ઈન્ટરવલ

વડા પ્રધાન મોદી સાથે વેર બાંધીને માલદીવના પ્રમુખ મોઈઝુએ મુશ્કેલી વહોરી

આમ તો લાંબાં સમયથી આપણા સંબંધો સારા હતા ને એમાં અચાનક એવો યુ-ટર્ન આવ્યો કે….

પ્રાસંગિક -અમૂલ દવે

ભારત અને માલદીવ વચ્ચેના સંબંધ અચાનક વણસીને એકદમ તળિયે બેસી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવના ત્રણ પ્રધાનોએ મોદી વિશે અણછાજતી અને અયોગ્ય ટીકા કરતાં ભારત રોષે ભરાયું અને માલદીવ સાથે ઘર્ષણ નિર્માણ થયું પછી માલદીવના પ્રમુખ મોહમ્મદ મોઇઝુએ નવી દિલ્હીને ૧૫ માર્ચ સુધી તેના લશ્કરી જવાનોને માલદીવમાંથી દૂર કરવા જણાવ્યું છે. જો કે ચીનની દેખીતી રીતે હિમાયત કરવાનું પ્રમુખને ભારે પડી ગયું છે .ત્યાં આના પગલે પ્રમુખ અને વિરોધ પક્ષ વચ્ચે જંગ ચાલુ થઈ ગયો છે.

માલદીવના મુખ્ય વિરોધી પક્ષે ચીનતરફી મોઈઝુ સામે ‘ઈમ્પીચમેન્ટ મોશન’ એટલે કે મહાભિયોગ સંસદમાં લાવી છે. સંસદમાં મુખ્ય વિરોધ પક્ષ ‘માલદીવિયન ડેમોક્રટિક પાર્ટી’ ની બહુમતી છે અને મહાભિયોગ માટે સહી ભેગી કરવાનું શરૂ થયું છે. વિરોધ પક્ષોએ ચીનના જાસૂસી જહાજને માલેમાં લાંગરવાની સંમતિ આપતાં આક્રમક બન્યા છે. ગયા અઠવાડિયે, આ બધા મુદ્દે સંસદમાં શાસક પક્ષના સભ્યોએ વિરોધ પક્ષના સભ્યોની મારપીટ કરી હતી.

માલદીવના પ્રમુખ એમના ભારતવિરોધી વલણને લીધે બેકફૂટ પર છે. અત્યાર સુધી ભારતને મિત્ર ગણવામાં આવતું હતું એમાં પ્રમુખે ઓચિંતા ભારત વિરોધી તેવર દેખાડ્યા છે. વિરોધ પક્ષોએ પ્રમુખને ભારતવિરોધી અને દેશના લાંબા ગાળાના
વિકાસને હાનિકારક પગલાં લેનારા કહ્યા છે. વિરોધ પક્ષોએ એ વાત પર વિશેષ ભાર મૂક્યો છે કે માલદીવની સલામતી માટે હિન્દી મહાસાગરની સ્થિરતા અને સુરક્ષા અગત્યની છે.

મોઇઝુ ચીનની યાત્રાથી પાછા ફર્યા બાદ માલદીવે ભારતને જવાન હટાવવાની ઔપચારિક વિનંતી કરી છે. ભારતનું પ્રાદેશિક હરીફ ચીન માલદીવને ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યું છે. માલદીવમાં સરકાર પ્રેરિત ‘ઈન્ડિયા આઉટ’ ઝુંબેશ ચાલી રહી છે.મોઇઝુએ ભારતની વગ ઓછી કરવાને તાજેતરની પ્રમુખપદની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનાવ્યો હતો.એ ચીનની કઠપૂતળી બનતા જાય છે. સપ્ટેમ્બરમાં એ સત્તા પર આવ્યા ત્યારથી ભારત – માલદીવ વચ્ચે તંગદિલી વધતી રહી છે.

