Lion-Leopard Death: ગુજરાતમાં સિંહ-દીપડાના મૃત્યુમાં વધારો, વેટરનરી ડોક્ટરની 80% જગ્યાઓ ખાલી
ગાંધીનગર: રાજ્યનું વન અને વન્યજીવન વિભાગે દાવો કરી રહ્યું છે કે અકુદરતી કારણોસર દીપડા અને સિંહોના મૃત્યુના બનાવો રોકવા માટે વેટરનરી ડોકટરોની ભરતી સહિતના પગલાં લેવમાં આવી રહ્યા છે, પરંતુ સોમવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલ ડેટા અલગ જ હકીકત વ્યક્ત કરે છે. આંકડાઓ મુજબ લગભગ વન્યજીવ સંભાળ કેન્દ્રોમાં ડોકટરોની મંજૂર કાયમી જગ્યાઓમાંની 80 ટકા ખાલી છે.
વાંસદાના કોંગ્રેસના વિધાનસભ્ય અનંતકુમાર પટેલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, સરકારે ડેટા ગૃહ સમક્ષ મુરજુ કર્યા હતા. ડેટા દર્શાવે છે કે 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, વન્યજીવ સંભાળ કેન્દ્રોમાં ડૉક્ટરોની 18 મંજૂર કરાયેલી કાયમી જગ્યાઓમાંથી 14 જગ્યાઓ ખાલી છે, જેમાં ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના કેન્દ્રોનો સમાવેશ થાય છે. જો કે, રાજ્ય સરકારે અન્ય 13 વેટરનરી ડોક્ટરોને કોન્ટ્રાક્ટ પર રાખ્યા છે. જેમાં જૂનાગઢમાં પાંચ, ભાવનગર અને ગીર સોમનાથમાં બે-બે અને પોરબંદર, મોરબી, અમરેલી અને બનાસકાંઠામાં એક-એકનો સમાવેશ થાય છે.
ડેટા મુજબ અકુદરતી કારણોસર દીપડાઓ મૃત્યુમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે કુદરતી કારણોસર દીપડાના બચ્ચાના મોત એક વર્ષમાં લગભગ બમણા થઈ ગયા છે.
જ્યારે અનંતકુમાર પટેલે એ જાણવાની માંગ કરી કે શા માટે કાયમી જગ્યાઓ ભર્યા વિના વેટરનરી અધિકારીઓને કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂક કરવામાં આવે છે? જેનો સરકારે કોઈ ચોક્કસ જવાબ આપ્યો ન હતો. સરકારે કહ્યું કે “જ્યાં સુધી વેટરનરી ઓફિસર વર્ગ 2 ની સીધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી રેસ્ક્યુ, ટ્રીટમેન્ટ, મેઇન્ટેનન્સ વગેરેના કામના મહત્વને ધ્યાનમાં રાખીને પોસ્ટ કોન્ટ્રાક્ટના આધારે ભરવામાં આવે છે.”
કોંગ્રેસના દાણીલીમડાના વિધાન સભ્ય શૈલેષ પરમારે સિંહ, દીપડા અને તેમના બચ્ચાના મૃત્યુ અંગે પૂછેલા તારાંકિત પ્રશ્નના જવાબમાં સરકારે આપેલા ડેટા દર્શાવે છે કે વર્ષ 2022 માં કુદરતી કારણોસર 100 દીપડાના મૃત્યુ સામે, 2023 માં આંકડો નજીવો ઘટીને 93 થયો છે. 2022 માં 27 દીપડાના બચ્ચા કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા, જ્યારે 31 ડિસેમ્બર, 2023 સુધીમાં આંક વધીને 52 થયો હતો.
અકુદરતી કારણોસર દીપડાના મૃત્યુની સંખ્યા 2022માં 42 હતી, જે 2023માં વધીને 59 થઈ હતી. વર્ષ 2022માં અકુદરતી કારણોસર સિંહોના મૃત્યુની સખ્યા 7 હતી જે વધીને વર્ષ 2023માં 14 થઈ હતી.
બીજી તરફ કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં જણાવ્યું હતું છેલ્લા પાંચ વર્ષમાં કુલ 555 એશિયાટિક સિંહોના મૃત્યુ થયા છે પરંતુ તેમના મૃત્યુ દરમાં કોઈ વધારો થયો નથી. ગુજરાતનું ગીરનું જંગલ એશિયાટીક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. સરકારી ડેટા અનુસાર, ગીરમાં આ સિંહોની સંખ્યા 2015માં 523 હતી જે વધીને 2020માં 674 થઈ ગઈ છે.
એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય પ્રધાન અશ્વિની કુમાર ચૌબેએ લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં 555 સિંહોના મોત થયા છે. 2019માં 113, 2020માં 124, 2021માં 105, 2022માં 110 અને 2023માં 103 સિંહો મૃત્યુ પામ્યા હતા.