સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની થશે ઉજવણી, પીએમ-રાષ્ટ્રપતિ સહિતની હસ્તીઓ લેશે ભાગ
મોરબી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ટૂંક સમયમાં જ ગુજરાતની મુલાકાત લેશે. મોરબી જિલ્લાના ટંકારામાં તેઓ આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ આ કાર્યક્રમમાં આર્યસમાજના સભ્યોને સંબોધન પણ કરશે.
આયોજન સમિતિ દ્વારા અપાયેલી માહિતી અનુસાર 10થી 12 ફેબ્રુઆરી સુધી યોજાનારા આ કાર્યક્રમમાં 11 ફેબ્રુઆરીએ પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે જ્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 10 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન સમારોહમાં રૂબરૂ હાજરી આપશે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ 12 ફેબ્રુઆરી 1824ના રોજ ટંકારામાં થયો હતો, તેમણે તેમનું સમગ્ર જીવન વૈદિક જ્ઞાન અને સાંસ્કૃતિક વારસાની જાળવણીમાં સમર્પિત કરી દીધું હતું. બાળવયમાં તેમણે શિવરાત્રીનું વ્રત કરી જાગરણનો સંકલ્પ કર્યો હતો.
જો કે એક રાત્રે શિવાલયમાં તેમણે કેટલાક ઉંદરોને શિવલીંગ પર આંટાફેરા મારતા જોયા હતા, ત્યારે તેમના બાળમાનસમાં ઉથલપાથલ થઈ અને તત્કાળ બોધ થયો કે મુર્તિ તો જડ પ્રતિક છે સાચા શિવ નથી. આ ઘટનાને પગલે તેમણે સાચા શિવનો સાક્ષાત્કાર કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો અને આગળ જતા આર્યસમાજની સ્થાપના થઇ.
તેમણે મૂર્તિપૂજા, અવતારવાદ, મૃત્યુ પછીના ક્રિયાકાંડ, બહુદેવવાદ અને બાળલગ્નનો વિરોધ કર્યો હતો. તેઓ નર્મદા નદીના કિનારે ભ્રમણ કરતા કરતા ચાંદોદ પાસે તેમણે વિદ્વાન સાધુ પૂર્ણાનંદ સરસ્વતીથી પ્રભાવિત થઈ તેમની પાસેથી સંન્યાસ ગ્રહણ કર્યો હતો અને પોતાનું નામ ‘દયાનંદ સરસ્વતી’ રાખ્યું હતું.