આ ટચૂકડા ટાપુમાં પ્રભુત્વ જમાવવા ભારત અને ચીન વચ્ચે હરીફાઇ ચાલી રહી છે. બંને દેશે આ ટાપુમાં માળખાકીય સુવિધા ઊભી કરવા જંગી રોકાણ કર્યું છે અને માલદીવને મોટી લોન પણ આપી છે. ફક્ત પાંચ લાખની વસતિવાળા આ દેશ પર અગાઉ ભારતનું વર્ચસ્વ હતું, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ચીનની દરમિયાનગીરી વધી ગઈ છે. મોઇઝુની ચીનની મુલાકાત દરમિયાન બન્ને દેશોએ સવર્ગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારી કરવાનું નક્કી કર્યું હતું. આને લીધે ચીન માલદીવમાં જંગી રોકાણ કરે એવો તખ્તો ગોઠવાયો છે. માલદીવને જાહેર ઋણના ૨૦ ટકા એટલે ૧.૩૭ અબજ ડૉલર ચીનને આપવાના છે એવી માહિતી વિશ્ર્વ બૅન્કે આપી હતી.

ભારતની પડોશી ‘પ્રથમ’ની નીતિનો સૌથી વધારે લાભ માલદીવને મળ્યો છે. માલદીવ હિન્દી મહાસાગરમાં ભારતનું મેરીટાઈમ સહયોગી છે. માલદીવ વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વનું છે. તે લક્ષદ્વીપના મિનિકોય ટાપુથી ૭૦ દરિયાઈ માઈલ અને પશ્ર્ચિમ કાંઠાના ભારતના મેનલેન્ડથી ૩૦૦ દરિયાઈ માઈલ દૂર છે. માલદીવમાં રડાર, હેલિકૉપ્ટર અને વિમાનની જાળવણી અને સંચાલન ભારત કરે છે. હાલમાં માલદીવમાં ૭૦ ભારતીય જવાન છે.

જાન્યુઆરીમાં માલદીવના ત્રણ પ્રધાને મોદીને ‘જોકર અને આતંકવાદી’ કહેતા મામલો બિચક્યો હતો. ભારતના વિરોધને પગલે આ પ્રધાનોને સસ્પેન્ડ કરાયા પછી ભારતમાં માલદીવના બહિષ્કારની ઝુંબેશ શરૂ થઈ હતી. માલદીવના પ્રમુખે કહ્યું છે કે અમારો દેશ નાનો હશે, પરંતુ તેનાથી અન્ય દેશને અમને દબાવવાનો અધિકાર
મળતો નથી.

માલદીવ માટે ભારતના સહેલાણીઓ મહત્ત્વના છે. ગયા વર્ષે માલદીવ જનારા સહેલાણીઓમાં ૧૧ ટકા ભારતીયો હતા. કોરોના મહામારી દરમિયાન આ દેશના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. કોરોના પછી માલદીવ જનારા ચીનના સહેલાણીઓ ઓછા થઈ ગયા હતા. માલદીવ એવી
આશા રાખે છે કે ચીન તેના ટુરિસ્ટને માલદીવ જવાનું પ્રોત્સાહન આપશે.

નવા પ્રમુખ આવ્યા બાદ તંગદિલી વધતી જાય છે
જો કે માલદીવને ખબર હોવી જોઈએ કે ભારતને નારાજ
કરવાથી રાજકીય તંગદિલી ઓર વધશે. માલદીવે તેના ચીન અને ભારતના સંબંધમાં સમતુલા રાખવી પડશે. પ્રમુખનો ચીન તરફનો ઝુકાવ ભારતને માટે ખતરનાક હશે. પ્રમુખે જાણવું જોઈએ કે ભારત અને માલદીવના લોકો સદીથી એક ગાઢ નાતો ધરાવે છે. આથી ચીનના પ્રભાવમાં એ નાતો તોડી નાખવો આસાન નહીં હોય. વિસ્તારવાદી ચીન ખંધું છે અને એ માલદીવની હાલત શ્રીલંકા કરતાં પણ બદતર કરીને ભારતના પડોશી દેશનો ઉપયોગ લશ્કરી મથક અને જાસૂસી માટે કરવા માગે છે. માલદીવ માટે ચીન જોડેની નિકટતાનો અર્થ તેના સાર્વભૌમત્વ અને આઝાદી પર ખતરો હશે.

ગુજરાતી કનેકશન…
પુરાતત્ત્વવિદો અને ઈતિહાસકારો વચ્ચે સર્વસંમતિ છે કે માલદીવના પ્રથમ રહેવાસીઓ મુસ્લિમ ન હતા. એમના મતે માલદીવમાં સ્થાયી થનારા સૌ- પ્રથમ લોકો કદાચ ગુજરાતી ભારતીયો હતા, જે લગભગ ૫૦૦ ઈસ પૂર્વ પહેલા શ્રીલંકા પહોંચ્યા હતા અને પછી ત્યાંથી માલદીવમાં સ્થાયી થયા હતા.

