ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

પરણ્યા પહેલા સજ્યા લાડી, ભાગવા પ્રિયતમ સંગ રે…..
‘સૌદાગર’ ફિલ્મમાં પ્રિયતમની વાટ જોતી પદ્મા ખન્ના ‘સજના હૈ મુજે સજના કે લિએ, જરા ઉલઝી લટેં સંવારલૂં, હર અંગ કા રંગ નિખાર લૂં’ ગાય છે ત્યારે એ કોઈ બ્યૂટી પાર્લરમાં નથી બેઠી હોતી. અલબત્ત, ‘પરણ્યા એટલે પ્યારા લાડી’ બન્યા પછી પ્રિયતમ સાથે જીવનની નવી સફર શરૂ કરી ‘ચાલો આપણા ઘેર રે’ના ઉત્સાહથી થનગનતી હોય છે. આજે તો ક્ધયા લગ્ન કરવા માંડવે બેઠી હોય એના કરતાં વધુ સમય બ્યૂટિ પાર્લરમાં બિરાજમાન હોય છે.

જો કે, યુપીના કાનપુર શહેરમાં લગ્ન પહેલા બ્યૂટી પાર્લરમાં તૈયાર થવા ગયેલી ક્ધયા મનમાં ‘સજના હૈ મુજે બોયફ્રેન્ડ કે લિએ’ ગણગણતી હશે એનો અણસાર પણ કોઈને ન આવ્યો. થયું એવું કે આગલા દરવાજેથી પાર્લર પહોંચેલી ક્ધયાએ સૌંદર્ય નિખારી લીધું અને પછી પાછલા દરવાજે રાહ જોઈ રહેલા બોયફ્રેન્ડ સાથે ‘પરણ્યા પહેલા સજ્યા લાડી, ભાગી પ્રિયતમ સંગ રે’ના રટણ સાથે પોબારા ગણી ગઈ.

બાપાએ નક્કી કરેલા મુરતિયા સામે પ્રિયતમનું પલડું ભારે સાબિત થયું. ક્ધયાના પિતાશ્રીએ હકીકત વરરાજાને જણાવી અને જાન લીલા તોરણના માંડવેથી વિલા મોઢે પાછી ફરી. બનતા બનતા રહી ગયેલા જમાઈએ અપમાનનો કડવો ઘૂંટડો ગળે ઉતારી લીધો અને સસરાની પદવી છીનવાઈ ગયા પછી ક્ધયાના બાપુજીએ બેટીની અને એના બોયફ્રેન્ડની સાન ઠેકાણે લાવવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે… અંગ્રેજી ભાષાની ‘ફિગર્સ ઓફ સ્પીચ’ (ગુજરાતીમાં અલંકાર)નું વિશિષ્ટ ઉદાહરણ Marriage is not a word, but a sentence જેનો ભાવાર્થ છે ‘લગ્ન એક સજા છે’ નો સાક્ષાત્કાર વરરાજાને થયો કે ક્ધયાને થશે એ તમે જાતે નક્કી કરી લો.

હનીમૂન પછી સીધા ડિવોર્સ!
લગ્ન ભલે યુવક પોતાની પસંદગીની યુવતી સાથે કરે, લગ્નના પ્રસંગો તો યુવતીની ઈચ્છા અનુસાર કરવામાં શાણપણ છે. લગ્ન વિધિ – પ્રસંગમાં થોડી બાંધછોડ કરવી પડે તો શ્રીમતી ફરિયાદ નહીં કરે, પણ હનીમૂન પ્લેસ તો રોમેન્ટિક અને પત્નીની પસંદગીની જ હોવી જોઈએ. જો એમ ન થયું તો શું થાય પૂછો ભોપાલની ભામિનીને.

આઈટી પ્રોફેશનલ સાથે લગ્ન કર્યા પછી પૈસાની છૂટ હોવાથી હનીમૂન માટે વિદેશ જવાના ક્ધયાના કોડ હતા પણ મિસ્ટરને વિદેશ સામે વાંધો હતો અને અંતે મધુરજની માટે ગોવા જવાનો નિર્ણય થયો. ગોવાના રમણીય બીચ, વોટરફોલ, નાઈટ ક્લબ… ભોપાલની ભામિનીને દિવસે સપનાં આવવા લાગ્યા. જો કે, હનીમૂન માટે નીકળવાને આગલે દિવસે એ બધા સપનાંનો ચકનાચૂર થઈ ગયા જ્યારે પતિએ કહ્યું કે ‘આપણે ગોવા નથી જતા, પણ ધાર્મિક સ્થળે પપ્પા – મમ્મીને લઈ દર્શને જઈએ છીએ.’ પત્ની સમસમી ગઈ. પ્રભુ સામે એને કોઈ પ્રોબ્લેમ નહોતો અને એક આદર્શ ગૃહિણીની જેમ જાત્રાસ્થળે જઈ પણ આવી, સાસુ- સસરાની સંભાળ સુધ્ધાં રાખી. પતિ પણ જોતો રહી ગયો કે આ શું જોઈ રહ્યો છું.

