાળામાં ટીચર છે. ત્યાં બસ ડ્રાઈવર અલ્તાફ
હુસેનની સાથે રહે છે ને રોજે બસમાં તેની સાથે આવે છે. ત્યાંથી ઠામઠેકાણું પાકું સરનામું લીધું તો મગનભાઈ મને વિનંતીથી કહેવા લાગ્યા તમે મારી સાથે હરદોઈ આવો. મને દિલમાં દયાનો દીપક પ્રગટ્યો કે કોઈને પોતાનું બાળક મળતું હોય તો હું કેમેરો લઈને તેમની સાથે ગયો.
ચોમાસાની ઋતુ ઝરમર વર્ષા વરસે ને અમે હરદોઈ પાસેનાં ગામો અલ્તાફભાઈના ઘેર જઈ ડેલી ખખડાવી ત્યાં અલ્તાફભાઈ આવી ડેલી ખોલતા કીધું કે આ મગનભાઈ વસંતના પિતાજી છે…! ત્યાં તો તે ખુશખુશાલ થઈ ગયા ને કીધું તમે અહીં જ ઊભા રહો હું પસંદને બોલાવું ત્યાં વસંતનું નામ ‘પસંદ’ રાખેલ. નાની ચડ્ડી પહેરી ખાટલામાં સૂતો હતો તે હવે ગુજરાતી ભાષા ભૂલી ગયેલ તેની જગ્યાએ હિન્દી બોલતો હતો. અંદર જઈ અલ્તાફે રાડ પાડી દેખતો કોન આયા હૈ…!?
સફાળો પસંદ જાગીને બહાર ડેલીના ફળિયામાં આવતા જ મગનભાઈને જોઈને દોડીને મગનભાઈને ભેટી પડ્યો ને કહેવા લાગ્યો. પાપા આપ મુઝે છોડકર કહાં ચલે ગયે થે…!? બાપ-દીકરો ભેટીને ચોધાર આંસુએ રડવા લાગ્યા. આ હર્ષાશ્રુવાળું રડતા જોઈ મારી આંખોમાં આંસુ આવી ગયા ને એક દિવસ અલ્તાફએ અમને મહેમાન બનાવી રાખી ત્યારે તેના પરિવાર સાથે મેં તસવીરો લીધી ને હવે પસંદને વિદાય દેતા અલ્તાફને તેનો પરિવાર રડતા રડતા ભાવભીની વિદાય આપીને અમે પરત થાનગઢ આવ્યા’તો વસંતને જોઈ કાળીબહેનને તેનો પરિવાર વસંતને ભેટી રડ્યા ને કાળીબહેન મને કહે ભાટીભાઈ તમે હતા તો અમારો વસંત છ વર્ષે પરત મળેલ તે અગાઉ લિમડીમાં વસંત જેવો ડુપ્લિકેટ વસંતને લાવીને પોતાના ઘેર રાખેલ. હવે સાચો વસંત આવતા વસંતના દાદા જેઠાભાઈ પરમારે ડુપ્લિકેટ વસંતને મારી સાથે રાખીશ. આમ વેલેન્ટાઈન્સ ડે એ મા-બાપને પુત્રનું મિલનની સહતસવીર વાંચી આપની આંખોની કિનારી ભીની થશે જ.