ઈન્ટરવલ

પ્રેમપત્ર કાગજ કે મસ્ત મસ્ત ફૂલ …

આજના ડિજિટલ – એસએમએસ યુગમાં સ્નેહનો સંદેશ પ્રસરાવતા ‘પ્રેમ પત્રો’ની પ્રથા વિસરાતી જાય છે ત્યારે ‘પ્રેમ પત્રો’ વિશે થોડુંક જાણીએ અને માણીએ.

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

આજકાલ મોબાઈલ સ્ક્રીન વાપરનારાને કદાચ ખબર નહીં હોય કે એક જમાનો હતો લવલેટર લખવાનો. હિન્દી સિનેમા સમાજની આરસી રહી હોવાનું માનવામાં આવે છે એટલે ફિલ્મોએ પણ પ્રેમપત્રોને ભરપૂર મહત્ત્વ આપ્યું છે.

‘યે મેરા પ્રેમપત્ર પઢકર કહીં તું નારાજ…’ ગીતમાં ગીતકારનો હીરો પ્રપોઝ કરતાં ડરે છે, છતાં પ્રેમ વ્યક્ત કરવા બીજો કોઈ માર્ગ પણ નથી. રેખા અને રણધીર કપૂરનું ‘રામપુર કા લક્ષ્મણ’ ફેમસ સોંગ: ‘ગુમ હૈ કીસી કે પ્યાર મેં…’ માં વાત તો એક લવલેટરમાં પ્રેમ વ્યક્ત કરવાની હતી, બાકી લવલેટરનું આદર્શ ગીત એટલે ‘સરસ્વતીચંદ્ર’નું ‘ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં… ’ત્યારથી પ્રેમપત્રો સાથે કોમળ પુષ્પોનો જમાનો આવ્યો હશે.

સિનેમાએ પ્રેમપત્રોના સહારે અસંખ્ય ફિલ્મો બનાવી અને ચલાવી છે. હીરો પથ્થરમાં બાંધીને હિરોઇનના કમરામાં પત્ર મોકલતો અને હિરોઇનને ભગાડી જતાં. ફિલ્મી વિલનો પણ ધમકીઓ આપવા પત્રો મોકલતા, જાણે સિનેમા પત્રોથી ચાલતું હોય એવું લાગતું. અરે, નદીયાં કે પાર ફેમ હમ આપ કે હૈ કોન માં પણ લેટર ના મળ્યો હોત તો શું થાત એવો વિચાર કરતાં કરતાં ઘણાએ બે પાંચ લવ લેટર લખી નાખ્યા હશે.

અચાનક મોબાઈલ આવ્યો અને જાણે આખો યુગ બદલાઈ ગયો. એક લવલેટર મોકલવા કંઈ કેટલા સેટિંગ કરવા પડતા એ બધા સેટિંગ સાઇડ પર થઈ ગયા અને સંવાદ સીધેસીધો થવા લાગ્યો. પ્રેમની સંવેદના વ્યક્ત કરવાનું માધ્યમ કાગળ પરથી મોબાઈલ સ્ક્રીન પર આવી ગયું. તમે વસંત મનાવો કે વેલેન્ટાઈન ઉજવો પણ વાત તો પ્રેમની જ છે. અઈં (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) નવી ટેકનોલોજી આધુનિક પેઢીને ડિમાન્ડ મુજબ શાનદાર લવલેટર લખી આપશે એવું લાગે છે, કેમ કે આ વિષયમાં કોપી- પેસ્ટ જામશે નહીં.

જો કે બે ચાર દશકા પહેલાના યુગમાં લવલેટર લખવાની આવડત બધા પાસે હતી નહીં એટલે તજજ્ઞોની ખાસ મદદ લેવામાં આવતી. ક્લાસમાં કે ઓળખીતાઓમાં પ્રેમપત્ર લખવામાં જેની માસ્ટરી સારી હોય એની પાસે કેટકેટલા કાલાવાલા કરીને લેટર લખાવવામાં આવતો. ઘણા કેસમાં એવું પણ બન્યું હશે કે પ્રેમીએ ભોળાભાવે પ્રેમપત્ર લખવાનું સત્ય જણાવી દે તો સેટિંગનાં સમીકરણો બદલાવાની સંભાવનાઓ ઊભી થતી હશે, પત્તું કપાવાની સંભાવનાના દાખલા ગણી નાખજો. એક વાત તો રહી ગઇ, ઘણા કેસમાં બીજા પાસે લખાવેલા પત્રો પકડાઈ જતાં અને માર ખાવાની વારી લખનારની આવતી…! કંઇ કેટલા નિર્દોષ ઝપાટે ચડતા અને પ્રેમ કરવાવાળા મોજ કરતાં, જેવું જેનું ભાગ્ય…

