ગતિશીલ ગુજરાતમાંથી 22,300એ સરન્ડર કર્યા પાસપોર્ટ
અમદાવાદઃ દેશ અને ગુજરાત (Gujarat) રાજ્ય પ્રગતિના પંથે ચાલી રહ્યાની વાતો વચ્ચે ગુજરાતીઓ ગુજરાત જ નહીં દેશની નાગરિકતા મૂકી વિદેશના થઈ જવાનું પસંદ કરી રહ્યા છે. નાના ગામડા નહીં પણ અમદાવાદ જેવા શહેરમાંથી પણ વિદેશી નાગરિકતા લેનારા ગુજરાતીઓની સંખ્યા વધી છે. એક અહેવાલ અનુસાર અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસના સૂત્રો અનુસાર છેલ્લા અમુક વર્ષોથી યુરોપના દેશો અને અમેરિકા (USA) અને કેનેડા (Canada)માં સેટલ થવા માટે ગુજરાતીઓ પડાપડી કરી રહ્યા છે.
અમદાવાદીઓ લાખો ખર્ચીને વર્ક પરમિટ કે સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા અને કેનેડા જઈ રહ્યા છે અને ત્યારબાદ અહીં જ કામ કરી અમુક વર્ષોમાં નાગરિકતા મેળવે છે. અમેરિકા અને કેનેડાની નાગરિકતા મેળવવા માટેની કુલ અરજીમાંથી 58 ટકા આસપાસને નાગરિકતા મળી જાય છે. પાસપોર્ટ (passport)એક્ટ 1967 અનુસાર જ્યારે પણ કોઈ ભારતીય વિદેશની નાગરિકતા લે એટલે તેણે ભારતીય પાસપોર્ટ સરન્ડર કરવો પડે છે.
માત્ર અમદાવાદની વાત કરીએ તો વર્ષ 2021માં 217 નાગરિકે પાસપોર્ટ સરન્ડર કર્યો હતો અને 2022માં 241 અને 2023માં 485 પાસપોર્ટ સરન્ડર થયા છે.
દેશની વાત કરીએ તો દિલ્હી સૌથી આગળ છે. છેલ્લા ચાર વર્ષમાં અહીંથી 60,414, પંજાબથી 28,117 અને ગુજરાતમાંથી 22,300 પાસપોર્ટ સરન્ડર કરવામાં આવ્યા છે.