જો કે, ઘરે પાછા ફર્યા પછી ભામિનીએ જે ભડાકો કર્યો એ પતિશ્રી આજીવન નહીં ભૂલે. શ્રીમતી પહોંચ્યા સીધા ફેમિલી કોર્ટમાં જઈને છૂટાછેડા માટે અરજી ઠપકારી દીધી છે. જો કે, ફેમિલી કોર્ટ યુગલને સમજાવી આ ડિવોર્સ કેસ દફનાવી દેવાની કોશિશ રહી છે.

આજનો એલેક્ઝાન્ડર એઆઈને આંગણે
ઈશ્ક – મોહબ્બત માટે અઢળક ગીતો લખાયાં છે, જેમાંનું એક છે ‘વો સાત દિન’ માટે આનંદ બક્ષીએ લખેલું ‘પ્યાર કિયા નહીં જાતા હો જાતા હૈ, દિલ દિયા નહીં જાતા હો જાતા હૈ’. જો કે, આજના ટેકનોલોજીના ટાઈમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(એઆઈ)ની ઘૂસણખોરી હવે દિમાગથી દિલ સુધી પહોંચી ગઈ છે. કોલેજ કેન્ટિન કે બસ સ્ટોપ પર લાઈન મારવાની કળા હવે જુનવાણી ગઈ છે. જમાનો સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન ડેટિંગનો છે. અત્યાર સુધી કાગળ પર લવ લેટર સહિત અનેક લખાણ માટે જેની વિશેષ મદદ લેવાઈ રહી છે એ ‘ચેટ જીપીટી’ ની મદદ જીવનસંગીની મેળવવા માટેનો ક્લાસિક કિસ્સો જાણવા મળ્યો છે.

સિંગલ એલેક્ઝાન્ડર ઝાદાનને ડબલ થવાની ઈચ્છા થઈ, પણ કઈ ક્ધયા પોતાના માટે યોગ્ય છે એ નક્કી કરવાની જવાબદારી ‘ચેટ જીપીટી’ને સોંપી. ટેક્નોલોજીએ એક વર્ષમાં ૫૦૦૦ ક્ધયાની વિગતો ચાળી ‘તારી જીવનસાથી બનવા કરીના ઈમારનોવના નામની
યુવતી યોગ્ય પાત્ર છે’ એવો ચુકાદો આપી દીધો. દિમાગનાં કામ કરી આપતી ટેક્નોલોજી
હવે દિલનો મામલો સંભાળવા લાગી છે. મજાની વાત તો એ છે કે પ્રેમિકાને ખબર જ નથી કે ‘દિલ પુકારે આ રે આ રે’ પ્રેમીએ ગાયું જ નથી. પોતે ટેકનોલોજીની ભલામણ છે એની
જાણ થતા હવે પત્ની બની ગયેલી કરીનાને આંચકો નહોતો લાગ્યો એ જાણી અનેક લોકોને આંચકો લાગ્યો હશે. ૨૩૫૫ વર્ષ પહેલાં એલેક્ઝાન્ડર (સિકંદર) દુનિયા જીતવા નીકળ્યો હતો. આજનો એલેક્ઝાન્ડર અંગત સફળતા મળ્યા પછી બીજા માટે આદર્શ સાથીદાર

શોધી આપી દિલની દુનિયામાં વિજય પ્રાપ્ત થાય એવો સોફ્ટવેર પ્રોગ્રામ તૈયાર કરવાનું વિચારી રહ્યો છે.

ઊંઘવા માટે ‘ચાઈનીઝ હાલરડાં’
‘નીંદ નહીં આતી બડી લંબી રાત હૈ’ એકવીસમી સદીના યંગસ્ટર્સનું આ રાષ્ટ્રગીત છે. મીઠી નીંદર માટે પૈસા ચૂકવવા પડે એ હદે રઘવાયું જીવન અનેક ઠેકાણે જોવા મળે છે. આજે યંગસ્ટર્સને સારી નોકરીમાં પગાર અને પર્ક્સ સાથે સ્ટ્રેસ – તણાવ ફ્રીમાં મળે છે. વાત એ હદે વણસી કે વિકસી ગઈ છે કે ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’ના ક્લાસ ફૂટી નીકળ્યા છે, જેમાં તણાવ મુક્ત રહેવા શું કરવું એ શીખવવામાં આવે છે. સ્પેશિયલ મેટ્રેસ, વિશિષ્ટ ઓશિકા – પિલો, સ્લીપ ઍપ, માથે અથવા પગના તાળવે લગાડવાનું ખાસ તેલ, આઈ માસ્ક અને સ્લીપ સ્પ્રે જેવી પ્રોડક્ટ ઊંઘવામાં મદદરૂપ થવા બજારમાં ઉપલબ્ધ છે.