જો કે લવલેટરમાં જે લખવામાં આવતું એની કેમેસ્ટ્રી પણ અભ્યાસ કરવા જેવી હતી. લવલેટરની શરૂઆત કરતાં તેનો પ્રેમનો હેતુ લખવામાં આવતો. સામી વ્યક્તિની હાજરી અને યાદોમાં થતી કથાઓ અને વ્યથાઓને શાનદાર ઇમોશનલ રીતે લખાતી હતી. સામા પાત્રની જીવનમાં જરૂરિયાતને શબ્દોથી ઉપસાવીને પ્રેમ વ્યક્ત થતો. હા, એ જ વાતો લખાતી જે વાંચનારને ગમતી હોય અને એ વાતો સાથે નાના મોટાં સ્મરણો લખવામાં આવતા. જે સંસ્મરણો લખવામાં આવતા એમાં કેવળ ઇમોશનલ ટચ આપવામાં બે ચાર કિલો પસ્તી ભેગી થતી હશે.

કોલેજયુગમાં પત્ર લખવામાં આવે તો લવલેટરમાં નવમા ધોરણમાં જન્મદિવસે ક્યા કલરનો ડ્રેસ પહેર્યો હતો એનો ઉલ્લેખ હોય. કોઈ દિવસ શિક્ષક સજા કરે એ દિવસે શિક્ષક પર આવેલા ગુસ્સાની કથાઓ લખાયેલી હોય. લવલેટર એટલે ગાંડીઘેલી વાતોનો મધપૂડો હતો, ફક્ત છંછેડવો નહીં. લવલેટરમાં વારંવાર જે ઉલ્લેખ થતાં એમાં સામા પાત્રની યાદોનું મ્યુઝિયમ ભર્યું હોય. વાંચતા વાંચતા તો જાણે લાગણીઓનો ધોધ વહેતો હોય. પત્ર હાથમાં હોય ત્યારે એવું થાય કે ‘મેં તુજ મેં ને તુ મુજ મેં સમા જાય…’ એટલે પત્યું. જો કે લવલેટરની આ મજા વોટ્સએપ મેસેજમાં છે કે કેમ એ શંકા છે, પણ આજકાલ યુવાનોને મળવાનું થાય છે ત્યારે એવું લાગે છે કે લખતા તો હશે જ. શક્ય છે કે શબ્દભંડોળ ઓછું હોય ને ઇમોજી વધુ વાપરતા હોય…

લવલેટર પણ કંઈ દૂધે ધોયેલું હતું નહીં. લવલેટરમાં એક પ્રોબ્લેમ હતો કે એના લખાણને ખતમ ક્યારે કરવું એ ખબર જ પડતી નહીં. લખવાનો કે મોકલવાનો મોકો મળે તો પંદર- સત્તર પાના તો આમ જ લખાઇ જાય, છતાં કશુંક ખૂટતું હોય એવું લાગે- જાણે કંઈક અધૂરપ રહી જતી..

લવલેટરની બીજી આડ- અસર એ હતી કે દર વખતે લાંબું લખવાનો મોકો મળતો ન હતો, ઓછા શબ્દોમાં પ્રેમથી માંડી આસપાસના માહોલને વ્યક્ત કરવાની ભાવના શીખવા મળી હતી. ચોપડીઓમાં છુપાવી શકાય એટલી સાઇઝનો લેટર આઇડિયલ ગણી શકાય.

લવલેટરમાં સાંકેતિક રીતે લોકોની નજરોમાંથી સાચવીને સલામત સ્થળે મળવાની વાત લખવી એ ક્લાસિક કળા હતી. સ્કૂલ- કોલેજ કે સામાજિક મેળાવડામાં પિકનિક પર જવાનું થતું અને બધાની વચ્ચે નજરો મેળવવાની તથા યેનકેન રીતે મળવાની અલગ જ મજા હતી.

