મૌન સર્વાર્થ સાધનમ્-મૌન બધા જ અર્થ પૂર્ણ કરનારું છે
મગજ મંથન-વિઠ્ઠલ વઘાસિયા
મનપ્રસાદ: સૌમ્યત્વં મૌનં આત્મવિનિગ્રહ:
ભાવ શં શુદ્ધિરિત્યેતત્ તપો માનસમુચ્યતે॥
-શ્રીમદ્ ભગવદ્ગીતા
‘પ્રસન્નતા, સૌમ્યપણું, આત્મ-સંયમ અને ભાવની શુદ્ધિ એ બધાં મનનાં તપ છે’
‘બોલવા’ અને ‘ન બોલવા’ બંને વિષય પર કહેવતો મળે છે. ‘બોલે તેના બોર વેચાય.’ અને ‘ન બોલ્યામાં નવ ગુણ.’ એવી વિરોધાભાસી હકીકતો સાંભળવા મળે છે. એટલે સ્વાભાવિક રીતે કોઈને પ્રશ્ર્ન થાય કે આમાં સાચું શું ? સત્ય વિરુદ્ધ ધર્માશ્રયી છે. એકબીજાથી વિરુદ્ધ લાગતાં તથ્યો પણ સત્યમાં સમાવિષ્ટ થાય છે. ક્યારેક આ સાચું લાગે તો ક્યારેક તે. પણ બંને પ્રકારનાં વાક્યોનું વસ્તુ વિધાન જ તેમની ગુણવત્તા નક્કી કરે છે.બોલવાથી ખાલી ‘બોર વેચવા’ જેવો સાધારણ વ્યાવહારિક લાભ થાય છે.જ્યારે ન બોલવાથી નવે ગુણ એક સાથે પ્રાપ્ત થઈ જાય ! માત્ર નવ ગુણ પર શા માટે અટકવું ? મૌન સર્વાર્થ સાધનમ્ – મૌન બધા જ અર્થ પૂર્ણ કરનારું છે.
ચિત્રમ્ વટતરોર્મૂલે વુદ્ધા: શિષ્યા: ગુરુર્યુવા
ગુરોસ્તુ મૌનમ્ વ્યાખ્યામ્ શિષ્યા: છિનસંશયા:॥
‘વડના વૃક્ષ નીચે ગુરુ અને શિષ્યો બેઠા છે.એમાં શિષ્યો વૃદ્ધ છે અને ગુરુ યુવાન છે.એ વાત વિચિત્ર છે.વળી ગુરુ મૌન વ્યાખ્યાન આપે છે અને શિષ્યો સંશય મુક્ત બની જાય છે.’
જીવનનો એક ઉત્તમ પંથ મૌન પણ છે. જે મૌનના રસ્તે આગળ વધે છે, તેમને શાંતિ મળે છે. મનોવિજ્ઞાન કહે છે કે ખુશ મિજાજ ઓછું બોલે છે ને દુ:ખી માણસ વધારે બોલે છે. આંતરિક સંવાદ અવિરત ચાલ્યા કરે અને બહાર પ્રગટ થવા લાગે ત્યારે એ પાગલપણાની નિશાની છે. એક પાગલને બહારથી જોતાં એવું લાગે કે તેની વાતમાં ક્યાંય મોં – માથું મળતું નથી.બસ,એવી જ રીતે એક વાર ઈમાનદારીથી જાતની અંદર ઊતરીને જોવું જોઈએ.