ટૂંકમાં તમારાં પોપચાં બીડાઈ જાય અને તમને ગાઢ નીંદર આવે એ માટે ‘ઊંઘનું અર્થશાસ્ત્ર’ વિકસ્યું છે. નવા ગતકડાં અને અખતરામાં અગ્રસર રહેવાની કોશિશ કરતા ચીને આ નવી ‘સ્લીપ ઈકોનોમી’માં પોતાના આઈડિયા વહેતા મૂકી દીધા છે. દેશના પાટનગર બીજિંગમાં ચાઈનીઝ હિલર પોતાના ગ્રાહકો મીઠી નીંદર ખેંચી શકે એ માટે રકાબી ઘાટના ઘંટનો ધ્વનિ, યુક્રેનના વોટર ડ્રમ, રેઈન સ્ટિક અને અન્ય સાધનના અવાજનો ઉપયોગ કરી રહી છે. આ પદ્ધતિમાં સંગીત વાગતું હોવાથી એને ‘લાઈ ફ્લેટ કોન્સર્ટ’ (આડા પડવાનો સંગીત કાર્યક્રમ) એવું રૂપકડું નામ આપવામાં આવ્યું છે. ચીનમાં ૩૦ કરોડ લોકો અનિદ્રાથી પીડાય છે એ વાતાવરણમાં ૫૦ મિનિટ મીઠી નીંદર ‘ખરીદવા’ લોકો હોશે હોશે ૨૫ ડૉલર (આશરે બે હજાર રૂપિયા) રૂપિયા ખર્ચી રહ્યા છે. આજની દુનિયામાં દરેક વસ્તુની એક કિંમત હોય છે.

કોલેજની કુટેવથી કરોડપત્ની
કથીરમાંથી ‘કંચન’ કહેવતથી તમે જરૂર પરિચિત હશો. પથ્થરને પારસ બનાવવાની આવડત વિશે પણ સાંભળ્યું હશે. કોઈ વ્યક્તિ જ્યારે હલકી કે તુચ્છ વસ્તુને પોતાની આવડતથી મૂલ્યવાન બનાવી દે ત્યારે આવી કહેવત વાપરવામાં આવે છે.

યુએસના બાલ્ટીમોર શહેરમાં ૪૦ વર્ષની જેનિફર લેરાસ નામની મહિલાને કોલેજના દિવસોની કુટેવએ કરોડપત્ની બનાવી દીધી છે. વાત એમ છે કે કોલેજકાળમાં જેનિફરને કચરો વીણવાની કુટેવ હતી. આપણા દેશના ગામડામાં રહેતી હોતતો માએ આખી શેરીના ઘઉંમાંથી કાંકરા વીણવા બેસાડી દીધી હોત. અનેક લોકો એની આ કુટેવની હાંસી ઉડાવતા હતા, પણ એક પ્રોફેસરે કૂણી લાગણી બતાવી એને ડમ્પસ્ટર ડ્રાઈવિંગ (વાહન લઈ કચરો વીણવા નીકળવું) શીખી કથીરમાંથી કંચન શોધવા સમજાવ્યું. જેનિફર માટે તો ભાવતુંતુંને વૈદે કીધા જેવો ઘાટ થયો. ગ્રેજ્યુએશન પૂરું કરી સારા પગારની નોકરી મેળવવાને બદલે મેડમે તો કચરાની લાઈન પકડી લીધી. કચરામાંથી ક્યારેક સાવ કચરો મળે તો ક્યારેક ઠીકઠાક વસ્તુ મળી જાય અને ક્યારેક મોંઘીદાટ વસ્તુ પણ હાથ લાગે. મેડમ આ કામમાં વર્ષે દહાડે એક લાખ ડૉલર (આશરે ૮૩ લાખ રૂપિયા) કમાઈ લે છે. વેક્યુમ ક્લિનર, જ્વેલરી, ડિઝાઈનરબેગ્સ, કિચન ગેજેટ્સ જેવી વિવિધ વસ્તુઓ એને હાથ લાગી છે. ખપ હોય એવી વસ્તુ ઘરમાં રાખી લે છે. બાકી મોંઘીદાટ વસ્તુ વેચાણમાં મૂકી રોકડા કરી લે છે અને ક્યારેક દાનધર્મ પણ કરી લે છે.

લ્યો કરો વાત!
માનવ મગજમાં ૮૬૦૦૦ મિલિયન ન્યુરોન્સ હોય છે, જયારે મધમાખીમાં માંડ એક મિલિયન ન્યુરોન હોય છે. તેમ છતાં એ શૂન્યને ઓળખી શકે છે એ વાત હેરત પમાડનારી જરૂર છે. આ જાણકારી પછી વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા છે કે જો મધમાખીનું આવડું નાનું મગજ શૂન્યને પારખી શકે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વ્યવસ્થાને પણ આ વાત સમજાવીને એની પાસે ઘણા કામ કરાવી શકાશે.

આપણા દેશમાં તો મધમાખીઓની અસંખ્ય જાત છે એટલે આ પ્રયોગને આગળ વધારવામાં આપણને ઘણી સુગમતા પડશે એવું માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button