હા, લવલેટરની એક ખામી રહેતી – પ્રેમ કરનાર વ્યક્તિનું સ્ટાન્ડર્ડ ખબર પડતું નહીં. કોઈ પાસે લેટર લખાવવામાં આવે અથવા પ્રત્યુત્તર આપવા માટે પૂરતો સમય
મળતો તેથી તેના વ્યક્તિત્વ અંગે અંદાજ લગાવવો મુશ્કેલ રહેતો. લવલેટરમાં વાસ્તવિકતા કરતાં વધારે ફેન્ટસી રહેતી. મહદઅંશે પ્રેમમાં પડ્યા પછી ફેન્ટસી જ વહાલી લાગે , પણ ઘણાં દંપતીઓને જિંદગીની વાસ્તવિક સમસ્યાઓ જોવા
મળી હશે ત્યારે ઘણું મોડું થઈ ચુક્યું હશે.

બીજી તરફ, આજકાલ રાત્રે દોઢ વાગે સોશિયલ મીડિયા પર નજર સામે સ્પોન્ટિનિયસ વાતો કરતી વેળા સામી વ્યક્તિના સ્ટાન્ડર્ડ અને સમજદારી આસાનીથી સમજી શકાય છે. લવલેટરના યુગમાં માનસિક સ્તર જાણવા માટે અન્ય આધાર રાખવા પડતા, જ્યારે સોશિયલ મીડિયાના યુગમાં ઝડપી ઓળખવાની કળા આવડે ભવિષ્યની ઘણી સમસ્યાઓ હલ થઈ જાય. આશા રાખીએ કે નવી જનરેશન પણ લખતા-વાતો કરતાં સામી વ્યક્તિની મજા લેતી જ હશે.

જિંદગીમાં પહેલીવાર થતી ઘટનાઓને ડિલીટ મારવા માટે કોઈ સિસ્ટમ સક્ષમ નથી. પહેલો દોસ્ત- પહેલો પ્રેમ- પહેલી ક્લાસ ટિચર- પહેલી રાત્રિ…. લાંબી યાદી છે… તો પછી પહેલા પ્રેમપત્રનાં સંસ્મરણોને કેવી રીતે ભૂલી જવાય? ખાસ તો જિંદગીમાં પહેલીવાર ગમતી વ્યક્તિએ લખેલો કે મળેલો લવલેટરના એ સુવર્ણ સમયને યાદ કરો. પહેલીવાર હાથમાં લવલેટર આવ્યો હોય એ પળે હાથથી માંડી હૈયા સુધી થતી ઝનઝનાટી ગજબની હતી. એ ખૂબસૂરત પળોને ક્યાંક કંડારી શકાય તો કદાચ એ જીવનની બહુમૂલ્ય પળો હતી, જેના માટે સોનાની ફ્રેમ પણ સસ્તી લાગે.

માણસ પ્રેમ શા માટે કરે છે એ વિચારીએ તો સમજાય છે કે માણસની સૌથી મોટી જરૂરિયાત છે સુરક્ષા અને કાળજી. માણસને ગમતી વ્યક્તિ સાથે સંવાદ કરવો છે, પણ ઘણા કિસ્સામાં શક્ય ન બને ત્યારે પ્રેમપત્ર મેદાનમાં આવે છે.

હા, એ પ્રેમપત્રોમાં એવું લાગતું કે કોઈ આજીવન સાથે છે. લેટરમાં એવું લખવામાં આવતું જે વારંવાર લખવું- વાંચવું ગમતું. કદાચ અભ્યાસ કે ઘરમાં કોઈ બાબતે ઠપકો મળે ત્યારે લવલેટર મોટિવેશનનું કામ કરતો. કંઇ કેટલી ફરિયાદો અને યાદોનો ઢગલો આ લવલેટર નામની અદ્ભુત ગિફ્ટમાં સમાયેલો છે.

ભગવાન શ્રીકૃષ્ણ પણ રુકમણીજીનો પત્ર વાંચીને સ્વયંવરમાં પહોંચી ગયા હતા અને ‘ઓખાહરણ’ નામનું પ્રેમના પત્રો આધારિત આખું મહાકાવ્ય લખવામાં આવ્યું છે. પશ્ર્ચિમી સાહિત્ય આપણને પ્રેમની અભિવ્યક્તિ શીખવે છે, પણ ભારતીય સાહિત્ય આ વિષયમાં હજારો વર્ષથી મૂળિયા રોપી ચુક્યું છે.

