ગુજરાત જાયન્ટ્સની મહિલા ક્રિકેટરને સ્કિન કૅન્સર, ડબ્લ્યુપીએલમાં નહીં રમે
સિડની: 2023માં મહિલાઓ માટેની આઇપીએલ જેવી સૌપ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ને જબરદસ્ત સફળતા મળી એટલે આ વખતની સીઝનની બધા કાગડોળે રાહ જોઈ રહ્યા છે. દેશ-વિદેશની ખેલાડીઓ ઑક્શન પછી હવે ઍક્શનની તૈયારી કરી રહી છે, પરંતુ એમાં ગુજરાત જાયન્ટ્સ ટીમને અને એ ટીમના ફૅન્સને બૅડ ન્યૂઝ મળ્યા છે. આ ટીમની ઑસ્ટ્રેલિયન લેફ્ટ-આર્મ સીમ બોલર લૉરેન ચીટલને ગરદન પર સ્કિન કૅન્સર થયું છે જેને કારણે તે ડબ્લ્યૂપીએલમાંથી નીકળી ગઈ છે.
ચીટલ બાહોશ ખેલાડી છે, કારણકે તેને 2021માં પહેલી વાર સ્કિન કૅન્સર થતાં ત્યારે તેણે એની સારવાર શરૂ કરાવી હતી. પચીસ વર્ષની આ પ્લેયર સ્વસ્થ થઈ જતાં તેણે ફરી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને ડિસેમ્બર, 2023માં ઑસ્ટ્રેલિયન ટીમ સાથે ભારત આવી હતી અને વાનખેડે સ્ટેડિયમની ટેસ્ટમાં રમી હતી.
ગુજરાત જાયન્ટ્સે તેને 23મી ફેબ્રુઆરીએ શરૂ થનારી ડબ્લ્યૂપીએલ માટે સાઇન કરી હતી, પણ તે હવે આ ટૂર્નામેન્ટ મિસ કરશે. આ વખતની વિમેન્સ બિગ બૅશ લીગમાં સિડની સિક્સર્સ વતી રમીને 21 વિકેટ લેનાર લૉરેન ચીટલ હવે ગરદનની સારવાર કરાવીને થોડા અઠવાડિયામાં માત્ર સ્થાનિક સ્તરે પાછી રમવા માગે છે.