ચિલીમાં જંગલોની ભીષણ આગ રહેવાસી વિસ્તારમાં ફેલાઇઃ 46 લોકોના મોત
વીના ડેલ માર (ચિલી): મધ્ય ચિલીના જંગલોમાં લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. હવે ચિલીના ગીચવસ્તી ધરાવતા વિસ્તારો પણ આગની ઝપટમાં આવી ગયા છે. જેમાં આગમાં સળગી જવાના કારણે ઓછામાં 46 લોકોના મોત થયા હતા.
ફાયર વિભાગ આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ આગ એટલી ગંભીર બની ગઈ છે કે તેના પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ફેલાયેલી વિશાળ આગને કારણે ઓછામાં ઓછા 46 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 1,100 ઘરો બળીને રાખ થઈ ગયા.
રાષ્ટ્રને સંબોધતા દેશના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 46 લોકો મૃત્યુ પામ્યા છે અને મૃત્યુઆંક વધવાની ધારણા છે કારણ કે વાલપરાઇસો ક્ષેત્રમાં ચાર સ્થળોએ મોટા પ્રમાણમાં આગ ફાટી નીકળી હતી અને અગ્નિશામકોને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે.
લોકોને ફાયર ફાઇટર્સને સહકાર આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે જો તમને વિસ્તાર ખાલી કરવાનું કહેવામાં આવે તો આમ કરવામાં અચકાશો નહીં. આગ ઝડપથી ફેલાઈ રહી છે અને આબોહવાની પરિસ્થિતિઓને કારણે કાબૂમાં આવવું મુશ્કેલ બની ગયું છે. તાપમાન ઊંચું છે, પવન જોરથી ફૂંકાઈ રહ્યો છે અને ભેજ ઓછો છે.
ચિલીના ગૃહ પ્રધાન કેરોલિના તોહાએ શનિવારે જણાવ્યું હતું કે દેશના કેન્દ્ર અને દક્ષિણના 92 જંગલોમાં આગ લાગી છે જ્યાં આ અઠવાડિયે તાપમાન અસામાન્ય રીતે ઊંચુ રહ્યું છે. સત્તાવાળાઓએ લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવા ભલામણ કરી હતી, કારણ કે વાલપરાઈસો વિસ્તારમાં સૌથી ભીષણ આગ શરૂ થઈ હતી.
વાલપરાઈસો વિસ્તારમાં ત્રણ આશ્રય શિબિર બનાવવામાં આવી છે. તોહાએ કહ્યું કે બચાવ ટીમો હજુ પણ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. તોહાએ કહ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે આ વિસ્તારમાં 19 હેલિકોપ્ટર અને 450થી વધુ ફાયર કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.