મહદઅંશે પત્ર લખવાની શરૂઆત છોકરાઓ જ કરતાં પણ ઘણા સદભાગીઓ હશે જેમને લવલેટર મળ્યા હશે. લવલેટર ગજબના કલરફુલ હતા. એ વખતે ક્યાં કલર વિશે જ્ઞાન હતું, છતાં પ્રેમની જેમ પત્ર પણ રંગીન જ હોવો જોઈએ. લવલેટર લખનારે સાબિત કરવાનું હતું કે ભવિષ્ય પણ કલરફુલ જ રહેવાનું છે.

ભરપૂર લાલ રંગ વાપરતા લવલેટર લખનારાઓ જુસ્સો, પ્રેમ, રોમાન્સ, કોન્ફિડન્સ, ગુસ્સા જેવી એગ્રેસિવ લાગણીઓને જાણે-અજાણે વ્યક્ત કરતો હોય છે. ઓરેન્જ કલર એનર્જેટિક કલર છે તો યલો હેપ્પીનેશ દર્શાવે છે. લીલો રંગ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. પર્પલ સસ્પેન્સ કે જાદુ સાથે સંકળાયેલો છે. બ્લ્યૂ કલર કોર્પોરેટ માટે છે. જિંદગીની શાંતિ માટે બ્લ્યૂ આદર્શ છે અને હા, બ્લેક કલરની વાત જ નીરાળી છે. આપણી પરંપરામાં બ્લેક મૃત્યુ કે અશુભ ઘટના દર્શાવે છે, પણ આ જ વાત અલગ રીતે સમજવાની કોશિશ કરીએ તો બ્લેક કલર વણઉકેલાયેલાં રહસ્યોનો રંગ છે. બ્લેક કલર મોડર્ન કલર છે. સ્માર્ટ બતાવવા અને સામાને પ્રેમના મોહમાં ક્ધફ્યુઝ કરવા બ્લેક કલર વપરાતો હતો. બાકી વ્હાઇટ તો છે જ આદર્શવાદી છે જ. કલરફુલ પેપરમાં સફેદ રંગ પણ વપરાતો. યાદ કરો એ દિવસો જેમાં કોલેજમાં કલર્સ- ડે પણ ઉજવવામાં આવતા હતાં.

આપણે લવલેટરમાં લખાતી વાતોને તાજી કરતાં હતાં. યાદોને બોક્સમાં બાંધી રાખનારાઓ પાસે હજી પણ એ સમયની શાયરીઓનો સંગ્રહ પડ્યો હશે. કદાચ ગમતા પાત્ર સાથે લગ્ન થયું હશે તો પત્રો પણ પડ્યા હશે.

ચાલો, ફરી એકવાર એ પત્રો કાઢો અને વાંચો અથવા પત્રો રાખી શકાય તેમ ના હોય તો સ્મરણોનો ડબ્બો તો ખોલી શકાય. બધાને અનુભવ હશે કે ગમતી વ્યક્તિનો લવલેટર વાંચવો ગમતો હતો, આજે પણ ક્યું ફિલ્મી ગીત કે શાયરી લખી હશે એ હોઠ પર હશે. ઘરના વાતાવરણમાં જ્યારે જ્યારે મોકો મળતો હતો ત્યારે લવલેટર વારંવાર વાંચવો ગમતો હતો. ક્યારેય સુગંધીદાર કાગળ હોય તો ક્યારેક સુગંધિત પેન હોય અને એમાં ફૂલ મોકલ્યું હોય તથા ગાંડીઘેલી ઘટનાઓ તાજી થતી હોય એ પળો અમૂલ્ય હતી.

વસંત અને વેલેન્ટાઈન વચ્ચે લવલેટર એટલે પ્રેમીઓ વચ્ચે વાતોનો વ્યવહાર નથી, પણ પરણેલાઓએ પણ મોકો મળે ત્યારે એકબીજાને પત્ર લખવા જોઈએ. કમસેકમ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વાતો કરો.

એક પ્રયોગ કરવા જેવો ખરો- ઘરના બાળકને પણ સ્નેહાળ પત્ર લખી શકાય. બાળક સાથે પત્રમાં મજાની લાગણીઓ વ્યક્ત થઈ હોય તો બનવા જોગ છે કે જે વાતો કલાકોની સમજાવટથી શક્ય ના બની હોય એ સ્નેહાળ પત્ર થકી થઈ શકે.

ચાલો, માની લઇએ કે લવલેટર લખવાનો યુગ ખતમ થઈ ગયો, પણ ‘અભી તો મેં જવાન હું…’ જેવો ભાવ રાખશો તો જ એ પ્રેમનાં સંસ્મરણો વાગોળવાની મજા આવશે.

