મુંબઈગરાને મળશે વધારાનું પાણી
ગંદા પાણી પર પ્રક્રિયા કરનારા ડિસેલિનેશન પ્રોજેક્ટનું કામ ઝડપી બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈનો પાણીપુરવઠો સંપૂર્ણપણે ચોમાસા પર આધાર રાખતો હોય છે. મુંબઈને સાત જળાશયોમાંથી પ્રતિદિન ૩,૮૫૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. વધતી જતી વસતી સામે વધતી પાણીની માગને પહોંચી વળવા અને ચોમાસા પરની નિર્ભરતા ઓછી કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા આગામી વર્ષમાં અનેક પ્રોેજેક્ટ હાથ ધરવાની છે, જેમાં સૌથી મહત્ત્વનો દરિયાના ખારા પાણી પર પ્રક્રિયા કરવાનો ડિસેલિનેશન પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના આર્થિક બજેટમાં તે માટે ૩૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
પાલિકા પ્રાયોગિક ધોરણે કોલાબા ખાતે ગંદા પાણી પર પ્રક્રિયા કરીને તેને પીવા સિવાયના અન્ય ઉપયોગ માટે વાપરવા યોગ્ય બનાવવાનો પ્લાન્ટ ચાલુ કરવાની છે. ચોમાસા દરમિયાન વિહાર તળાવમાંથી છલકાઈને વહી જતા પાણીને ભાંડુપ કૉમ્પલેક્સ તરફ વાળીને તેને પીવા યોગ્ય બનાવવા માટે ૨૦૦ એમએલડી ક્ષમતાનો પપિંગ સ્ટેશન બનાવવાની છે. આ પ્રોજેક્ટ માટે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં ૨,૪૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
મુંબઈ મહાનગરપાલિકા તેના સાત જળાશયોમાંથી મુંબઈને પ્રતિદિન ૩,૮૫૦ એમએલડી પાણીપુરવઠો કરે છે. ચોમાસું નબળું હોય તો જળાશયમાં અપૂરતા પાણીને કારણે મુંબઈને પાણીકાપનો સામનો કરવો પડે છે. એ ઉપરાંત શહેરમાં પાણીની વધતી માગને પહોંચી વળવા માટે પાલિકા હજી પણ સંઘર્ષ કરી રહી છે. પાણીની જરૂરિયાતને પહોંચી માટે પાલિકા જળાશયો સિવાયના પાણીપુરવઠાના અન્ય સ્ત્રોત વિકસાવવા માટે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે છેલ્લા અનેક વર્ષોથી માત્ર કાગળ પર જ રહ્યા છે.
પાલિકાએ મલાડના મનોરી ખાતે ભવિષ્યમાં ૪૦૦ એમએલડી સુધી વિસ્તરણ કરી શકાય તેવા ડિસેલિનેશન પ્લાન્ટના નિર્માણ માટે ટેન્ડિરિંગની પ્રક્રિયા શરૂ કરી છે. પાલિકાના પોતાના હાલના જૂના અને નબળા બની ગયેલા ૧,૯૧૦ એમએલડી પ્લાન્ટને બદલીને તેને ૨,૦૦૦ એમએલડી ક્ષમતા સાથેનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની યોજનાને આગળ કરી રહી છે. આ પ્રોજેક્ટ માટે નાણાંકીય વર્ષમાં ૩૬૦ કરોડ રૂપિાયની જોગવાઈ કરવામાં આવી છે.
પાલિકા અમલ મહેલ (ચેંબુર)થી ટ્રોમ્બે રિઝવિજ્ઞયર સુધી વોટર ટનલ બનાવી રહી છે, તે માટે ૭૦ કરોડ રૂપિયા અને અમર મહેલથી વડાલા અને આગળ પરેલ સુધી વોટર ટનલ બનાવી રહી છે, તે માટે ૨૮૦ કરોડ રૂપિયા અને પવઈથી ઘાટકોપર સુધીની ટનલ માટે ૨૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તો જળાશયોના માળખાકીય સમારકામ માટે ૨૧૭.૫૪ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
પાલિકા ગંદા પાણીને પીવા સિવાયના અન્ય કામ માટે ઉપયોગમાં લઈ તે માટે કોલાબા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૩૭ એમએલડી ક્ષમતાનો બનાવી રહી છે. પાલિકાના અધિકારીના કહેવા મુજબ ૬૦ ટકા પીવા યોગ્ય પાણી વાસણ-કપડા ધોવામાં, ન્હાવામાં અને બગીચામાં ઝાડોને પાણી આપવામાં બરબાદ થઈ જાય છે. તેથી પ્રક્રિયા કરેલા પાણીનો પીવા સિવાયના આ તમામ કામ માટે રિસાઈકલ કર્યા બાદ ઉપયોગ કરી શકાય છે. એમ કરવાથી લાખો લિટર પાણીની બચત થઈ શકે છે.