મહાવંશ શિલાલેખ, અનુરાધાપુરાની મહાસેનાના સમયગાળાની શ્રીલંકાનો એક ઐતિહાસિક ઈતિહાસ છે, શ્રીલંકાથી માલદીવમાં લોકોના સ્થળાંતરની વિગતો આપે છે. જો કે, કેટલાક ઈતિહાસકારો એવી દલીલ કરે છે કે માલદીવમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયગાળામાં પણ અગાઉ વસવાટ કરવામાં આવ્યો હશે, પરંતુ માલદીવમાં પુરાતત્ત્વીય ખોદકામમાં મળેલી કલાકૃતિઓ ઈસ્લામિક સમયગાળા પહેલા દેશમાં હિન્દુ ધર્મની હાજરીના નક્કર પુરાવા આપે છે.

આ દ્વીપસમૂહમાં ઇસ્લામના પ્રસાર પહેલા બૌદ્ધ ધર્મ પ્રચલિત હતો, જે ત્રીજી સદી પૂર્વે સમ્રાટ અશોકના વિસ્તરણ ઝુંબેશનો એક ભાગ હોઈ શકે છે. સમ્રાટ અશોક પાટલીપુત્રના વિશ્ર્વ પ્રસિદ્ધ અને શક્તિશાળી મૌર્ય વંશના વિખ્યાત સમ્રાટ હતા. અશોક બૌદ્ધ ધર્મનો સૌથી વધુ પ્રચાર-પ્રસાર કરનારા રાજા હતા. સમ્રાટ અશોકનું પૂરું નામ દેવનામપ્રિયા અશોક હતું. ૩૦૪થી ઈસ પૂર્વ અને ૨૩૨ ઈસ પૂર્વ દરમિયાન એમનું શાસન રહ્યું. પાટલીપુત્ર આજનું પટના છે.

માલદીવમાં ઈસ્લામનો ઉદય કોઈ અચાનક ઘટના ન હતી. તેના બદલે તે ૧૨મી સદી દરમિયાન આરબ વેપારીઓના આગમન સાથે શરૂ થયું હતું. આરબ વેપારીઓએ તત્કાલીન બૌદ્ધ રાજાઓ સાથે સંબંધો વિકસાવવાનું શરૂ કર્યું. પાછળથી શોધાયેલી તાંબાની તકતીઓ અનુસાર, માલદીવના બૌદ્ધ રાજા ધોવેમી કલામિંજા સિરી થિરીબુવના-અદિત્થા મહારાદુન, ૧૧૫૩ અથવા ૧૧૯૩માં ઇસ્લામ અપનાવ્યો હતો. તે પછી અહીં ઇસ્લામનો ફેલાવો શરૂ થયો.

એશિયાનો સૌથી નાનો દેશ…

માલદીવનું અધિકૃત નામ છે રિપબ્લિક ઓફ માલદિવ્સ. દક્ષિણ એશિયામાં હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ દેશ છે. તે શ્રીલંકા અને ભારતથી દક્ષિણ-પશ્ર્ચિમ દિશામાં આવેલો છે. માલદીવ ૨૬ ટાપુમાં વહેંચાયેલો છે, જે ૨૯૮ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે, જેથી વિસ્તાર તેમજ વસતિની દ્રષ્ટિએ માલદીવ એશિયાનો સૌથી નાનો દેશ ગણાય છે. માલદીવની વસતિ ૪૨૭,૭૫૬ વ્યક્તિઓની છે. માલે દેશની રાજધાની અને સૌથી મોટું શહેર છે, જે રાજાનો ટાપુ તરીકે જાણીતું છે. ચીનના ઈશારે તાજેતરમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતું માલદીવ પોતાનો ઈતિહાસ અને તેના ખરાબ દિવસો ભૂલી રહ્યું છે. જ્યારે પણ મદદની જરૂર પડી છે ત્યારે ભારત આ નાના ટાપુ દેશને મદદ કરવા માટે પ્રથમ રહ્યું છે.. અહીંના ટાપુઓ પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે વિશ્ર્વ પ્રસિદ્ધ છે. અહીંની સંસ્કૃતિ દક્ષિણ ભારત અને શ્રીલંકાની નિકટતાથી પ્રભાવિત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button