સ્પોર્ટસ

યશસ્વી ભવ! ઇંગ્લૅન્ડના પાંચેય બોલર ભારતીય ઓપનરને ન નમાવી શક્યા, ડબલ સેન્ચુરીથી બહુ દૂર નથી

વિશાખાપટ્ટનમ: ટેસ્ટ સિરીઝની પ્રથમ મૅચ જીતીને પ્રચંડ જોશ અને જુસ્સા સાથે અહીં આવેલી ઇંગ્લૅન્ડની ટીમના બોલરોએ કૅપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ સહિત ભારતના છ બૅટરને બહુ સસ્તામાં પૅવિલિયન ભેગા કરી દીધા હતા, પરંતુ પાંચમાંથી એકેય બોલર બાવીસ વર્ષના યશસ્વી જયસ્વાલને આઉટ નહોતો કરી શક્યો.

યશસ્વી એકલા હાથે તેમની સામે લડ્યો હતો. સિક્સર સાથે ટેસ્ટ કારકિર્દીની બીજી સેન્ચુરી કરીને દિગ્ગજ ભારતીયોની હરોળમાં આવી ગયેલો યશસ્વી પહેલા દિવસની રમતને અંતે 179 રને રમી રહ્યો હતો. છઠ્ઠી ટેસ્ટમાં તેની આ બીજી સદી છે અને અગાઉનો 171 રનનો આંકડો તેણે પાર કરી લીધો હતો અને ડબલ સેન્ચુરીની નજીક પહોંચી ગયો હતો. શનિવારના બીજા દિવસે પહેલા સત્રમાં જ તે ડબલ સેન્ચુરીની અનેરી સિદ્ધિ મેળવી લેશે એવું તેના અદ્ભુત ફૉર્મ પરથી ખાતરીથી કહી શકાય.

યશસ્વીએ 257 બૉલની ઇનિંગ્સમાં પાંચ સિક્સર અને સત્તર ફોર ફટકારી હતી. તે જબરદસ્ત આત્મવિશ્ર્વાસ સાથે રમ્યો હતો. 93 ઓવરને અંતે રમતનો અંત જાહેર કરાયો ત્યારે ભારતનો સ્કોર છ વિકેટે 336 રન હતો.

નવાઈની વાત એ છે કે ભારતની ઇનિંગ્સમાં યશસ્વીના અણનમ 179 રન પછીનો બીજો મોટો સ્કોર શુભમન ગિલનો હતો જેણે 46 બૉલમાં પાંચ ફોરની મદદથી 34 રન બનાવ્યા હતા અને જેમ્સ ઍન્ડરસનના બૉલમાં તેના બૅટની એજ લાગતાં તે વિકેટકીપર બેન ફૉક્સના હાથમાં કૅચઆઉટ થયો હતો.

ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કરનાર રજત પાટીદારે 72 બૉલમાં 32 રન બનાવ્યા હતા. યશસ્વી સાથે ચોથી વિકેટ માટે તેની 70 રનની ભાગીદારી થઈ હતી. ખરેખર તો યશસ્વીએ બીજી બે હાફ સેન્ચુરી પાર્ટનરશિપ પણ કરી હતી. શ્રેયસ ઐયર સાથે તેણે ત્રીજી વિકેટ માટેની 90 રનની અને અક્ષર પટેલ સાથે પાંચમી વિકેટ માટે બાવન રનની ભાગીદારી કરી હતી. જોકે વ્યક્તિગત રીતે ઐયર 27 રન અને અક્ષર 27 રનનું યોગદાન આપી શક્યા હતા.

વિકેટકીપર શ્રીકાર ભરત 17 રન બનાવીને નવા સ્પિનર શોએબ બશીરને ઇન્ટરનૅશનલ કરીઅરનો પ્રથમ કૅચ આપી બેઠો હતો. તેની વિકેટ રેહાન અહમદે લીધી હતી. રમતને અંતે યશસ્વીની સાથે આર. અશ્ર્વિન પાંચ રને રમી રહ્યો હતો. છેલ્લા સત્રમાં ભારતે 111 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ ગુમાવી હતી.

છ ફૂટ ચાર ઇંચ ઊંચા નવા સ્પિનર શોએબ બશીર અને બીજા સ્પિનર રેહાન અહમદે બે-બે વિકેટ અને ત્રીજા સ્પિનર ટૉમ હાર્ટલી તેમ જ પીઢ પેસ બોલર જેમ્સ ઍન્ડરસને એક-એક વિકેટ લીધી હતી. 184મી ટેસ્ટ રમી રહેલા ઍન્ડરસનના નામે હવે 691 વિકેટ થઈ છે અને 700 કે વધુ વિકેટ લેનાર મુથૈયા મુરલીધરન અને શેન વૉર્નની બરાબરીમાં આવવા ઍન્ડરસનને બીજી માત્ર નવ વિકેટની જરૂર છે.

શોએબ બશીરે રોહિત શર્માને આઉટ કરીને કરીઅરની પહેલી વિકેટ નોંધાવી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બશીરની આ માત્ર 11મી વિકેટ હતી.

ભારતે ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતા. ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ નથી રમ્યા. તેમના સ્થાને કુલદીપ યાદવને અને રજત પાટીદારને રમાડવામાં આવ્યા છે. પાટીદારની આ ડેબ્યૂ મૅચ છે. મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને મુકેશ કુમારને રમવાની તક અપાઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…