મૌન ઉત્તમ ઈન્દ્રિય નિગ્રહ જ નહીં,પરંતુ મનનું તપ પણ છે. એ વ્યક્તિને તેના અસ્તિત્વને સાક્ષાત્કાર કરવા સહાયભૂત બને છે.વ્યક્તિની સ્વયં સુવૃત્તતા મૌન તૂટવાથી જ છૂટે છે. સ્વયંથી વિખૂટી પડેલી વ્યક્તિ દિશાવિહીન થઈ દુ:ખના અનંત આકાશમાં ભટકી જાય છે. મૌનને શાંતિ સાથે આત્મીય સંબંધ છે. ચૂપકીદી અને શાંતિ વચ્ચે ઘણું અંતર છે. ચૂપકીદી એ બહારથી લાદેલું તત્કાલીન નિયંત્રણ છે, જ્યારે શાંતિ એ અંદરથી ઉદ્ભવતો સર્વકાલીન સંતોષમય સંયમ છે. ‘અશાંતસ્ય કુત: સુખમ્?’ પરથી ફલિત થાય છે કે અશાંતને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સુખ મળતું નથી. જ્યારે શાંતિ ધારણ કરી રાખનારને બધા સમયે બધા સ્થળે સુખ મળતું જ રહે છે. એને માટે બધી દિશાઓ સુખમય બની જાય છે. શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે કે, ‘અભિમાન રહીત, જિતેન્દ્રિય, શાંત, સમદ્રષ્ટિવાળા અને મારી પ્રાપ્તિથી સંતોષ અનુભવનારને બધી દિશાઓ સુખમય બને છે.’
મુલ્લા નસરુદ્દીન ભાગ્યે જ જાહેરમાં પ્રવચન આપવા જતા.એક ગામના લોકોએ ખૂબ આગ્રહ કરી તેમને પ્રવચન માટે મનાવ્યા.પ્રવચનના દિવસે આયોજકો મુલ્લાને લઈને નિયત સમયે પ્રવચન સ્થળે પહોંચ્યા. મુલ્લાએ શ્રોતાઓ સામે એક દ્રષ્ટિપાત કર્યો અને તેમને પૂછ્યું – ‘મારે જે વિષય પર બોલવાનું છે તે વિશે તમે જાણો છો ?’ બધા એક સાથે બોલી ઊઠ્યા: ‘હા.’ મુલ્લા ઊભા થઈને ચાલવા લાગ્યા.આયોજકો અને શ્રોતાગણના કેટલાકે કારણ પૂછ્યું. – ચાલતા ચાલતા મુલ્લા કહેવા લાગ્યા, ‘મારે જેના વિશે બોલવાનું છે તે વિશે લોકો જાણે જ છે પછી મારે કહેવાની શું જરૂર ?’ આયોજકો મુલ્લાને છોડે એમ નહોતા.થોડા સમય પછી તેઓ ફરીથી તેમની પાસે ગયા. ફરીથી બીજો કોઈ વિષય નક્કી કર્યો. તેઓ નિયત દિવસે મુલ્લાને લઈ પ્રવચન સ્થળે પહોંચ્યા. મુલ્લાએ શ્રોતાઓને પ્રશ્ર્ન કર્યો, ‘મારે જે વિષય પર બોલવાનું છે તે વિશે તમે જાણો છો ?’ પહેલાના અનુભવને યાદ કરી બધા લોકો એક સાથે બોલી ઉઠ્યા, ‘ના.’ મુલ્લા ઊભા થઈને ચાલવા લાગ્યા.બધાએ કારણ પૂછ્યું. મુલાએ કહ્યું, ‘મારે જે વિષય પર બોલવાનું છે તે વિશે શ્રોતાઓ કશું જાણતા જ નથી. મારા બોલવાનો શો અર્થ? અજ્ઞાનીઓને ગમે તેટલું કહેવામાં આવે પણ કોઈ લાભ થઈ શકે તેમ નથી.’ થોડો સમય પસાર થયા પછી આયોજકો ફરી મુલ્લા પાસે ગયા તેમને પ્રવચન માટે મનાવ્યા.બીજો કોઈ વિષય નક્કી કરાયો.તેઓ મુલ્લાને લઈને સ્થળ પર ગયા.મુલ્લાએ ત્રીજી વાર પણ શ્રોતાઓને એ જ પ્રશ્ર્ન કર્યો, ‘મારે જે વિષય પર બોલવાનું છે તે વિશે તમે જાણો છો ?’ પહેલા અને બીજા અનુભવને યાદ કરી શ્રોતાઓમાંથી અડધાએ હા કહી અને અડધાએ ના પાડી.મુલ્લા ઊભા થઈને ચાલવા લાગ્યા અને કહેવા લાગ્યા – ‘જે અડધા લોકો જાણે છે,તે જે અડધા લોકો નથી જાણતા તેમને જણાવી દે.મારે બોલવાની જરૂર જ ક્યાં છે ?’ આમ યુક્તિથી મુલ્લાએ બોલવાનું ટાળી દીધું.
