‘વંચિત’નો મહાવિકાસ આઘાડીમાં સમાવેશ નથી થયો
મુંબઈ: વંચિત બહુજન મોરચાનો સમાવેશ મહા વિકાસ આઘાડી (મવિઆ)માં કરવામાં આવ્યા હોવાના સમાચાર મંગળવારે વહેતા થયા હતા. ૩૦ જાન્યુઆરી, મંગળવારે મુંબઈની ટ્રાયડન્ટ હોટેલમાં મળેલી મહા વિકાસ આઘાડીની બેઠકમાં ‘વંચિત’નો સમાવેશ મવિઆ કરવામાં આવ્યો હોવાનો દાવો કરતા સમાચાર અનેક ટીવી ચેનલ પર વહેતા થયા હતા. એટલું જ નહીં, મવિઆએ અધિકૃત પત્ર જારી કરી વંચિતને સહભાગી કરવામાં આવ્યું હોવાની ઘોષણા સુધ્ધાં કરી હતી. આ પત્ર પર કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, શિવસેના ઠાકરે જૂથના સંસદસભ્ય સંજય રાઉત અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના શરદ પવાર જૂથના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલના હસ્તાક્ષર છે. જોકે, વંચિત બહુજન મોરચાનો સમાવેશ મહા વિકાસ આઘાડીમાં નથી થયો એવી સ્પષ્ટતા ‘વંચિત’ના પ્રમુખ પ્રકાશ આંબેડકરે ૨૪ કલાકમાં જ કરી છે.અકોલામાં પત્રકાર પરિષદમાં શ્રી આંબેડકરે જણાવ્યું કે ‘હજી સુધી ‘વંચિત’ના મહા આઘાડીમાં સમાવેશ નથી થયો. એનું કારણ એટલું જ છે કે સમાવેશ કરવા માટે કૉંગ્રેસના દિલ્હી હાઈકમાન્ડની માન્યતા મળે એ જરૂરી છે. હાઇકમાન્ડે એ માન્યતા આપી છે કે નહીં એની જાણ નથી.