એક કામ કરીએ, એક બાર ફીર સે લવલેટર હો જાએ… ફરી ગમતી કે પહેલીવારના પ્રેમને સંબોધીને એક લેટર તો લખીએ. છોડો, તમને કોઈની યાદ ના આવે તો ચિંતા કરશો નહીં. આપણી સૌથી વધારે નજીક રહેતી વ્યક્તિ એટલે કે તમે સ્વયં પર પોતાને જ એક લવલેટર લખો. તમે તમારી જાતને ભરપૂર પ્રેમ કર્યો છે કે નહીં એ તો જણાવો. તમે કલ્પના કરો કે ગમતી વ્યક્તિ સાથે જ છે અને ઇમાનદારીથી તમે લખી રહ્યા છો. તમે જેને પત્ર સંબોધો છો એની સાથે ગાળેલા સમયની વાતો યાદ કરો. હા, તમારી લખવાની શરૂઆત જ બતાવશે કે તમે ક્યા મૂડમાં છો. કદાચ પોતાના પર લખશો તો આજે તમે તમારા પ્રેમમાં પડી જશો. પોતાની જાતને પ્રેમ કરતાં કરતાં પોતાના માટેની ફરિયાદ પણ લખાવા લાગશે. દુનિયાદારી કરવામાં પોતાની શારીરિક અને માનસિક કાળજી રાખી શક્યા નથી એવા લાખો લોકોમાં આપણે ચોક્કસ હોઇશું, તો કમસેકમ એકવાર પોતાને સંબોધીને લવલેટર ના લખાય? હા, જાતને કે પ્રિયજનને સંબોધવાની વાત પરથી યાદ આવ્યું કે સંબોધન શું કરીશું? મજાનું સંબોધન લખવું એ પણ કળા છે.

હા, તમે લખવાનું શરૂ કરશો તો બસ લખ્યા જ કરશો. પ્રશ્ર્ન એ થશે કે લખશો શું? તમે એ જ લખશો જે જિંદગીમાં સૌથી આસાન અને લગભગ મફત હતું. એ જ સમયની વ્યસ્તતા અને આધુનિક સમયના સ્ટ્રેસ વચ્ચે ભોગવવાનું રહી ગયું. કદાચ આપણને સમજાય ખરું કે પોતાને જ સૌથી વધુ દુ:ખ આપ્યું છે અને એ પછી કમસેકમ જાતને લવલેટર લખીને ક્ષમા તો માગવી જોઈએ. જે જિંદગીમાં કરવાનું હતું એ રહી ગયું નથી એની ચિંતા સતાવશે. હા, સાથી સાથે હાથમાં હાથ નાખીને ડુંગર ભમવા હતાં, સ્વયંના અંતરાત્માથી રચાતી કવિતાઓ લખવી હતી કે કર્કશ અવાજમાં ય પ્રેમનાં ગીતો ગાવાં હતાં. મોડી રાત્રે ટુ વ્હિલર પત્ની ચલાવેને પાછળ બેસીને નખરા કરવા હતાં એ સ્વપ્ન અધૂરું રહ્યાની વાત લખી શકાય. મોડી રાત્રે કેન્ડલ લાઇટ કરીને કોફીથી માંડીને વાઇન સુધીનો જલસો કરવો હતો. આ બધા મફતના શોખ કરવા હતા, પણ રહી ગયા એની વાતોનો યુગ પૂરો થાય એ પહેલા વસંતનો વેલેન્ટાઈન ઉજવી લઇએ…

ધ એન્ડ :
પત્રની વાત આવે એટલે સૌથી પહેલા ‘ધૂમકેતુ’નો પોસ્ટ ઑફિસમાં અલીડોસાનો પુત્રી પરત્વેનો પ્રેમ યાદ આવે. અલી ડોસો દરરોજ પુત્રીના પત્રની રાહ જોતો પોસ્ટ ઑફિસમાં ધક્કા ખાય. જ્યારે તે ગુજરી જાય છે ત્યારે પુત્રીનો પત્ર આવે છે અને પોસ્ટ માસ્ટર એની કબર પર પહોંચાડે છે. જેને આખી જિંદગી પાગલ ગણવામાં આવ્યો એ અલી ડોસાની વેદના એના મૃત્યુ પછી સમજાય છે, લેખક પણ એ જ કહે છે કે જો જગતમાં સુખ-દુ:ખ માટે સમાનુભૂતિ હોય તો અડધોઅડધ સમસ્યાઓ હલ થઈ જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button