જીવનનું ખરું તત્ત્વ શબ્દો કરતા મનથી વધુ સમજાતું હોય છે.આમ ગુરુ મૌન સંભાષણથી શિષ્યોને જ્ઞાન આપતા.
મૌનથી આપણને શાંતિ મળે છે.શાંતિ આપણી તંદુરસ્તી જાળવી રાખવાનું અજોડ સાધન છે.એ આપણા સુખનું ટોનિક છે.એ વિના કિંમતે મળે છે. છતાં આપણે તેનો કેટલો ઓછો લાભ ઉઠાવીએ છીએ ! મહાન વિચારક આલ્ડસ હક્સલી લખે છે: “The 20th century among other things is the age of noise. Physical noise, mental noise and the noise of desire. We hold history record for all of them.’
ઘોંઘાટ – અવાજ અભિશાપ જેવા બની ગયા છે. સંશોધનકર્તાઓનું એવું કહેવું છે કે માનવીની શક્તિનો સૌથી વધારે વ્યય બોલવાથી થાય છે. મૌનથી શક્તિનો ગજબનાક સંચય થાય છે.વાણીનો અતિરેક એની શક્તિઓને વેરવિખેર કરી નાખે છે. એની ચિત્તવૃતિ અને આત્મવૃત્તિને ધૂંધળી અને અવ્યવસ્થિત કરી નાખે છે.એટલે જ શાસ્ત્રોએ માનવીને મૌનસેવી કે મિતભાષી થવાનો ઉપદેશ આપ્યો છે.ખાસ સંજોગોમાં વ્યવહારગત રીતે વાણીનો પ્રયોગ જરૂરી હોય ત્યારે મિતભાષણ કરવું. શબ્દો ટેલિગ્રાફિક રીતે વાપરવા.કોઈને પત્ર લખતા હોઈએ છીએ ત્યારે લખાણ એકદમ ટૂંકું કરી દેતા હોઈએ છીએ.એક કે બે વાક્યમાં કહેવાનું બધું આવી જાય તેવો સંદેશો લખતા હોઈએ છીએ.કેમકે ત્યાં એક એક શબ્દ પર મોટી કિંમત લાગતી હોય છે.મારા પરમ મિત્ર જાણીતા કવિ,લેખક અને વાર્તાકાર મનોહર ત્રિવેદી મને પોસ્ટકાર્ડ લખતા ત્યારે પોસ્ટકાર્ડની માત્ર એક બાજુ જ લખતાં અને તે પણ અડધા ભાગમાં જ લખતા ! તેમની આ લાઘવ લેખન શૈલી મને ખૂબ જ સ્પર્શી ગઈ છે. ઋષિમુનિઓ પણ ‘સૂત્રાત્મક’ રીતે જ બોલતા હતા.વાણીનું પણ એક તપ છે.એવા તપથી પાવન થયેલી વાણી બોલવી.કોઈને પ્રશ્ર્ન થાય કે અહીં તો વાણીનું મહાત્મ્ય સમજાયું છે તો મનનો મહિમા ક્યાંથી સિદ્ધ થાય? શ્રીમદ્ ભગવદ્ગીતામાં વાણીનું તપ સમજાવ્યા પછી મૌનનું તપ પણ સમજાવાયું છે :
મનપ્રસાદ: સૌમ્યત્વં મૌનં આત્મવિનિગ્રહ:
ભાવ શં શુદ્ધિરિત્યેતત્ તપો માનસમુચ્યતે॥
‘પ્રસન્નતા,સૌમ્યપણું,આત્મ – સંયમ અને ભાવની શુદ્ધિ એ બધાં મનનાં તપ છે.’
