આમચી મુંબઈ

મહારાષ્ટ્રને ડ્રોન હબ બનાવવાની તૈયારી ૧૮ ડ્રોન કેન્દ્ર નિર્માણનો પ્રસ્તાવ, આઈઆઈટી-બોમ્બેમાં મુખ્યાલય

પુણે: રાજ્ય સરકારે ‘મહારાષ્ટ્ર ડ્રોન મિશન’ માટે પરવાનગી આપી દીધી છે. એના અંતર્ગત રાજ્યમાં ડ્રોન કેન્દ્રોનું નેટવર્ક (જાળું) તૈયાર કરવામાં આવશે. એ અનુસાર છ વિભાગીય અને બાર જિલ્લાસ્તરીય એમ કુલ ૧૮ ડ્રોન કેન્દ્ર ઊભા કરવામાં આવશે. ડ્રોન કેન્દ્રોનું મુખ્યાલય આઈઆઈટી મુંબઈમાં રાખવામાં આવશે. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગે આ બાબતે નિર્ણય લીધો હતો. ડ્રોન ટેક્નોલોજીના વધી રહેલા વપરાશને પગલે ઔદ્યોગિક ક્ષેત્રમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. પ્રશાસકીય ક્ષેત્રમાં પણ આ ટેકનોલોજી ઘણી મદદરૂપ નીવડે છે. આ વાતાવરણમાં મહારાષ્ટ્રને ડ્રોન કેન્દ્ર (હબ) તરીકે વિકસાવવાના ઉદ્દેશ સાથે આઈઆઈટી મુંબઈ દ્વારા મહારાષ્ટ્ર ડ્રોન મિશનનો સવિસ્તર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ અને ટેકનોલોજી શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ અહેવાલમાં ડ્રોન અભિયાનનો ઉદ્દેશ, ડ્રોન ટેકનોલોજી ઉપયોગની સંભવિત શક્યતા, એની સામે રહેલા પડકારો, ડ્રોન વાપરવા અંગેના પ્રચલિત નિયમો અને કાયદા વગેરેનો સમાવેશ છે. એ અનુસાર રાજ્યના એન્જિનિયરિંગ શિક્ષણ અને સંશોધન સંસ્થા, સરકારી યંત્રણા તેમજ ઔદ્યોગિક સંસ્થાઓના સહભાગથી ડ્રોન ટેકનોલોજી વિકસાવવાનો પ્રસ્તાવ છે. પાંચ વર્ષમાં આ પ્રોજેક્ટ આર્થિક દ્રષ્ટિએ આત્મનિર્ભર કરવાની યોજના છે. આ પ્રોજેક્ટના અમલ માટે રાજ્ય સરકાર તરફ્થી ૨૩૮ કરોડ ૬૩ લાખ રૂપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button