આમાં મનના તપનાં લક્ષણોમાં મૌનનો સમાવેશ થયો છે.મૌન વાણી કરતાં વધુ ચઢિયાતું છે.એમાં એક અપવાદ ધ્યાનમાં લેવો પડે કે વાણી જ્યારે ભગવન્નામ સ્મરણ કે ભગવદ્ગુણાનુવાદમાં વપરાય છે ત્યારે તે મૌન જેટલી જ મહિમાવંત બની જાય છે.જેની બીજી બધી વાણી છૂટી જાય છે પણ ભગવાનના ગુણગાન ગાવાના છૂટતા નથી.મૌનમાં આત્માનુસંધાન છે.તેથી તેનું અનાહત સ્મરણ છે. ચૂપકીદી ‘નિષેધાત્મક’ મૂલ્ય ધરાવે છે,જ્યારે મૌન ‘વિધેયાત્મક’ મૂલ્ય ધરાવે છે.શબ્દ ન બોલવાથી તેના પર સ્વામીત્વ રહે છે.ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો,પણ બોલાયેલો શબ્દ તમારો માલિક બની જાય છે.
શબ્દો જ મારામારી કરાવે છે.શબ્દો જ ગેરસમજ કરાવે છે.જીવનભરના સંબંધો તોડાવે છે.ખરાબ શબ્દો પારાવાર યાતના આપે છે.આમાંથી બચવાનો એક સચોટ ઉપાય છે,મૌન રહેવું.દુર્જનના મુખેથી નીકળેલા દુર્વચનરૂપી સર્પના દંશથી ઉદ્ભવેલી વિષ વ્યથાને દૂર કરનારું ઔષધ મનરૂપી શાંતિ છે. તેથી તેનું પાન કરવું.ઘણીવાર કંઈ ન કહેવાથી પણ ઘણું કહેવાય જાય છે.વિલિયમ જેમ્સનું સરસ વિધાન છે :”if you can’t say good and encouraging things, say nothing. Nothing is often a good thing to say.’ જો તમે સારું બોલી શકો એમ ન હો કે યોગ્ય વાતને પ્રોત્સાહન આપી શકો એમ ન હો,તો યોગ્ય છે કે કશું જ ન બોલો.કંઈ જ ન બોલવું એ ઘણીવાર કહેવા માટેની સારી વાત છે અને કશું જ ન કહેવું,એ હંમેશાં કશું કહેવા માટેની સારી વાત હોય છે.
ફેસબુક, ટ્વિટર, બ્લોગ્સ અને નેટ યુગમાં મૌન આકાર બદલે છે.કોઈ બાબતમાં ટપ્પો ના પડતો હોય તેમાં ટીકા – ટિપ્પણી ના કરીએ એ મૌન જ ગણાય.અહીં માઉથ ‘શટ’ જ રહે છે.હાથનાં આંગળાં ઝાલ્યાં ના રહે એવું બને.મૌન શીખવું જોઈએ.જે ના સમજાય ત્યાં લાઈક પણ શું લેવા આપવી ? કમેન્ટમાં ઊતરીને યુદ્ધ કરવું તો બહુ દૂરની વાત છે.
સોક્રેટીસ પાસે આવીને એક યુવાને કહ્યું, ‘મારે પ્રખર વક્તા થવું છે.મારી વાક્પ્રતિભા વિકસે એ માટે આપ શું માર્ગદર્શન આપશો?’ સોક્રેટીસે કહ્યું ,‘મૌન રહેશો તો જ બીજાને સાંભળતા શીખશો.’
થાકી ગયેલા કંઠમાં ગીતો કદી ક્યાં ખૂટતા ?
છે મૌન છાતી સોંસરું ને પીંજરામાં કંઈ નથી.
– વારિજ લુહાર